Gujarat Budget 2026-27: ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 'ગુજરાત અંદાજપત્ર 2026-27' માટે આદિવાસી સંસ્કૃતિના પાયાના દેવી એવા 'કંસરી દેવી'ના ચિત્ર સાથેની આકર્ષક વારલી ચિત્રકલા વાળી બજેટ પોથી પસંદ કરવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષથી ગુજરાત સરકાર બજેટ પોથી પર વારલી ચિત્રકલાને સ્થાન આપીને આ પ્રાચીન કલાને જીવંત રાખવાની પરંપરા નિભાવી રહી છે.
કોણ છે કંસરી દેવી? સમૃદ્ધિનું પ્રતીક
આદિવાસી સંસ્કૃતિમાં કંસરી દેવીનું સ્થાન અત્યંત મહત્વનું છે. તેમને સમૃદ્ધિ અને સુખ-શાંતિના દેવી માનવામાં આવે છે.
- અન્નપૂર્ણા સ્વરૂપ: કંસરી દેવીને માતા અન્નપૂર્ણા પણ કહી શકાય, કારણ કે એવી માન્યતા છે કે તેમની પૂજા કરવાથી ધન-ધાન્યના ભંડાર ભરેલા રહે છે.
- શુભ પ્રસંગોએ પૂજા: જ્યારે પણ આદિવાસી પરિવારમાં લગ્ન હોય, ખેતરમાંથી નવું ધાન્ય આવે કે કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસરી દેવીની સ્થાપના અને પૂજા કરવામાં આવે છે.
- પાયાના દેવી: તેમની કૃપાથી રાજ્યમાં સુખ અને સમૃદ્ધિ વધે તેવા ઉમદા હેતુથી બજેટ પોથી પર તેમને સ્થાન અપાયું છે.
1200 વર્ષ જૂની વારલી ચિત્રકલાની વિરાસત
વારલી ચિત્રકલા અંદાજે 1200 વર્ષ જૂની કલા છે. આ કલા મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં વસતી વારલી આદિજાતિના લોકોની આગવી ઓળખ છે.
- ચિત્રની સામગ્રી: વારલી સ્ત્રીઓ ઘરની લીપેલી દીવાલો પર પલાળેલા ચોખાને પથ્થર પર ઘૂંટીને બનતા સફેદ રંગથી ચિત્રકામ કરે છે. આ ઉપરાંત પ્રસંગોચિત સિંદૂર, ગુલાલ, કંકુ, મધ અને કાળી રાખનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
- મુખ્ય વિષયો: ચિત્રોમાં રોજબરોજનું જીવન, ઉત્સવો, નૃત્ય, જંગલો, નદીઓ અને પર્વતોનું આલેખન હોય છે. તેમાં ખાસ કરીને ખેતીકામ કરતી મહિલાઓ, કુવે પાણી ભરતી બહેનો, તાડ પરથી તાડી ઉતારતા લોકો અને વાઘદેવ કે ઇન્દ્રદેવની પૂજાના દ્રશ્યો જોવા મળે છે.
- ભૌમિતિક આકારો: આ ચિત્રકલામાં ત્રિકોણ, વર્તુળ, અર્ધગોળાકાર અને ચોરસ જેવા ભૌમિતિક આકારોનો ઉપયોગ કરીને સુંદર આકૃતિઓ રચવામાં આવે છે.
પરંપરા અને આધુનિકતાનો સંગમ
આધુનિક જગતના પ્રભાવ હેઠળ આ પ્રાચીન કલા લુપ્ત થઈ રહી છે, ત્યારે ગુજરાત સરકાર તેને બજેટ પોથી પર સ્થાન આપીને વિશ્વ સમક્ષ ઉજાગર કરી રહી છે. નોંધનીય છે કે, છેલ્લા ચાર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી બીના હસમુખ પટેલે બજેટ પોથી પર આ સુંદર વારલી ચિત્રકલા દોરીને પોતાની સેવા આપી છે. આમ, 2026-27નું અંદાજપત્ર માત્ર આંકડાઓની માયાજાળ નહીં, પરંતુ ગુજરાતની ભાતીગળ આદિવાસી સંસ્કૃતિ અને કલાને પ્રોત્સાહન આપતું બજેટ બની રહેશે.
