Gujarat Data Center Policy 2026-2029: ગુજરાત સરકાર દ્વારા રાજ્યને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સ્ટોરેજ ક્ષેત્રે દેશનું પ્રાઇમ મુવર બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029 જાહેર કરી છે. વિધાનસભા ગૃહમાં ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર આપતાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ નીતિના મુખ્ય પ્રોત્સાહનો, ભવિષ્યના આયોજનો અને વૈશ્વિક સ્થિતિ અંગે વિગત વાર માહિતી આપી હતી.
AIના યુગમાં દેશના યુવાનો અગ્રેસર
વિધાનસભા ગૃહમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, અગાઉ જ્યારે કમ્પ્યુટર રિવોલ્યુશન અને IT રિવોલ્યુશન થયું, તે વખતે ભારત પાસે તક હતી કે આપણે એ યુગનું નેતૃત્વ કરીએ. આપણા યુવાનોએ ત્યારે એ તક ઝડપી અને એને પરિણામે આપણા યુવાનો આજે વૈશ્વિક મંચ પર અગ્રસરે છે. પરંતુ કમનસીબે એ વખતે જે લીડ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે લેવી જોઈતી હતી તે ના લેવાઈ, એટલે એ યુગનું નેતૃત્વ કરવાનો વારો આપણા દેશનો ન આવ્યો.હવે જ્યારે AIના યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ,ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ ભારત એ યુગનું નેતૃત્વ કરે, એ પ્રકારનું માર્ગદર્શન ગુજરાત સહિત તમામ રાજ્યોને આજે મળી રહ્યું છે.
ગુજરાત AI યુગનું દેશનું 'પ્રાઈમ મુવર' બનશે
'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી' 2026-2029 ના મુખ્યત્વે પ્રોત્સાહન અને ફાયદા અંગે ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં મંત્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે, આ યુગ-પરિવર્તન કહી શકાય એવી પોલિસી બનાવવાનો શ્રેય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાય છે. આજનો દિવસ આપણે સૌ યાદ રાખશું. આજથી 10 વર્ષ પછી આ રાજ્યના જ નહીં પણ દેશના યુવાનો યાદ કરશે કેમ કે, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એવી પોલિસી બનાવી હતી, જેને પરિણામે ગુજરાત આ AI યુગનું દેશનું 'પ્રાઈમ મુવર' બન્યું અને દુનિયાનું પણ AI માટેનું સેન્ટર બનવા જઈ રહ્યું છે.
ડેટા સેન્ટરની ઈકોસિસ્ટમ બનાવવી ખૂબ જરૂરી
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI માટે જરૂરી હોય તો તે ડેટા અને ડેટા સેન્ટરો છે, અને ડેટા સેન્ટરની ઈકોસિસ્ટમ બનાવવી ખૂબ જરૂરી છે. દુનિયાની અંદર આપણા ડેટા સેન્ટરોની જે ક્ષમતા (વીજળી વપરાશ) છે તે અંગે વાત કરીએ તો અત્યારે વૈશ્વિક સ્તરે 122 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટરો કાર્યરત છે. મંત્રીએ વૈશ્વિક ડેટા સેન્ટરોની વિગતો આપતાં જણાવ્યું હતું કે,અમેરિકા 4,423 ડેટા સેન્ટરો ધરાવે છે, જેની ક્ષમતા 53 ગિગાવોટ છે. દુનિયાના ડેટા સેન્ટરોની ક્ષમતાના 44% સાથે યુ.એસ.એ. અત્યારે નેતૃત્વ કરે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, યુ.કે.માં 555 ડેટા સેન્ટરો અને 2.5 ગિગાવોટની ક્ષમતા ધરાવે છે. ચીનમાં 369 ડેટા સેન્ટરો અને 31 ગિગાવોટની ક્ષમતા ધરાવે .છે જે વૈશ્વિક ક્ષમતાના 26% એટલે ત્રીજો નંબરે છે જ્યારે યુરોપ 11.9 ગિગાવોટ ક્ષમતા ધરાવે છે.જાપાન અને દક્ષિણ કોરિયા મળીને કુલ 6.6 ગિગાવોટ ક્ષમતા ધરાવે છે. જર્મની 523 ડેટા સેન્ટરો ધરાવે છે. અમેરિકા અને ચાઈના બંને ભેગા કરીએ તો 70 % ડેટા સેન્ટરો માત્ર આ બે દેશો પાસે છે.
ડેટા સેન્ટર આજના યુગના તેલના કૂવા- અર્જુન મોઢવાડિયા
મંત્રીએ જણાવ્યું હતું કે, ડેટા સેન્ટરો એ આજના યુગના તેલના કૂવા છે. ત્યારે ગુજરાત આ દિશામાં આગેકૂચ કરી રહ્યું છે. દુનિયામાં જે ટોટલ ડેટા સર્જન થાય છે. તેમાંથી 20% ડેટા ભારત પાસે છે, પરંતુ માત્ર 2% થી 2.5% ડેટા જ આપણે સ્ટોર કરીએ છીએ. આ સ્થિતિ બદલવી ખૂબ જરૂરી છે. દુનિયાના ડેટા સેન્ટરોની ક્ષમતાના પ્રમાણમાં ભારતની ક્ષમતા અત્યારે માત્ર 2% છે. અમેરિકાની 53 ગિગાવોટ સામે ભારત પાસે માત્ર 1.5 ગીગાવોટની કેપેસિટી છે, જેમાં ગુજરાત પણ પાછળ છે. હમણાં જ 6 મહિના પહેલા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગિફ્ટ સિટીની અંદર દેશનું પ્રથમ (નાનું પણ યોટા ટેકનોલોજી અને શારજાહ ગવર્નમેન્ટ સાથે મળીને) ડેટા સેન્ટર સ્થાપવાનું આયોજન કર્યું.
