ગુજરાત સરકાર ચોમાસુ સત્રમાં લાવશે 3 મહત્વના કાયદા: શિક્ષણ સુધારા અને જમીન ટુકડા ધારા અંગે નવા બિલ રજૂ થશે

આ બિલથી સામાન્ય નાગરિકો, ખેડૂતો, પશુપાલકો અને શિક્ષણ જગતને મોટો ફાયદો થશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 04 Sep 2026 10:49 AM (IST)Updated: Fri, 04 Sep 2026 10:49 AM (IST)
gujarat-assembly-monsoon-session-2026-three-new-bills-education-cattle-feed-land-reforms
Gujarat Legislative Assembly

Gujarat Assembly Monsoon Session 2026: ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસુ સત્રમાં ગુજરાત સરકાર કેટલાક મહત્વના કાયદાકીય સુધારાઓ રજૂ કરવા માટે સજ્જ છે. રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા, પશુપાલન અને મહેસૂલ ક્ષેત્રે વહીવટી પારદર્શકતા લાવવા તેમજ કાયદાકીય છટકબારી રોકવા માટે રાજ્ય સરકાર વિધાનસભામાં મહત્વના ત્રણ વિધેયક રજૂ કરશે.

આગામી 21 ઓગસ્ટથી શરૂ થતા વિધાનસભા ચોમાસુ સત્રમાં ગુજરાત સરકાર મહત્વના ત્રણ વિધેયક રજૂ કરશે. જેમાં બોર્ડની મંજૂરી વિના ચાલતી શાળાઓ સામે કડક સકંજો કસવા, પશુઓને શુદ્ધ આહાર પૂરો પાડવા અને જમીન ટુકડા ધારાના કેસોને પેનલ્ટી વગર નિયમિત કરવા જેવી મહત્વકાંક્ષી જોગવાઈ સામેલ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક

રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા દ્વારા વિધાનસભા ગૃહમાં ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક’ રજૂ કરવામાં આવશે. નવા વિધેયક હેઠળ રાજ્યમાં ગુણવત્તાયુક્ત અને પ્રમાણિત શિક્ષણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કડક જોગવાઈ કરવામાં આવી છે.

ગેરકાયદેસર શાળાઓ પર ત્રાટકશે કાયદો: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પૂર્વ મંજૂરી કે માન્યતા વિના મનસ્વી રીતે ચાલતી શાળાઓ સામે સરકારનો કાયદાકીય સકંજો કસાશે.

ભારે દંડ અને સજાની જોગવાઈ: આવી ગેરકાયદેસર શાળાઓ સામે શિક્ષાત્મક પગલાંના ભાગરૂપે દંડની રકમમાં મોટો વધારો કરવામાં આવી રહ્યો છે. નવા સુધારા મુજબ, દોષિત શાળાઓને રૂપિયા 15 લાખ સુધીનો દંડ અને 2 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

શાળાઓ બંધ કરતા પહેલા નોટિસ: શાળા સંચાલકો માટે નિયમો કડક કર્યો છે કે તેઓ પૂર્વ નોટિસ આપ્યા વિના શાળાઓ બંધ કરી શકશે નહીં.

બિન-શૈક્ષણિક સ્ટાફની ભરતી:શાળાઓમાં નોન-ટીચિંગ સ્ટાફ એટલે કે બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતી પ્રક્રિયા હવે સીધી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે.

ગુજરાત પશુધન આહાર, મરઘા ચણ અને ખનિજ મિશ્રણ વિધેયક

પશુપાલકોના હિતમાં અને અબોલ પશુઓને શુદ્ધ આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર ‘ગુજરાત પશુધન આહાર, મરઘા ચણ, અને ખનિજ મિશ્રણ વિધેયક’ રજૂ કરવા જઈ રહી છે.

નિષ્ણાત કમિટીની રચના: પશુપાલન વિભાગના અધિક મુખ્ય સચિવ (ACS) અધ્યક્ષતામાં 7 સભ્યોની વિશેષ નિષ્ણાત કમિટીની રચના કરવામાં આવશે.

લાયસન્સ પ્રક્રિયા: રાજ્યમાં પશુ આહાર વેચવા માટે પ્રાદેશિક સંયુક્ત પશુપાલન અધિકારીને લાયસન્સ આપવા માટે માન્ય સત્તાધિકારી ગણવામાં આવશે.

ભ્રામક બ્રાન્ડ અને જાહેરાતો પર તવાઈ: જો પશુઓ માટે વેચાતા આહારમાં ભેળસેળ કે મિસ બ્રાન્ડ માલસામાન જણાશે, તો કડક કાનૂની કાર્યવાહી કરાશે. આવી ભ્રામક જાહેરાત અને મિસ બ્રાન્ડ બદલ રૂપિયા પાંચ લાખનો દંડ અને ત્રણ વર્ષ માટે લાયસન્સ સસ્પેન્ડ કરવાની કડક જોગવાઈ બિલમાં કરવામાં આવી છે.

પશુના મોત પર આકરી સજા: જો ભેળસેળયુક્ત આહાર ખાવાથી કોઈ પશુનું મોત નીપજશે, તો દોષિતો સામે 7 વર્ષ સુધીની જેલની સજા અને 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

જમીન ટુકડા ધારામાં રાહત: જમીન ટુકડા અને એકત્રીકરણ સુધારા બિલ

રાજ્ય સરકાર દ્વારા મહેસૂલ ક્ષેત્રે પણ એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. જમીનના નાના ટુકડાઓ સંબંધિત વિવાદો અને વહીવટી અડચણો દૂર કરવા માટે ‘જમીન ટુકડા અને એકત્રીકરણ સુધારા બિલ’ ગૃહમાં રજૂ કરવામાં આવશે.

વટહુકમને કાયદાનું સ્વરૂપ: અગાઉ સરકારે વટહુકમ બહાર પાડીને બિલની જોગવાઈનો અમલ શરૂ કરાવી દીધો હતો, જેને હવે સત્રમાં વિધિવત કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે. આ માટે મૂળ કાયદાની કલમ 5 અને 9 માં મહત્વના સુધારા કરવામાં આવશે.

1948 થી જૂના કેસો નિયમિત: જમીનધારકોને સૌથી મોટી રાહત આપતા સરકારે જાહેરાત કરી છે કે, વર્ષ 1948 થી લઈને અત્યાર સુધીના જમીન ટુકડા ધારાને લગતા તમામ પડતર કેસો કોઈપણ પ્રકારની પેનલ્ટી (દંડ) વગર નિયમિત કરવામાં આવશે.

જમીન NA માટે એકસમાન નિયમ: જમીનને બિનખેતી (NA) કરવા માટે હવેથી 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં મૂકાશે.

શહેરી વિસ્તારોને મુક્તિ: શહેરી વિસ્તારમાં રહેતા લોકોને ટુકડા ધારાની જટિલ જોગવાઈમાંથી સંપૂર્ણ મુક્તિ આપવાનું બિલમાં પ્રસ્તાવિત છે.

રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સુગ્રથિત સંકલન સાથે રજૂ થનારા આ ત્રણેય બિલથી રાજ્યના સામાન્ય નાગરિકો, ખેડૂતો, પશુપાલકો અને શિક્ષણ જગતને લાંબાગાળે મોટો ફાયદો થશે.