Gandhinagar Beef Case: ગાંધીનગરના વાવોલ-ઉવારસદ રોડ પર ટાટા 407 વાહનના અકસ્માત બાદ ઝડપાયેલું 1880 કિલો શંકાસ્પદ માંસ ગૌવંશનું હોવાનો FSL રિપોર્ટમાં સત્તાવાર ખુલાસો થયો છે. આ મામલે સેક્ટર-7 પોલીસે બે ઈજાગ્રસ્ત આરોપીઓ સામે ગુનો નોંધી રૂ. 4.38 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અકસ્માત સર્જાતા ગૌમાંસની હેરાફેરીનો પર્દાફાશ
વાવોલ-ઉવારસદ રોડ પર ગત 19 સપ્ટેમ્બરના રોજ એક ટાટા 407 વાહન ડિવાઈડર સાથે અથડાઈને અકસ્માતગ્રસ્ત થયું હતું. અકસ્માત બાદ વાહનમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ માંસ ભરેલું મળી આવ્યું હતું. આ ઘટનામાં વાહનના ડ્રાઈવર મોહમંદ સદામ મોહમંદ આસીફ કુરેશી અને કંડક્ટર સરફરાજ અબ્દુલ મજીદ શેખ ઈજાગ્રસ્ત થયા હતા. આથી સ્થાનિક લોકોએ બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
પોલીસ તપાસ, સેમ્પલિંગ અને માંસનો નાશ
અકસ્માતની જાણ થતાં સેક્ટર-7 પોલીસે વાહનની પાછળ તપાસ કરતા શંકાસ્પદ કોથળા ભરેલા મળ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક કોલવડાના પશુ ચિકિત્સકને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. પશુ ચિકિત્સકની હાજરીમાં તપાસ કરતા વાહનમાંથી મળેલા કુલ 47 કોથળામાં આશરે 1880 કિલોગ્રામ શંકાસ્પદ માંસ ભરેલું હતું.
પોલીસે પશુ ચિકિત્સક મારફતે શંકાસ્પદ માંસના નમૂના મેળવીને 22 સપ્ટેમ્બરના રોજ વધુ ફોરેન્સિક તપાસ અર્થે DFS (ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ) ગાંધીનગર ખાતે મોકલી આપ્યા હતા. જપ્ત કરાયેલા માંસનો યોગ્ય નાશ કરવો જરૂરી હોવાથી, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું ટ્રેક્ટર બોલાવી તમામ કોથળા ડમ્પિંગ સાઈટ પર મોકલી તેનો નાશ કરવામાં આવ્યો હતો.
FSL રિપોર્ટમાં ગૌમાંસની પુષ્ટિ અને કાર્યવાહી
તપાસ અર્થે આવેલા સેમ્પલનો FSL સત્તાવાર અહેવાલ આવ્યો, જેમાં કબ્જે કરેલું માંસ ગૌવંશનું એટલે કે ગૌમાંસ હોવાનું સ્પષ્ટ સાબિત થયું હતું. રિપોર્ટ આવ્યા બાદ ASI જયંતીજીની ફરિયાદના આધારે સેક્ટર-7 પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ કેસમાં ડ્રાઈવર મોહમંદ સદામ કુરેશી અને કંડક્ટર સરફરાઝ શેખ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ, ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધક અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
