Gujarat PNG and CNG News: છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં એલપીજી અને પીએનજી ગેસને લઇને નાગરિકોના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યાં છે, ગેસ સિલિન્ડર નહીં મળે તો એ ગભરાટના કારણે થોડા દિવસો પહેલા એલપીજી લેવા માટે લોકોની લાંબી લાઇનો લાગી હતી. જોકે રાજ્યમાં એલપીજી, પીએનજી કે સીએનજી જથ્થાની કોઇપણ પ્રકારની અછત ન હોવાનું અને સમગ્ર બાબતે સારી રીતે સ્થિતિ જળવાય રહે તે દિશામાં સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં હોવાનું વિધાનસભાગૃહમાં રાજ્યના ઉર્જા અને પેટ્રોલિયમમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવાયું છે. છેલ્લા 10 દિવસમાં અંદાજીત 12 હજારથી વધુ PNG કનેક્શનની નોંધણી થઇ હોવાનું અને CNGમાં પણ કોઇ અછત નથી તેમ તેમણે કહ્યું છે.
ગુજરાતમાં અંદાજે 37 લાખથી વધુ ઘરેલુ PNG ગ્રાહકો
ઉર્જા અને પેટ્રોલિયમમંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભાગૃહમાં જણાવ્યા અનુસાર, ગુજરાત દેશના ગેસ આધારિત ઊર્જા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. રાજ્યમાં ગેસ આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ મજબૂત છે અને ભારતની કુલ રિગેસિફિકેશન ક્ષમતામાંથી આશરે 62% ક્ષમતા ગુજરાતમાં છે. ગુજરાત રાજ્યમાં કાર્યરત CGD કંપનીઓના અંદાજે 1,073 CNG સ્ટેશનો છે અને અંદાજે 37 લાખથી વધુ ઘરેલુ PNG ગ્રાહકો છે. જે દેશના કુલ PNG ગ્રાહકોના આશરે 23% છે. તમામ ગ્રાહકો માટે સતત અને વિશ્વસનીય ગેસ પુરવઠો જાળવવા માટે સંકલિત આયોજન કરવામાં આવી રહ્યું છે.
PNG અને CNGને 'પ્રાથમિકતા-1' તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા
રાજ્યમાં આવશ્યક સેવાઓ માટે ગેસ પુરવઠો જાળવી રાખવા માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ગેસ કંપનીઓ દ્વારા સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકાર દ્વારા 9 માર્ચ 2026ના ગેઝેટ નોટીફીકેશનથી ઘરેલુ PNG અને વાહન માટેનો CNG જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને પ્રાથમિકતા-1 તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ ક્ષેત્રોને 100% ગેસ પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે, જેથી સામાન્ય નાગરિકોને કોઈ અસુવિધા ન થાય.
વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિને કારણે LNG વેપારમાં સંભવિત વિક્ષેપની શક્યતા ઊભી થઈ છે. પરંતુ GSPC પાસે લાંબા ગાળાના LNG પુરવઠા કરાર છે. ઉપલબ્ધ LNG સ્ટોક ભારત સરકારના નોટીફીકેશન અનુસારના વર્તમાન વપરાશ મુજબ પૂરતો છે. ઉપરાંત, મધ્ય પૂર્વ સિવાયના દેશોમાંથી પણ વધારાના LNG કાર્ગોની ખરીદી માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિમાં ઔદ્યોગિક ક્ષેત્ર માટે ગેસ પુરવઠામાં ભારત સરકારના નોટીફીકેશન અનુસાર મર્યાદિત કાપ લાગુ કરવામાં આવ્યો છે. જોકે આવનારા સમયમાં LNGના નવા કાર્ગો થકી ઔદ્યોગીક ક્ષેત્રે ગેસ પુરવઠાની સ્થિતિ વધુ સુદ્રઢ થશે.
આશરે 12,000થી વધારે નવા PNG કનેક્શનની નોંધણી કરવામાં આવી
મુખ્યમંત્રી તથા મંત્રીઓ દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક ગેસ પુરવઠા સંબંધિત વર્તમાન પરિસ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા કરવામાં આવે છે તેમજ આ પરિસ્થિતિની દેખરેખ માટે મુખ્ય સચિવના અધ્યક્ષપદ હેઠળ સમિતિ રચવામાં આવી છે. CGD કંપનીઓ દ્વારા ઘરેલુ PNGના નવા ગ્રાહકો માટે વિવિધ યોજનાઑ અમલમાં મૂકવામાં આવી રહી છે તેમજ નવા નોંધાયેલા ગ્રાહકોને ગુજરાત ગેસ લી. તથા સાબરમતી ગેસ લી. દ્વારા રૂપિયા 500 સુધીનું કેશબેક આપવામાં આવે છે.
કોમર્શિયલ ગ્રાહકો જેવા કે હોસ્ટેલ, કેન્ટીન, હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, વગેરેને તાત્કાલિક PNG કનેક્શન આપવા માટે તમામ જરૂરી પગલાઓ લેવામાં આવી રહ્યા છે. છેલ્લા દસ દિવસમાં વિવિધ CGD કંપનીઓ દ્વારા આશરે 12,000થી વધારે નવા કનેક્શનની નોંધણી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં આવેલ તમામ CNG સ્ટેશન પર હાલમાં અવિરત પણે પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે અને અછતની કોઈ પરિસ્થિતી નથી. સરકાર દ્વારા CGD કંપનીઓ સાથે ગેસ પુરવઠાની નિયમિત સમીક્ષા કરવામાં આવે છે.
