'ડેન્ગ્યુ-મેલેરિયાથી ગભરાવાની જરૂર નથી, ગુજરાતમાં નિયંત્રણ હેઠળ', આરોગ્ય મંત્રીએ યોજી સઘન સમીક્ષા બેઠક

આરોગ્ય મંત્રીએ નાગરિકોને અફવાઓથી ન ગભરાવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 29 Sep 2026 12:26 PM (IST)Updated: Tue, 29 Sep 2026 12:26 PM (IST)
gujarat-dengue-malaria-cases-2026-praful-pansheriya-health-review-meeting
પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય સમીક્ષા બેઠક

Gujarat Dengue-Malaria Update: રાજ્યમાં વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરી હેઠળ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં મેલેરિયા સંપૂર્ણ નિયંત્રણ હેઠળ હોવાનું જણાવી, ડેન્ગ્યુના મચ્છરોનો નાશ કરવા તમામ મહાનગરપાલિકાઓને કડક સૂચના આપવામાં આવી છે. વધુમાં, આરોગ્ય મંત્રીએ નાગરિકોને અફવાઓથી ન ગભરાવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.

આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક

વાહકજન્ય રોગોના અટકાયતી પગલાં વધુ સઘન બનાવવાના ભાગરૂપે યોજાયેલ આ સમીક્ષા બેઠકમાં તમામ જિલ્લાઓ અને કોર્પોરેશન વિસ્તારમાં મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયાની વર્તમાન સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન આરોગ્ય રાજ્ય મંત્રીએ મહત્વની બાબતોની માહિતી મેળવી જરૂરી નિર્દેશ આપ્યા હતા.

ડેન્ગ્યુના ઝડપી નિદાન માટે રાજ્યની મેડિકલ કોલેજો સાથે સંલગ્ન 42 હોસ્પિટલોમાં ઉપલબ્ધ નિદાન કેન્દ્રોની કામગીરી અને સીરમ સેમ્પલના ટેસ્ટિંગની પરિસ્થિતિની ચકાસણી કરવામાં આવી હતી. રાજ્યભરમાં વાહકજન્ય રોગોના અટકાયતી પગલાંરૂપે ચાલી રહેલી 'હાઉસ ટુ હાઉસ' સર્વેલન્સ ઝુંબેશની પ્રગતિ અંગે માહિતી મેળવી જરૂરી દિશા-નિર્દેશો જારી કર્યા હતા.

મેલેરિયામાં 22%, ડેન્ગ્યુમાં 39.6% ઘટાડો

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ બેઠકમાં ખુલાસો કર્યો કે, ગત વર્ષની સરખામણીએ વર્ષ 2026 માં રાજ્યમાં મેલેરિયાના કેસોમાં 22 ટકા અને ડેન્ગ્યુના કેસમાં 39.6 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

  • ટેસ્ટિંગ અને પોઝિટિવ કેસ: રાજ્યની મેડિકલ કોલેજો સાથે જોડાયેલી 42 હોસ્પિટલોના નિદાન કેન્દ્રો દ્વારા ડેન્ગ્યુના શંકાસ્પદ 1.35 લાખથી વધુ સીરમ સેમ્પલની તપાસ કરી, જેમાંથી 2099 કેસ પોઝિટિવ મળી આવ્યા હતા.
  • ઉચ્ચ અધિકારીઓને નિર્દેશ: આરોગ્ય મંત્રીએ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોને તમામ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને મ્યુનિસિપલ કમિશનરો સાથે બેઠક યોજવાના નિર્દેશ આપ્યા હતા.
  • બ્રીડિંગ સાઇટ્સનો નાશ: શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ડેન્ગ્યુના મચ્છરો તેમજ તેમના પ્રજનન સ્થાનોનો નાશ કરવા સઘન ઝુંબેશ ચલાવવા કડક આદેશ કર્યા છે.

CHC-PHC ખાતે દવા-નિદાન કિટની સમીક્ષા

રાજ્યભરમાં આરોગ્ય સેવાની પૂર્વતૈયારીઓ અંગે વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું કે, તમામ CHC અને PHC સેન્ટરો ખાતે તાવ અને ડેન્ગ્યુના યોગ્ય નિદાન તથા સારવારનીસુવિધાની સમીક્ષા કરવામાં આવી હતી. દરેક આરોગ્ય સેન્ટર પર દવાનો પૂરતો જથ્થો અને નિદાન કિટ્સ ઉપલબ્ધ રાખવા ચકાસણી કરવામાં આવી હતી. કોઈ અછત કે ક્ષતિ જણાય ત્યાં તાત્કાલિક ધોરણે ઘટતી સુવિધાઓ પૂરી કરવા આદેશ આપ્યા હતા.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યના પ્રજાજનોને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં મેલેરિયા અને ડેન્ગ્યુની સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે. તેમણે નાગરિકોને અફવાઓથી ન ગભરાવા અને ઘરની આસપાસ સ્વચ્છતા જાળવીને મચ્છરોથી બચવા પૂરતી સાવચેતી રાખવા વિનંતી કરી છે.