ગુજરાતમાં ESIC યોજનાનો વિસ્તાર, 31 જિલ્લામાં સંપૂર્ણ અમલ થશે; 1.20 કરોડ લોકોને મળશે સુરક્ષા કવચ

ગુજરાતના 31 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC નો સંપૂર્ણ અમલ કરવા અંગે શ્રમ અને રોજગાર મંત્રીએ જાહેરાત કરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 29 Sep 2026 03:36 PM (IST)Updated: Tue, 29 Sep 2026 03:36 PM (IST)
gujarat-esic-scheme-full-implementation-31-districts-1-20-crore-beneficiaries-rajkot-sro
શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયા

Gujarat ESIC Expansion: ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) ના વિસ્તરણ સંદર્ભે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે, ભારત સરકારે 25 સપ્ટેમ્બર, 2026 ના રોજ પ્રસિદ્ધ કરેલા જાહેરનામા મુજબ સામાજિક સુરક્ષા સંહિતા, 2020 હેઠળ 1 ઓક્ટોબર, 2026 થી ગુજરાતના 16 આંશિક અમલીકૃત અને 15 બિનઅમલીકૃત મળી કુલ 31 જિલ્લામાં ESIC યોજનાનો પૂર્ણ અમલ કરવામાં આવશે.

કુંવરજી બાવળિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, ESIC યોજનાના વ્યાપક વિસ્તરણના પરિણામે રાજ્યના અંદાજે 10 લાખ નવા શ્રમિકો અને તેમના પરિવારો સામાજિક સુરક્ષા કવચ હેઠળ આવરી લેવાશે. આ યોજના અંતર્ગત પાત્ર શ્રમિકોને કેશલેસ સારવાર, માંદગી દરમિયાન રોકડ સહાય, પ્રસૂતિ લાભ તેમજ અપંગતા સહાય જેવી વિવિધ આરોગ્યલક્ષી અને સામાજિક સુરક્ષાની સેવાઓ પ્રાપ્ત થશે.

તેમણે ઉમેર્યું કે, આ નિર્ણય હેઠળ ESIC સંપૂર્ણ અમલીકૃત 15 જિલ્લામાં અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, મહિસાગર, નર્મદા, પાટણ, તાપી અને વાવ-થરાદનો સમાવેશ થાય છે. આંશિક અમલીકૃત 16 જિલ્લામાં અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ખેડા, મહેસાણા, મોરબી, નવસારી, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત અને સુરેન્દ્રનગરના નિર્ધારિત વિસ્તારને આવરી લેવામાં આવ્યા છે.

આરોગ્ય સુવિધાઓ અંગે વધુ વિગતો આપતા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે, "હાલમાં રાજ્યમાં 103 ESIS ડિસ્પેન્સરીઓ અને 11 ESIC/ESIS હોસ્પિટલો કાર્યરત છે. આ ઉપરાંત શ્રમિકોને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે 234 CHC અને PHC ને એમ્પેનલ કરવામાં આવ્યા છે. સાણંદ ખાતે 350 બેડ અને કલોલ-ગાંધીનગર ખાતે 150 બેડની ક્ષમતા ધરાવતી ESIC હોસ્પિટલનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે.

હાલોલ-પંચમહાલ અને સાવલી-વડોદરા ખાતે 100-100 બેડની હોસ્પિટલો માટે જમીન ફાળવણીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આ સાથે મહેસાણા, ગાંધીધામ અને મોરબી ખાતે નવી ESIC હોસ્પિટલ શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને ભલામણ મોકલવામાં આવશે. અમદાવાદ ખાતે ESIC મેડિકલ કોલેજ કાર્યરત કરી દેવામાં આવી છે અને સુરત ખાતે નવી કોલેજની પ્રક્રિયા ચાલુ છે.

શ્રમિકોને ઘરની નજીક ઉત્તમ તબીબી સેવાઓ મળે તે હેતુથી છેલ્લા બે મહિનામાં 13 સરકારી અને 55 ખાનગી મળી કુલ 68 પ્રતિષ્ઠિત હોસ્પિટલોને ESIC ની પેનલમાં જોડવામાં આવી છે. આ ઉપરાંત PM-JAY હેઠળની 900 ખાનગી અને 1,127 સરકારી હોસ્પિટલો મારફતે પણ પાત્ર શ્રમિકોને સીધી કેશલેસ સારવારનો લાભ મળશે.

વહીવટી વ્યવસ્થા અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોના શ્રમિકોને સ્થાનિક સ્તરે જ સુવિધા મળી રહે તે હેતુથી રાજકોટ ખાતે નવી ESIC પેટા પ્રાદેશિક કાર્યાલય -Sub-Regional Office - SRO ને મંજૂરી આપવામાં આવી છે. આ નવી કચેરી શરૂ થવાથી સૌરાષ્ટ્રના 12 જિલ્લાના વહીવટી કામકાજ, યોગદાન અને કલેઈમ સંબંધિત તમામ કામગીરી વધુ ઝડપી અને સુચારુ રીતે હાથ ધરી શકાશે.

રાજ્યમાં હાલમાં અંદાજે 21.68 લાખ ESIC હેઠળ નોંધાયેલા કામદારો છે, તેમના પરિવારજનો મળીને કુલ આશરે 84 લાખ લાભાર્થીઓ આરોગ્ય તથા સામાજિક સુરક્ષાનો લાભ મેળવી રહ્યા છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સમગ્ર ગુજરાતમાં આ યોજના પૂર્ણપણે લાગુ કરવામાં આવ્યા બાદ વધુ 10 લાખ નવા કામદારો નોંધાશે. આ વ્યાપક વિસ્તરણના પરિણામે રાજ્યમાં નોંધાયેલા શ્રમિકોની સંખ્યા વધીને અંદાજે 32 લાખ સુધી પહોંચશે, જેનાથી તેમના પરિવારજનો સહિત રાજ્યના કુલ 1.20 કરોડ નાગરિકોને ESIC યોજના હેઠળ કેશલેસ સારવાર અને સામાજિક સુરક્ષાનું મજબૂત કવચ પ્રાપ્ત થશે.