વિજ્ઞાનના ફલક પર ગુજરાતની નારી શક્તિનો દબદબો: GBUની વિદ્યાર્થીનીઓએ સંશોધન ક્ષેત્રે સ્થાપ્યા નવા કીર્તિમાન; 5 માંથી 4 ગોલ્ડ મેડલ દીકરીઓના નામે

GBU ખાતે માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ મહિલા વૈજ્ઞાનિકો માટે એક મજબૂત સપોર્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 06 Mar 2026 03:31 PM (IST)Updated: Fri, 06 Mar 2026 03:31 PM (IST)
gbu-students-set-new-records-in-research-4-out-of-5-gold-medals-in-the-name-of-daughters

Gujarat Biotechnology University: 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'ની પૂર્વસંધ્યાએ ગુજરાતના વિજ્ઞાન જગતમાંથી ગૌરવશાળી સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘જય અનુસંધાન’ના મંત્રને સાર્થક કરતા ગાંધીનગરની ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી (GBU) ની વિદ્યાર્થીનીઓ અને મહિલા ફેકલ્ટીઓએ વિજ્ઞાનના જટિલ સમીકરણોમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાહેર થયેલી નવી સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલિસી ૨૦૨૬-૩૧ ના પરિણામે આજે રાજ્યની દીકરીઓ વૈશ્વિક સ્તરે સંશોધન ક્ષેત્રે અગ્રેસર બની રહી છે.

સંશોધન ક્ષેત્રે મહિલા ફેકલ્ટીની વૈશ્વિક ઓળખ

GBU ની મહિલા ફેકલ્ટી મેમ્બર્સ આજે હૃદયરોગ, કેન્સર અને પર્યાવરણ જેવા ગંભીર વિષયો પર વિશ્વસ્તરીય સંશોધનોનું નેતૃત્વ કરી રહી છે:

  • ડૉ. નિશા સિંહ: 80 થી વધુ પ્રકાશનો અને 3 પેટન્ટ ધરાવતા ડૉ. નિશાને 'SERB વુમન એક્સેલન્સ એવોર્ડ 2024' થી નવાજવામાં આવ્યા છે.
  • ડૉ. રોહિણી નાયર: મહિલાઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા 'હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ' પર સંશોધન માટે તેમને ગેટ્સ ફાઉન્ડેશન તરફથી રૂપિયા એક કરોડથી વધુની સહાય પ્રાપ્ત થઈ છે.
  • ડૉ. સૂર્યા રામચંદ્રન અને ડૉ. કાંતિ કિરણ: આ વૈજ્ઞાનિકોએ શિક્ષણ લીડરશીપ અને ઇન્ડો-જર્મન ગ્રાન્ટ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે.
  • ડૉ. ગુંજન શર્મા, ડૉ. નીલમ કુંગવાણી અને ડૉ. અર્ચના કુમારી: તેઓ દરિયાઈ પ્રદૂષણ અને પ્લાન્ટ જેનેટિક્સ જેવા મહત્વના રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ સંભાળી રહ્યા છે.

વિદ્યાર્થીનીઓની સુવર્ણ સફળતા

યુનિવર્સિટીના સ્નાતક વિદ્યાર્થીનીઓએ માત્ર લેબ પૂરતું મર્યાદિત ન રહીને વૈશ્વિક મંચ પર પોતાની પ્રતિભા સાબિત કરી છે:

  • ગોલ્ડ મેડલનો દબદબો: M.Sc. ની પ્રથમ બેચ-2025 માં 5 માંથી 4 બાયોટેકનોલોજી વિભાગોમાં વિદ્યાર્થીનીઓએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે.
  • વૈશ્વિક પસંદગી: GBU ની અનેક તેજસ્વી વિદ્યાર્થીનીઓની યુકે (UK) ની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ માં અદ્યતન સંશોધન માટે પસંદગી કરવામાં આવી છે.
  • SSIP ગ્રાન્ટ: 50 જેટલી વિદ્યાર્થીનીઓને તેમના સ્વતંત્ર સંશોધન માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી હેઠળ રૂ. ૨.૫ લાખની ગ્રાન્ટ એનાયત કરવામાં આવી છે.

WDC: મહિલાઓના સપનાનું સુરક્ષા કવચ

GBU ખાતે માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ મહિલા વૈજ્ઞાનિકો માટે એક મજબૂત સપોર્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. વર્ષ 2023 માં સ્થાપિત મહિલા વિકાસ સેલ (WDC) અહીં આંતરિક ફરિયાદ સમિતિ અને કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ પૂરી પાડે છે. ખાસ કરીને કાર્યરત માતાઓ માટે કેમ્પસમાં જ ઘોડિયાઘર (Creche) ની સુવિધા ઉભી કરીને યુનિવર્સિટીએ સાબિત કર્યું છે કે તે મહિલા સશક્તીકરણ માટે પ્રતિબદ્ધ છે.

9 માર્ચ: મહિલા દિવસની ભવ્ય ઉજવણી

આગામી 9 માર્ચ, 2026 ના રોજ GBU "નવોચાર અને ઉદ્યોગસાહસિકતા" વિષય પર એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવા જઈ રહ્યું છે. જેમાં હૈદરાબાદના IKP નોલેજ પાર્કના અધ્યક્ષ ડૉ. દીપન્વિતા ચટ્ટોપાધ્યાય માર્ગદર્શન આપશે.

સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ GBU આજે એક એવું પ્લેટફોર્મ બન્યું છે જ્યાં એક મહિલા પ્રયોગશાળામાં ટેસ્ટ-ટ્યુબ પકડે છે ત્યારે તે માત્ર પ્રયોગ નથી કરતી, પરંતુ સમગ્ર સમાજનું સુરક્ષિત ભવિષ્ય લખે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વિજ્ઞાન જગતની આ 'સુપરવુમન્સ' ને સમગ્ર ગુજરાત વંદન કરી રહ્યું છે.