મફત પુસ્તકો એમેઝોન પર વેચાવાના મામલે રાજકારણ ગરમાયું, હેમાંગ રાવલે કહ્યું- પાઠ્યપુસ્તક મંડળનો ખુલાસો કચરાપેટીમાં ફેંકવાલાયક

વિનામૂલ્યે આપવાના સરકારી પુસ્તકો એમેઝોન પર વેચાવાના વિવાદમાં કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે મંડળના નિયામક સામે ઉઠાવ્યા ગંભીર સવાલો. 5 રૂપિયાની માર્કેટપ્લેસ ફી પર માંગ્યો જવાબ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 24 Sep 2026 07:20 PM (IST)Updated: Thu, 24 Sep 2026 07:20 PM (IST)
gujarat-free-textbooks-on-amazon-congress-slams-boards-explanation

Amazon Textbook Controversy: ગુજરાતમાં વિનામૂલ્યે મળવાપાત્ર સરકારી પાઠ્યપુસ્તકો એમેઝોન (Amazon) પર વેચાવા મુકાવવાના વિવાદમાં હવે કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોઓર્ડિનેટર હેમાંગ મહીપતરામ રાવલે પાઠ્યપુસ્તક મંડળના નિયામક વિનયગીરી ગોસ્વામી દ્વારા આપવામાં આવેલા ખુલાસા સામે લાલઘૂમ થઈને આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મંડળનો આ સ્પષ્ટતાનો દાવો તદ્દન પાયાવહોણો છે અને તેને કચરાપેટીમાં ફેંકી દેવો જોઈએ, કારણ કે તેમાં કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા મૂળ પુરાવાઓનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

કોંગ્રેસના સવાલો અને પુરાવાઓ

કોંગ્રેસે અગાઉ એમેઝોનની લાઈવ લિંક, સ્ક્રીનશોટ અને સ્ક્રીન રેકોર્ડિંગ જાહેર કરીને સવાલ ઉઠાવ્યો હતો કે જે પુસ્તકો પર સ્પષ્ટપણે રાજ્ય સરકારની વિનામૂલ્યે યોજના હેઠળનું પુસ્તક છપાયેલું છે, તે ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચાણ માટે કેવી રીતે ઉપલબ્ધ થઈ શકે?

હેમાંગ રાવલે સવાલ કર્યો હતો કે જો મંડળ એમ કહે છે કે આ વેચાણ કોઈ ત્રાહિત સેલર દ્વારા થઈ રહ્યું છે, તો સરકારી વિતરણ વ્યવસ્થામાંથી આ પુસ્તકો તે સેલર સુધી પહોંચ્યા કેવી રીતે? જો આ ગેરકાયદેસર છે, તો મંડળ દ્વારા અત્યાર સુધી પોલીસ ફરિયાદ કેમ નથી કરવામાં આવી? કોંગ્રેસ તમામ દસ્તાવેજી પુરાવાઓ સાથે તપાસમાં સહકાર આપવા માટે તૈયાર છે.

5 રૂપિયાના માર્કેટપ્લેસ ફી પર સૌથી મોટો સવાલ

આ વિવાદ વચ્ચે સૌથી ગંભીર મુદ્દો 5 રૂપિયાની માર્કેટપ્લેસ ફીનો ઉભો થયો છે. શિક્ષણ મંત્રીએ અગાઉ જાહેરાત કરી હતી કે એમેઝોનથી પુસ્તકો મંગાવનાર વિદ્યાર્થીઓ કે વાલીઓએ કોઈપણ પ્રકારનો ડિલિવરી ચાર્જ ચૂકવવો નહીં પડે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જ્યારે કોઈ વાલી પુસ્તક કાર્ટમાં મૂકીને પેમેન્ટ કરવા જાય છે, ત્યારે 5 રૂપિયાનો ચાર્જ દેખાય છે.

કોંગ્રેસે સરકાર સામે સીધો સવાલ મૂક્યો છે કે,

  • આ 5 રૂપિયા કોણ વસૂલી રહ્યું છે અને શા માટે?
  • શિક્ષણ મંત્રીની “કોઈ ચાર્જ નહીં” વાળી જાહેરાત સાથે આ ફી નો શું સંબંધ છે?

સરકાર માત્ર કોંગ્રેસના આક્ષેપોને ભ્રામક ગણાવીને પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં, પરંતુ આ સવાલોના પારદર્શક જવાબો જનતા સમક્ષ આપવા જ પડશે.

વિતરણ વ્યવસ્થા સામે લાંબી શંકાઓ

અગાઉ પણ વિનામૂલ્યે અપાતા સરકારી પુસ્તકો ખટારા ભરીને પસ્તીમાં જતા હોવાના કિસ્સાઓ અને તાજેતરમાં જ પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાં પાણી ભરાવાને કારણે કરોડોના પુસ્તકોને થયેલા નુકસાનની ઘટનાઓ પણ તપાસના દાયરામાં છે. હવે ઓનલાઇન પ્લેટફોર્મ પર આ પુસ્તકોના વેચાણના પુરાવાઓ સામે આવ્યા બાદ સમગ્ર સપ્લાય ચેઈન અને વિતરણ પ્રણાલી પર ગંભીર સવાલો ઊભા થયા છે.

ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોર્યા વિના શિક્ષણ વિભાગ અને પાઠ્યપુસ્તક મંડળે આ સમગ્ર મામલે સ્પષ્ટ ખુલાસો આપવો અનિવાર્ય બન્યો છે.