Gujarat Farmer Award: ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે એટલે કે 3 ઓક્ટોબરના રોજ રાજ્ય કક્ષાનો ‘બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ' વિતરણ સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા પણ વિશેષ ઉપસ્થિત રહેશે.
93 પ્રગતિશીલ ખેડૂતોનું અપાશે સન્માન
આ સમારોહ દરમિયાન રાજ્યના કુલ 93 પ્રગતિશીલ ખેડૂતોને 'બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવશે. જેમાં 10 ખેડૂતોને રાજ્ય કક્ષાના અને 83 ખેડૂતોને જિલ્લા કક્ષાના એવોર્ડ એનાયત કરાશે. આ પુરસ્કારો પૈકી 15 એવોર્ડ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે, 45 એવોર્ડ ફળ-ફૂલ તથા શાકભાજીની ખેતી ક્ષેત્રે, 15 એવોર્ડ પશુપાલન ક્ષેત્રે અને 8 એવોર્ડ મૂલ્ય વર્ધિત ઉત્પાદનો, પેકિંગ તથા અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપવામાં આવશે.
100 જેટલા પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ
"ખેડૂતથી બજાર અને બજારથી ગ્રાહક" સુધીની કડીને સુદૃઢ કરવાના હેતુથી રાજ્યભરમાં આશરે 100 જેટલા પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં નગરપાલિકા/મહાનગરપાલિકા મથકોએ 24, જિલ્લા મથકોએ 18 અને તાલુકા મથકોએ 58 કેન્દ્રોનો સમાવેશ થાય છે. આનાથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને યોગ્ય પ્લેટફોર્મ મળશે અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ બનશે.
ખેતીમાં આધુનિક ટેકનોલોજી માટે ISRO સાથે MoU
ખેતીમાં આધુનિક સેટેલાઇટ અને જિયો-સ્પેશિયલ ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ખેતી નિયામકની કચેરી અને SAC-ISRO વચ્ચે MoU કરવામાં આવશે. આ ટેકનોલોજીથી ખેડૂતોને વાવેતરથી લઈને લણણી સુધીની વિવિધ એડવાઇઝરી, પાકવાર વિસ્તારનો અંદાજ, ઉત્પાદન અંદાજ અને પાક નુકસાન મૂલ્યાંકન જેવી મહત્વપૂર્ણ માહિતી સમયસર મળી રહેશે.
નવનિયુક્ત અધિકારીઓને અપાશે નિમણૂક પત્રો
આ ઉપરાંત, કૃષિ વિસ્તરણ સેવાઓને વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે મદદનીશ ખેતી નિયામક (વર્ગ-2) તરીકે પસંદગી પામેલા 14 નવનિયુક્ત અધિકારીઓને નિમણૂક પત્રો પણ એનાયત કરવામાં આવશે.
જિલ્લા કક્ષાએ પણ યોજાશે વિશેષ કાર્યક્રમો
રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમ ઉપરાંત વિવિધ જિલ્લાઓમાં 34 સ્થળોએ પ્રભારી મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વાવ-થરાદ ખાતે તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદી સુરત ખાતેના કાર્યક્રમમાં હાજર રહેશે. આ ઉપરાંત, સમગ્ર રાજ્યમાંથી હજારો ખેડૂતો ડિજિટલ માધ્યમથી પણ આ સમારોહમાં જોડાશે.
