Gujarat Budget 2026-27 Date and Time: ગુજરાત રાજ્યની 15મી વિધાનસભાનું વર્ષ 2026-27નું બજેટ સત્ર આગામી 16 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સત્ર અંદાજે દોઢ મહિના સુધી ચાલશે અને તેમાં રાજ્યના વિકાસ માટેના અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવશે.
ક્યારે રજૂ કરવામાં આવશે બજેટ
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સત્રની વિગતો આપતા જણાવ્યું હતું કે, પંદરમી વિધાનસભાના આ આઠમા સત્રનું આહવાન ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કર્યું છે. સત્રનો પ્રારંભ 16 ફેબ્રુઆરી, 2026ના રોજ રાજ્યપાલના સંબોધનથી થશે અને તે જ દિવસે મુખ્યમંત્રી દ્વારા શોકદર્શક પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત રાજ્યનું અંદાજપત્ર 17 ફેબ્રુઆરી, 2026ના રોજ ગૃહમાં રજૂ કરશે. આ સત્ર 25 માર્ચ, 2026ના રોજ સમાપ્ત થશે.
સત્ર 23 દિવસ ચાલશે, જેમાં 26 બેઠકોનું આયોજન
આ બજેટ સત્ર 16 ફેબ્રુઆરી, 2026ના રોજ રાજ્યપાલના સંબોધનથી પ્રારંભ થશે અને 25 માર્ચ, 2026ના રોજ સમાપ્ત થશે. કુલ 23 દિવસના સમયગાળા દરમિયાન 26 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત રાજ્યનું બજેટ રજૂ કરશે.
સત્ર દરમિયાન, ત્રણ બેઠકો રાજ્યપાલના સંબોધન પરની ચર્ચાઓ માટે, ચાર બેઠકો સરકારી કામકાજ અને વિધેયકો માટે, જ્યારે ચાર બેઠકો અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચા માટે ફાળવવામાં આવી છે. વિભાગવાર માંગણીઓ પરની ચર્ચાઓ માટે 12 બેઠકો અને પૂરક માંગણીઓ પરની ચર્ચા માટે બે બેઠકો એમ કુલ 18 બેઠકો નાણાકીય કામકાજ માટે નિર્ધારિત કરવામાં આવી છે. છ બેઠકો બિનસરકારી કામકાજ માટે પણ સમય ફાળવવામાં આવ્યો છે.
3.90 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ થઈ શકે
આ વર્ષે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું, એટલે કે અંદાજે 3.90 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ થઈ શકે છે. આ રકમ ગત વર્ષના બજેટ કરતાં અંદાજે 15% વધુ હોવાનો અંદાજ છે, જે રાજ્યની વધતી આર્થિક ક્ષમતા અને વિકાસલક્ષી યોજનાઓ માટેના પ્રતિબદ્ધતાને સૂચવે છે. આ ઐતિહાસિક બજેટ રાજ્યના વિવિધ ક્ષેત્રો જેવા કે શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઉદ્યોગ અને માળખાકીય સુવિધાઓના વિકાસને નવી ગતિ આપશે તેવી અપેક્ષા છે.
નવા કાયદાકીય વિધેયકો અને UCCની ચર્ચા
રાજ્ય સરકાર આ સત્ર દરમિયાન સાત જેટલા નવા મહત્વના કાયદાકીય વિધેયકો (Bills) ગૃહમાં રજૂ કરી શકે છે. આ વિધેયકો રાજ્યના શાસન અને જનજીવનના વિવિધ પાસાઓને સ્પર્શશે. આ ઉપરાંત, સૌથી વધુ ચર્ચાસ્પદ એવા 'યુનિફોર્મ સિવિલ કોડ' (UCC) અંગેનું વિધેયક પણ આ સત્રમાં રજૂ થવાની પ્રબળ શક્યતા છે. UCC બિલ અંગે ગૃહમાં વિસ્તૃત ચર્ચા અને વિચારણા કરવામાં આવશે. ઉપરાંત વિધાનસભાના ખાલી પડેલા ઉપાધ્યક્ષના પદ માટે પણ આ સત્રમાં ચૂંટણી અથવા વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
તારાંકિત પ્રશ્નો માટે મંત્રીઓના પાંચ જૂથની રચના
અધ્યક્ષ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, આ આઠમા સત્રમાં તારાંકિત પ્રશ્નો માટે મંત્રીઓના પાંચ જૂથની રચના કરવામાં આવી છે. ધારાસભ્યશ્રીઓ વિધાનસભામાં પોતાના વિસ્તારના અને રાજ્યના પ્રશ્નો રજૂ કરવા માટે ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને વ્યવસ્થા દ્વારા પ્રશ્નો દાખલ કરી શકશે. સત્રના અંતિમ દિવસે પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે. સત્ર શરૂ થાય તે પહેલાં, કામકાજ સલાહકાર સમિતિની બેઠક બોલાવીને સત્ર દરમિયાન થનાર વિગતવાર કામકાજનો અહેવાલ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.
