Gujarat FDCA Codeine Drive: ગુજરાતમાં કોડીનયુક્ત દવાના ગેરકાયદેસર ઉપયોગ, અનધિકૃત સંગ્રહ તથા વેચાણ પર નિયંત્રણ લાવવા માટે સરકાર દ્વારા રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીની સીધી સૂચનાથી ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ 1 સપ્ટેમ્બર 2026 ના રોજ વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી.
1 સપ્ટેમ્બર 2026 થી શરૂ કરેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત હાથ ધરેલી તપાસ દરમિયાન તંત્ર દ્વારા 83 લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ કે નિયમ વિરુદ્ધનો જથ્થો જપ્ત (પ્રતિબંધિત) કરવામાં આવ્યો છે. જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનાર 1 પેઢીનો દવાનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો અને અન્ય 7 પેઢીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ સંદર્ભે કહ્યું કે, તંત્ર દ્વારા કોડીન ઘટક ધરાવતી દવાના ગેરકાયદેસર સંગ્રહ, અનધિકૃત વેચાણ તથા ગેર ઉપયોગ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ સામે લાગુ કાયદા અને નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
જનતાના આરોગ્યના હિતમાં આવી દવાઓનો ઉપયોગ માત્ર માન્ય તબીબી પ્રિસ્ક્રિપ્શન તથા કાયદેસર માર્ગે જ થાય તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય તંત્ર દ્વારા આ પ્રકારની તપાસ અને દેખરેખની કાર્યવાહી રાજ્યભરમાં સતત ચાલુ જ રહેશે. આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત વિવિધ જિલ્લામાં આવેલ દવાના હોલસેલ તથા છૂટક વેપારીની સઘન તપાસ હાથ ધરી છે.
કયા જિલ્લામાં કયા એકમ પર કાર્યવાહી?
બાલાજી ફાર્મા, અમદાવાદ ગ્રામ્ય-ગાંધીનગર: તપાસ દરમિયાન પેઢીના હાજર સ્ટોકમાંથી કોડીન ઘટક ધરાવતી Rexton-T Syrup કુલ 37,762 બોટલ, MRP રૂ. 220/- પ્રતિ બોટલ, મળી આવી હતી. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. 83 લાખ થાય છે. આ જથ્થાને વધુ ઉપયોગ/વેચાણ ન થાય તે માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિ અંગે પેઢીને કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.
હેલ્થ પોઈન્ટ ફાર્મા, કલોલ-ગાંધીનગર: તા.31/08/2026 ના રોજ હાથ ધરાયેલી તપાસ દરમિયાન તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિ અંગે કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવેલ હતો. પેઢીનો ખુલાસો સંતોષકારક ન જણાતા પેઢીનો દવા વેચાણનો પરવાનો રદ કરવામાં આવ્યો છે.
ફાર્માલિન લાઈફસાયન્સિસ, ચાંગોદર: તપાસ દરમિયાન દવાઓના ખરીદ-વેચાણનાબીલ તથા અન્ય ક્ષતિ અંગે પેઢીને કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.
રેઈન રેમેડીઝ,સાંતેજ-ગાંધીનગર: આ પેઢીમાં કોડીન ઘટક ધરાવતી દવાના ખરીદ-વેચાણ સંબંધિત બીલ તથા અન્ય રેકોર્ડની ચકાસણી કરવામાં આવી છે. તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિ અંગે પેઢીને કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.
કેપિટલ ફાર્મા,વિસનગર-મહેસાણા: તપાસ દરમિયાન પેઢી મુખ્યત્વે કોડીન ઘટક ધરાવતી દવાઓનો વેપાર કરવામાં આવતો હોવાનું જણાયું છે. ખરીદ-વેચાણનાબીલ તથા અન્ય ક્ષતિ અંગે પેઢીને કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.
HRDM ગ્લોબલ સોલ્યુશન્સ, અમદાવાદ-1: તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિ અંગે પેઢીને કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.
જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સ, અમદાવાદ-1: તપાસ દરમિયાન કોડીન ઘટક ધરાવતી R Tuss TD Syrup કુલ 57 બોટલ, MRP રૂ. 158/- પ્રતિ બોટલ, હાજર સ્ટોકમાં મળી આવી હતી. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. 9,006/- થાય છે. જથ્થાને વધુ ઉપયોગ/વેચાણ ન થાય તે માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિ અંગે પેઢીને કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.
કૃષ્ણા ફાર્મા, કઠવાડા,અમદાવાદ-1: તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિ અંગે પેઢીને કારણદર્શક નોટિસ પાઠવવાની પ્રક્રિયા ચાલુ છે.
આ તમામ પેઢીઓની તપાસ દરમિયાન કોડીન ઘટક ધરાવતી દવાઓના ખરીદ તથા વેચાણના રેકોર્ડ, બીલ તથા અન્ય સંબંધિત દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. આ અંગેની આગળની તપાસ ચાલુ છે. આમ, કુલ 7 પેઢીને કારણદર્શક નોટિસ પાઠવી આનુષાંગિક પગલા ભરવામાં આવશે તથા એક પેઢીના પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.
