ગાંધીનગરમાં GEB ગેટ રેલવે ક્રોસિંગ નંબર 5 આવતીકાલથી 12 દિવસ માટે બંધ, જુઓ વૈકલ્પિક માર્ગ

ગાંધીનગર યાર્ડ અને GEB પાવર પ્લાન્ટ વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 5 કોંક્રીટ રોડની કામગીરીને કારણે 14 થી 25 ઓક્ટોબર સુધી 12 દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ રહેશે. જુઓ નવો વૈકલ્પિક રૂટ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 13 Oct 2026 10:58 PM (IST)Updated: Tue, 13 Oct 2026 10:58 PM (IST)
geb-gate-railway-crossing-no-5-in-gandhinagar-to-remain-closed-for-12-days-starting-tomorrow-check-the-alternative-route

Gandhinagar Traffic Update: રાજધાની ગાંધીનગરમાંથી પસાર થતા અને પેથાપુર પાવર પ્લાન્ટ તરફ જતા વાહનચાલકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મંડળ હેઠળ આવતા ગાંધીનગર યાર્ડ અને ગુજરાત ઈલેક્ટ્રિસિટી બોર્ડ (GEB) પાવર પ્લાન્ટ વચ્ચે આવેલું રેલવે ક્રોસિંગ કામગીરી અર્થે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. રેલવે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવનાર સમારકામ અને કોંક્રિટ રોડના બાંધકામને પગલે આ માર્ગ 12 દિવસ માટે તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ રહેશે.

ક્યારથી ક્યાં સુધી બંધ રહેશે રેલવે ક્રોસિંગ?

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળની સત્તાવાર માહિતી અનુસાર, ગાંધીનગર યાર્ડ અને GEB પાવર પ્લાન્ટ (પેથાપુર) વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 5 (GEB ગેટ), OHE પોઈન્ટ નંબર GEB-05/04-05 બંધ રહેશે.

14 ઓક્ટોબર 2026ના રોજ સવારે 08:00 વાગ્યાથી લઈને 25 ઓક્ટોબર 2026 ના રોજ સાંજે 20:00 વાગ્યા સુધી રેલવે ટ્રેક અને ક્રોસિંગ પર મજબૂત કોંક્રિટ રોડનું બાંધકામ હાથ ધરવામાં આવશે જે અંતર્ગત આ ફાટક કૂલ 12 દિવસ સુધી બંધ રહેશે.

વાહનચાલકો માટે કયો રહેશે વૈકલ્પિક માર્ગ

રેલવે ક્રોસિંગ બંધ રહેવાના સમયગાળા દરમિયાન દૈનિક અવરજવર કરતા નાગરિકો, નોકરિયાતો અને સ્થાનિક રહીશોને હાલાકી ન ભોગવવી પડે તે માટે રેલવે પ્રશાસન દ્વારા વૈકલ્પિક માર્ગની જાહેરાત કરવામાં આવી છે.

વાહનચાલકો નીચે મુજબના રૂટનો ઉપયોગ કરી શકશે-

વૈકલ્પિક ક્રોસિંગ: રેલવે ક્રોસિંગ નંબર 4 (GEB ગેટ), OHE પોસ્ટ નંબર GEB-03/16-17.

રૂટની વિગત: વાહનચાલકો ઘ-7 સર્કલ - ગ-7 સર્કલ - ખ-7 સર્કલથી ચાંદરેડી ચોકડી - પેથાપુર થઈને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે.

વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ

આ રેલવે ક્રોસિંગ ગાંધીનગર અને પેથાપુર પાવર પ્લાન્ટ વિસ્તારને જોડતો મહત્વનો માર્ગ હોવાથી પીક અવર્સ (Peak Hours) દરમિયાન ટ્રાફિકનું ભારણ વધી શકે છે. આથી, રેલવે અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા તમામ વાહનચાલકોને સમયસર નીકળવા અને નિર્ધારિત વૈકલ્પિક માર્ગનો જ ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે, જેથી કોઈપણ પ્રકારની ટ્રાફિક સમસ્યા કે અકસ્માતથી બચી શકાય.