Gujarat Budget Session 2026 Latest Updates: ગુજરાત વિધાનસભા સત્ર અગાઉ 16 ફેબ્રુઆરીએ ભાજપ ધારાસભ્યોની બેઠક મળવાની છે. વિપક્ષ સરકારને ઘેરી ન શકે તે અંતર્ગત રણનિતી ઘડાશે. મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ બેઠકમાં હાજર રહેશે. આ પહેલા 12 ફેબ્રુઆરીએ વિધાનસભા ખાતે કામકાજ સલાહકાર સમિતિના બેઠક યોજાનારી છે. વિધાનસભાના ઇ નેવા કેન્દ્ર ખાતે રાજ્યના તમામ મંત્રીઓની તાલીમ યોજવામાં આવી છે.
ભાજપ ધારાસભ્યોની મહત્વપૂર્ણ બેઠક
આગામી 16 ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભાના ચોથા માળે ભાજપના તમામ ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકનો મુખ્ય હેતુ વિધાનસભા સત્ર દરમિયાન વિપક્ષ સરકારને કોઈપણ મુદ્દે ઘેરી ન શકે તે માટે નક્કર રણનીતિ ઘડવાનો છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ પણ હાજર રહી ધારાસભ્યોને માર્ગદર્શન આપશે. ધારાસભ્યોને ગૃહમાં સરકારનો પક્ષ મજબૂતીથી રજૂ કરવા, સત્ર દરમિયાન રજૂ થનારા નવા કાયદાઓ અને બજેટની મુખ્ય જોગવાઈઓ વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવશે. આ સાથે, સત્ર દરમિયાન સમય પાલન અને શિસ્ત જાળવવા અંગે પણ સલાહ આપવામાં આવશે.
કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાશે
આ અગાઉ, ૧૨ ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ખાતે કામકાજ સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ, નાણાં મંત્રી અને પ્રવક્તા મંત્રી સહિત સરકારના મુખ્ય દંડક અને કોંગ્રેસ પક્ષના નેતા સહિત કુલ ૧૦ સભ્યો હાજર રહેશે. આ સમિતિ સત્ર દરમિયાન રજૂ થનારા વિવિધ બિલો અને વિધાનસભાના કામકાજના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરશે.
મંત્રીઓને ઇ-નેવા કેન્દ્ર ખાતે તાલીમ
વિધાનસભા સત્ર પૂર્વે રાજ્યના તમામ મંત્રીઓને ઇ-નેવા (e-NeVA - National e-Vidhan Application) કેન્દ્ર ખાતે વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય સત્ર દરમિયાન મંત્રીઓ કેવી રીતે પ્રશ્નોના જવાબો આપવા અને વિધાનસભાની પ્રક્રિયાઓનું ડિજિટલ પાસાંઓ સમજવા તે અંગે માર્ગદર્શન આપવાનો છે. સવારે 10 વાગ્યાથી શરૂ થયેલા આ તાલીમ સેશનમાં 'વિધાન' એપ્લિકેશનમાં અલગ-અલગ સેક્શન (જેમ કે કાર્યસૂચિ, નોટિસ, બિલો) કેવી રીતે શોધવા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે શીખવવામાં આવ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ આ તાલીમમાં હાજર રહ્યા હતા.
