Gujarat Ease of Doing Business Bill 2026: આગામી તહેવારોની મોસમ અને ખાસ કરીને નવરાત્રીના પાવન દિવસો શરૂ થાય તે પહેલાં જ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વેપારી વર્ગ અને ઉદ્યોગ જગત માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય વિધાનસભામાં 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ' અંતર્ગત ગુમાસ્તા ધારામાં જરૂરી સંશોધનો સાથેનું વિધેયક મંજૂર કરવામાં આવ્યું છે, જેના પરિણામે હવે ગુજરાતમાં વ્યાપારિક ગતિવિધિઓ વધુ સરળ બનશે.
24 કલાક ધમધમતા રહેશે ગુજરાતના વ્યાપારી હબ
સરકારના આ નવા નિર્ણય મુજબ હવે રાજ્યભરમાં આવેલી દુકાનો, શોપિંગ મોલ્સ, હોટલો તેમજ મલ્ટિપ્લેક્સ અને રેસ્ટોરન્ટ્સ રાઉન્ડ ધ ક્લોક એટલે કે 24 કલાક ખુલ્લા રાખી શકાશે. અગાઉ સમય મર્યાદાના કારણે રાત્રિના સમયે વેપાર-ધંધા પર જે નિયંત્રણો આવતા હતા, તેને કારણે વેપારીઓને મૂંઝવણ થતી હતી. પરંતુ હવે આ છૂટછાટ મળવાથી નાઈટ કલ્ચર ધરાવતા શહેરો અને મહાનગરોમાં વ્યાપારિક માહોલ વધુ જીવંત બનશે.
તહેવારો ટાણે અર્થવ્યવસ્થાને મળશે વેગ
નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારો નજીક છે ત્યારે આ નિર્ણયથી બજારોમાં ગ્રાહકોની ભીડ વધવાની અને વેપારમાં મોટો ઉછાળો આવવાની પૂરી સંભાવના છે. મોલ અને હોટલ ઉદ્યોગ સાથે જોડાયેલા વ્યવસાયોને આનાથી સીધો આર્થિક લાભ મળશે. તહેવારોની ખરીદી માટે આવતા ગ્રાહકો હવે સમયની કોઈ પણ મર્યાદા વગર નિરાંતે ખરીદી કરી શકશે, જેનાથી રિટેલ ક્ષેત્રને નવું બળ મળશે.
વેપારીઓની લાંબા સમયની માગણી સંતોષાઈ
વેપારી સંગઠનો દ્વારા લાંબા સમયથી બિઝનેસના વિકાસ માટે સમયમર્યાદા હળવી કરવાની માગ કરવામાં આવી રહી હતી. સરકારના આ પગલાથી વહીવટી જટિલતાઓ ઘટશે અને રાજ્યમાં વેપાર-રોજગાર માટેનું વાતાવરણ વધુ અનુકૂળ બનશે. યુવાનો અને નોકરીયાત વર્ગ કે જેઓ દિવસના સમયે વ્યસ્ત રહે છે, તેઓ હવે મોડી રાત્રે પણ પોતાની અનુકૂળતા મુજબ ખરીદી કે મનોરંજનની પ્રવૃત્તિઓનો આનંદ માણી શકશે.
