eco friendly Ganesh idols: રાજ્ય સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ હેઠળના ‘ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન’ દ્વારા તા. 08 થી 14 સપ્ટેમ્બર, 2026 દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતમાં આયોજિત ‘માટી મૂર્તિ મેળો-2026’ ને ભવ્ય સફળતા મળી છે. આ 7 દિવસીય મેળા દરમિયાન રાજ્યના 361 નોંધાયેલા કારીગરો દ્વારા નિર્માણ કરવામાં આવેલી 23,542 ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની માટીની મૂર્તિઓનું વેચાણ થતાં અંદાજે રૂ. 5 કરોડની આવક મેળવી છે.
અમદાવાદમાં 1.91 કરોડથી વધુનું વેચાણ
આ આયોજન માટે સંસ્થાન દ્વારા 361 માટી મૂર્તિકારોને 186 ટન 'રેડી-ટુ-યુઝ' માટીનું વિતરણ કરવામાં આવ્યું હતું. 100 ટકા સબસિડી સાથે વેચાણ માટે વિનામૂલ્યે સ્ટોલ ઉપલબ્ધ કરાયા હતા. અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં વિવિધ પાંચ સ્થળોએ યોજાયેલા આ મેળામાં પર્યાવરણપ્રેમી ગણેશભક્તોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે સૌથી વધુ રૂ. 1.91 કરોડથી વધુ રકમનું વેચાણ નોંધાયું હતું.

સુરતમાં લોકોએ 7,920 મૂર્તિઓ ખરીદી
જ્યારે સુરતના અડાજણ ખાતે સૌથી વધુ 7,920 મૂર્તિઓનું રૂ. 1.11 કરોડથી વધુનું વેચાણ થયું હતું. આ ઉપરાંત વડોદરાના પારસી અગિયારી મેદાન ખાતે 79 સ્ટોલમાં રૂ. 85.77 લાખ, સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના 124 સ્ટોલમાં રૂ. 77.99 લાખ અને અમદાવાદના બોપલ હસ્તકલા હાટ ખાતે 30 સ્ટોલમાં રૂ. 32.55 લાખનું વેચાણ થયું હતું. ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશ પટેલ અને રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરના સક્રિય નેતૃત્વ હેઠળ આયોજિત આ મેળાએ "વોકલ ફોર લોકલ" અને આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાને ચરિતાર્થ કરી છે.
મહિલાઓને ઘરઆંગણે આજીવિકા મળી
નવી શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત 10 જિલ્લાની 302 શાળાઓના 84,500 થી વધુ વિદ્યાર્થીઓને માટીની મૂર્તિ બનાવવાનું લાઈવ નિદર્શન અને DIY (Do It Yourself) પ્રવૃત્તિઓ કરાવી પર્યાવરણીય જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ યોજના માત્ર પુરુષ મૂર્તિકારો પૂરતી સીમિત ન રહેતાં, મૂર્તિ નિર્માણ અને સુશોભનમાં જોડાયેલી કારીગર પરિવારની મહિલાઓને ઘરઆંગણે જ આજીવિકા પૂરી પાડી સામાજિક સશક્તીકરણ એક મજબૂત માધ્યમ બની છે.

POP મૂર્તિઓની સમસ્યાનું નિવારણ
અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં ગણેશોત્સવ પર્વ દરમિયાન પરંપરાગત રીતે પૂજાતી મૂર્તિઓમાં પર્યાવરણીય જાગૃતિ લાવવી એ સમયની માંગ છે. વર્ષ 2014-15 સુધી રાજ્યમાં સ્થપાતી ગણેશ મૂર્તિઓમાં અંદાજે 90 ટકા મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) ની બનતી હતી. જે પાણીમાં ઓગળતી નથી અને જળચરો તથા જળસ્ત્રોતોને ભારે નુકસાન પહોંચાડે છે. આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વર્ષ 2015-16થી ‘માટીના મૂર્તિકારો માટેની પ્રોત્સાહન યોજના’ અમલમાં મૂકવામાં આવી છે.
પ્લાસ્ટર ઓફ પેરિસ મૂર્તિઓનો ઉપયોગ ઘટ્યો
આ યોજના હેઠળ સંસ્થાન દ્વારા નોંધાયેલા કારીગરોને 50 ટકા સબસિડી દરે 'રેડી-ટુ-યુઝ' માટી, વિનામૂલ્યે વેચાણ સ્ટોલ અને દૈનિક રૂ. 1,000 ની મેળાસહાય ચૂકવવામાં આવે છે, જેના પરિણામે છેલ્લા એક દાયકાના ભગીરથ પ્રયાસોથી રાજ્યમાં POP ની મૂર્તિઓનો વપરાશ ઘણો ઓછો થઈ ગયો છે.

‘માટીના મૂર્તિકારો માટેની પ્રોત્સાહન યોજના’ હવે માત્ર રાહત કે સહાય પૂરતી સીમિત ન રહેતાં એક સક્ષમ આર્થિક મોડેલ બની ગઈ છે. આવનારા વર્ષોમાં આ મેળાઓ માત્ર વ્યાપારિક ગતિવિધિ ન રહેતા સંસ્કૃતિ, પર્યાવરણ અને ગ્રામીણ કૌશલ્યના ત્રિવેણી સંગમ થકી "આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત" તરફનું એક મજબૂત કદમ સાબિત થશે.
