Gandhinagar News: સાસણગીર ગુજરાત, રણથંભોર રાજસ્થાન, તડોબા મહારાષ્ટ્ર, જીમ કોર્બેટ ઉત્તરાખંડ, કાજીરંગા આસામ અને બાંધવગઢ મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્ય ખાતેના જંગલ સફારી બુકિંગમાં ગેરરીતિ પકડાઈ છે. આ કૌભાંડમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા એડવાન્સમાં સ્લોટ બુકિંગ કરીને પ્રવાસીઓ પાસેથી સરકારના નક્કી કરેલા ધારાધોરણ કરતાં વધારે નાણાં મેળવીને પરમિટનું અનઅધિકૃત વેચાણ કરવામાં આવતું હતું. વર્તમાન સમયમાં વધી રહેલ સાયબર ક્રાઇમના ગુનાઓને અટકાવવા માટે સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા ટીમ બનાવીને સમગ્ર પ્રકરણનું એનાલીસીસ કરવામાં આવ્યું હતું, જેના આધારે દિલ્હી ખાતેથી બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.
આ ગુન્હાના આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા સારુ જંગલ સફારી બુકિંગ માટે પોતાની ખોટી ઓળખ આપી હતી. તેઓ ઇલેક્ટ્રોનીક્સ ઉપકરણોના માધ્યમથી સરકારની ઓફીશિયલ વેબસાઇટ ઉપર એડવાન્સમાં બલ્કમાં સ્લોટ બુકિંગ કરતા હતા. આમ કરવાથી તેઓ સફારી પરમીટની કૃત્રિમ અછત ઉભી કરતા હતા. આ કામના આરોપીઓ દેશમાં જંગલ સફારી માટેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એડવાન્સ બુકિંગ કરી પરમીટની અછત ઉભી કરી પોતાની ભળતા નામવાળી પ્રાઇવેટ વેબસાઇટ ઉપર અગાઉથી લીધેલ બુકિંગને કન્ફર્મ ટિકિટમાં કનવર્ટ કરી આપતા હતા. આ પ્રક્રિયામાં તેઓ બુકિંગ કરાવવા ઇચ્છતા પર્યટકોને કન્ફર્મ ટિકિટ બુકિંગ આપવાનું જણાવીને સરકાર દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણ કરતા વધારે રકમ મેળવીને છેતરપીંડી આચરતા હતા.
તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ દ્વારા સરકારની ઓફિશિયલ વેબસાઇટથી ભળતા નામ વાળી વેબસાઇટ પણ બનાવવામાં આવી હતી. આરોપીઓ ઓફિશિયલ વેબસાઇટના બુકિંગ રેટ કરતા અનઅધિકૃત રીતે ખુબ જ વધારે પેમેન્ટ લેતા હતા. આ ગેંગે અનઅધિકૃત રીતે ગીર સફારીની 12,000 પરમીટ ઇસ્યુ કરી હતી. તપાસ દરમિયાન સફારી બુકિંગના કન્ફર્મેશન અને પેમેન્ટસના 8,650 ઇમેઇલ મળી આવ્યા છે. સાથે જ, પીડીએફ ફાઇલ્સની કુલ 10,278 લીંક્સ પણ મળી આવેલ છે. આ સિવાય, ગીર સફારી, રણથંભોર રાજસ્થાન, તડોબા મહારાષ્ટ્ર, જીમ કોર્બેટ ઉત્તરાખંડ, કાજીરંગા આસામ અને બાંધવગઢ મધ્યપ્રદેશના બુકિંગ વાઉચર પણ મળી આવ્યા છે.
સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા દિલ્હી ખાતેથી પકડાયેલ છેતરપિંડી કરનાર ગેંગના સભ્યોમાં બે આરોપીઓનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલ આરોપીઓના નામ અજયકુમાર ઘનશ્યામભાઇ ચૌધરી અને અરવિંદ શ્રીકાંત ઉપાધ્યાય છે. અજયકુમાર ઘનશ્યામભાઇ ચૌધરી હાલ દિલ્હીમાં રહે છે, પરંતુ તે મૂળ બિહારના બેગુસરાય જીલ્લાના છે. જ્યારે બીજા આરોપી અરવિંદ શ્રીકાંત ઉપાધ્યાય દિલ્હીના શકરપુર વિસ્તારમાં રહે છે અને મૂળ ગાજીયાબાદ, બિહારના છે. તેઓ ટુર્સ અને ટ્રાવેલ્સ સાથે સંકળાયેલ વ્યક્તિઓ દ્વારા ટિકિટનું અનઅધિકૃત રીતે વેચાણ કરીને પર્યટકો સાથે છેતરપિંડી આચરતા હતા.
આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે પ્રવાસીઓને કેટલીક સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવે છે. ટુરીસ્ટ દ્વારા પરમિટનું બુકિંગ કરાવવામાં આવે ત્યારે માત્ર સરકારની ઓફિશિયલ વેબસાઇટ પરથી જ બુકિંગ કરવું જોઈએ. કોઈપણ સરકારી વેબસાઇટ ઉપર બુકિંગ કરાવતી વખતે દર્શાવવામાં આવેલ સૂચનાઓ ધ્યાનથી વાંચવી અને તેનું પાલન કરવું આવશ્યક છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ તથા ટેલિગ્રામમાં આવતી ભળતા નામવાળી ટુરીઝમ બુકિંગ વેબસાઇટની જાહેરાતોની લિંક પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ. હંમેશા ઓફિશિયલ સરકારી વેબસાઇટના ઉપયોગનો આગ્રહ રાખવો સલાહભર્યું છે.
