Gujarat Cabinet: ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ પ્રવક્તા મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજીને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા જનહિતના નિર્ણયો અને આર્થિક ક્ષેત્રે ગુજરાતે નોંધાવેલી અભૂતપૂર્વ સિદ્ધિઓની વિગતો આપી હતી.
ઓછા વરસાદવાળા જિલ્લાઓ માટે તંત્ર સજ્જ
કેબિનેટ બેઠકમાં રાજ્યમાં મોસમી વરસાદની સ્થિતિ અંગે વિસ્તારપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં જ્યાં ચાલુ વર્ષે ઓછો વરસાદ નોંધાયો છે, ત્યાં ખાસ ધ્યાન આપવાનો નિર્દેશ અપાયો છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ સૂચના આપી છે કે આ વિસ્તારોમાં પીવાના પાણી કે પશુઓ માટે ઘાસચારાની સહેજ પણ અછત સર્જાવી ન જોઈએ. આ પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે સંબંધિત જિલ્લાના પ્રભારી મંત્રીઓને ગ્રાઉન્ડ લેવલે સમીક્ષા કરવાની ખાસ જવાબદારી સોંપાઈ છે.
જીએસટી કલેક્શનમાં 28 ટકાનો મજબૂત ઉછાળો
વૈશ્વિક સ્તરે આર્થિક સુસ્ત અને પડકારો હોવા છતાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 7.8 ટકા નોંધાયો છે, જેમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ જીએસટી દરોમાં કરાયેલા રાહતજનક ફેરફારો છતાં ગુજરાતમાં જીએસટી સંગ્રહ સતત વધી રહ્યો છે. ગત મહિને જ્યાં જીએસટી ગ્રોથ 20 ટકા હતો, તે ચાલુ મહિને વધીને 28 ટકાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે.
બંદરો પર કાર્ગો હેન્ડલિંગમાં નવો ઈતિહાસ
કેબિનેટ સમીક્ષા દરમિયાન રાજ્યના બંદરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનના આંકડા પણ સામે આવ્યા છે. ગુજરાતના માત્ર એક જ પોર્ટ દ્વારા 50 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને નવો કીર્તિમાન સ્થાપિત કરાયો છે, જે અગાઉની સરખામણીએ સવા ગણો વધારો દર્શાવે છે. પોર્ટ કાર્ગોમાં થયેલો આ વધારો સ્પષ્ટ કરે છે કે રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન ઝડપથી વધ્યું છે અને વિદેશોમાં નિકાસની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે.
