Gandhinagar News: ગાંધીનગર શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વાહનવ્યવહાર કરતાં નાગરિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પેથાપુર નજીક જીઈબી ગેટ પાસે ફાટક પર ચાલી રહેલા કોંક્રિટ રોડના કામકાજના લીધે ઘ-7થી ચરેડી સુધીનો મુખ્ય માર્ગ તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે બંધ કરાયો છે. આ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડીને વાહનચાલકોને અસુવિધા ન થાય માટે વૈકલ્પિક રુટની વિગતો જાહેર કરી છે
જાહેરનામાં વાહનવ્યવહાર પર પ્રતિબંધ
આ પણ વાંચો
GNC યાર્ડ અને જીઈબી પાવર પ્લાન્ટ પેથાપુર વચ્ચે આવેલા ફાટક નજીક સીસી રોડ બનાવવાની કામગીરી ચાલુ હોવાથી વાહનચાલકોની સુરક્ષાના હેતુથી આ નિર્ણય લેવાયો છે. જાહેનામા પ્રમાણે, 10મી ઓક્ટોબર સાંજે 4 વાગ્યા સુધી તમામ નાના મોટા વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
વાહનચાલકો માટે વૈકલ્પિક રુટ
રોડ બંધ થવાના કારણે વાહન વ્યવહાર ન અટવાય તે માટે વૈકલ્પિક રુટ જાહેર કરવામાં આવ્યા છે. મોટા ચિલોડા તરફથી આવી ઘ-7 સર્કલ થઈને પેથાપુર તરફ જતાં વાહનચાલકોએ સેક્ટર-30 સર્કલથી રોડ નંબર 7 થઈને ચ-7 ત્રણ રસ્તા, ઘ-7 સર્કલ, ગ-7 ત્રણ રસ્તા અને ખ-7 સર્કલ સુધી જવાનું રહેશે. ત્યાંથી જમણી તરફ વળીને રેલવે ફાટક અને સમર્પણ કોલેજ થઈ ચરેડી ચાર રસ્તા પહોંચી ડાબી તરફ વળી પેથાપુર તરફ જઈ શકાશે. વિજાપુર અને પેથાપુર તરફથી ઘ-7 સર્કલ થઈને ગાંધીનગરમાં પ્રવેશતા વાહનચાલકો માટે નવો રુટ ડાયવર્ટ કર્યો છે.
