Gandhinagar: ગાંધીનગરના સેક્ટર 3Dમાં રહેતા મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતકે અંતિમ પગલું ભરતા પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર સાથે એક પોસ્ટ મૂકી હતી. હાલ તો સેક્ટર 7 પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ અમદાવાદની જ્હાન્વી ડાભી શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં લોક રક્ષક મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હતી અને ગાંધીનગર સેક્ટર 3D વિસ્તારમાં ભાડે રહેતી હતી. ગઈકાલે જ્હાન્વી નાઈટ ડ્યૂટી પુરી કરીને ઘરે પરત ફરી હતી. જો કે મોડા સુધી રૂમની બહાર ના આવતા પરિવારને કંઈક અજુગતુ થયું હોવાની શંકા ગઈ હતી.
પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ જવાબ ના મળતા આખરે પાડોશીઓની મદદથી દરવાજો તોડીને અંદર જોયુ તો જ્હાન્વી ગળે ફાંસો ખાધેલી હાલતમાં પંખા પર લટકતી મળી આવી હતી.
આ બાબતની જાણ થતાં સેક્ટર 7 પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યાં પંચનામુ કર્યાં બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને મોતનું કારણ જાણવા પરિવારજનોની પૂછપરછ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક જ્હાન્વીના છૂટાછેડા થઈ ચૂક્યા છે. જ્યારે તેના પિતાનું અવસાન થતાં તેની માતાએ બીજા લગ્ન કરી લીધા હતા જ્હાન્વીનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળતા તેનું દોઢથી બે દિવસ પહેલા જ મોત થયું હોવાનું અનુમાન છે.
બીજી તરફ મૃતક જ્હાન્વીની ફોઈએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, છૂટાછેડા પછી પણ પૂર્વ પતિ જ્હાન્વીને ફોન કરીને પૈસા માંગતો હતો. થોડા દિવસ પહેલા જન્માષ્ટ્મીએ જ્હાન્વીને મળી, ત્યારે તેણે પૂર્વ પતિ સતત પૈસા માટે પરેશાન કરતો હોવાનું જણાવ્યું હતુ. જો કે મેં તેને ઈગ્નોર કરવાનું કહ્યું હતુ. પૂર્વ પતિના ત્રાસથી જ જ્હાન્વીએ અંતિમ પગલું ભર્યું છે.
હજુ સુધી પોલીસને મૃતક જ્હાન્વી પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ નથી મળી, પરંતુ બે દિવસ પહેલા જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર અંતિમ પોસ્ટ મૂકી હતી. જેમાં જ્હાન્વીએ પોતાની તસવીર સાથે ‘I WISH I WAS MONSTER, YOU THINK I AM’ પોસ્ટ લખીને મૂકી હતી. જ્હાન્વીના ઈન્સ્ટાગ્રામ પર 25 હજારથી વધુ ફૉલોઅર્સ છે.