અધિકારીઓને મંત્રીએ પાઠવ્યા અભિનંદન
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે,આપણે અત્યારે ટાર્ગેટ રાખ્યો છે કે આપણે 7.5 ગિગાવોટ ક્ષમતા પ્રાપ્ત કરવી. ભારતની અત્યારની ક્ષમતા 1.5 ગિગાવોટ છે, તેની સામે ગુજરાતે એકલા 7.5 ગિગાવોટનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આ પોલિસી હેઠળ આપણે પ્રોએક્ટિવલી ઈન્સેન્ટિવ આપવાના છીએ.તેની સામે આપણી પાસે 17 ગિગાવોટ માટેની EOI (એક્સપ્રેસન ઓફ ઈન્ટરેસ્ટ)17 પાર્ટીઓ તરફથી આવી ચૂકી છે, જ્યારે પ્રોજેક્ટ 19 છે. AI ના યુગમાં ટ્રેનનું 'પ્રાઈમ મુવર' અને એન્જિન બનવાનું કામ ગુજરાત કરશે.જે અધિકારીઓએ આ માટે દિવસ-રાત મહેનત કરી છે તેમને મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.સરકાર એટલી ઉદાર પોલિસી લાવી છે. જેને કારણે આવનારા દિવસોમાં આપણા હજારો યુવાનો માટે ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ હાઈ-ટેક જોબ્સનું સર્જન થશે.
ધોલેરા દેશનું સૌથી મોટું સ્માર્ટ સિટી બનશે
મંત્રીએ ગર્વ સાથે કહ્યું હતું કે, આપણું ધોલેરા એ ગુજરાતનું નહીં પણ દેશનું મોટું સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે. અંદાજે 900 ચોરસ કિલોમીટરનો વિસ્તાર, હું ત્યાંના લોકોને અભિનંદન આપું છું, વર્ષ 2000ની સાલમાં ત્યાં જમીનનો ભાવ શું હતો ? માત્ર 1500 રૂપિયા એકરનો ભાવ હતો ! આજે કલ્પના પણ ના કરી શકાય. આ 900 ચોરસ કિલોમીટર એરિયાનો વિસ્તાર, આ ધોલેરા છે તે હાઈટેક ઈન્ડસ્ટ્રીનું હબ બનવા જઈ રહ્યું છે. દુનિયાની અંદર જેમ ચીનની અંદર કે તાઈવાનની અંદર હાઈટેક સિટીઝ છે, એ સિટીઝ કરતાં પણ મોટું, દિલ્હી કરતાં પણ 3 ગણું મોટું આ ધોલેરા બનવા જઈ રહ્યું છે. આજે બધી જ ઈકોસિસ્ટમ ત્યાં આવી રહી છે.
ગ્રીન ટેક્નોલોજીમાં ગુજરાતનું મોખરાનું સ્થાન
મંત્રી મોઢવાડિયાએ ડેટા સેન્ટર્સ અંગે કહ્યું કે, દુનિયાના ડેટા સેન્ટરો કરતાં આપણા ડેટા સેન્ટરો અલગ છે. એ વાત સાચી છે કે વીજળીનો વપરાશ મોટા પાયે થાય છે. પણ ગુજરાત એમાં પણ બહુ સદભાગી છે કે આપણે વીજળીમાં સરપ્લસ છીએ. અને એમાંય ગ્રીન એનર્જીનો સૌથી વધારે વપરાશ થતો હોય, તો બે રાજ્યો મોખરે છે: એક રાજસ્થાન અને બીજું આપણું ગુજરાત. બંને પાસે... કુદરતે આપણને ખૂબ સારી રીતે જમીનની કમી નથી આપી, પુષ્કળ સૂર્યનો તાપ આપ્યો છે, પવન આપ્યો છે,એટલે જે ગ્રીન એનર્જીનું ઉત્પાદન છે, તેમાં અત્યારે ગુજરાત દેશમાં નંબર વન છે. આની અંદર જે વીજળી... દુનિયાની અંદર વાત સાચી છે કે જે વીજળીનો વપરાશ થાય છે.
પાણી વપરાશ માટે ડિસેલિનેશન પ્લાન્ટ નખાશે
ગુજરાતમાં જે આ પોલિસી બની છે, એમાં 51 ટકા વીજળી ગ્રીન એનર્જીની વાપરવાની આપણે સગવડ આપી છે.જ્યાં સુધી પાણીનો સવાલ છે,તો જે પાણી વપરાવાનું છે, તેના માટે ડિસેલિનેશન પ્લાન્ટ નાખવામાં આવશે. અને એ પ્લાન્ટ મારફતે જે પાણી પેદા થાય, એમાંય ઇન્સેન્ટિવ (પ્રોત્સાહન) પાછું જે લોકોને આપીએ છીએ. એ પાણી વપરાવાનું છે અને હવે નવી ટેકનોલોજી એવી આવી રહી છે કે પાણી કોઈ વેસ્ટ નહીં જાય, એ જ પાણી રિસાયકલ થવાનું છે,એટલે કોઈ પાણી ઉપર કે આપણી વીજળી ઉપર કોઈ લોડ ન આવે, એવી આ ભારતની એકમાત્ર એવી પોલિસી છે કે જે વાપરનારાઓ માટે પણ ફ્રેન્ડલી છે, ઉત્પાદકો માટે પણ ફ્રેન્ડલી છે અને પર્યાવરણ માટે પણ ફ્રેન્ડલી છે.
