Gandhinagar Tiranga Yatra 2026: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે આજથી રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન 2026 શરૂ થયું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ દેશભક્તિના અભિયાનને માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ હર ઘર તિરંગાથી હર દિલ તિરંગાનું જન આંદોલન બનાવવા માટે નાગરિકોને આહવાન કર્યું હતું.
દેશભક્તિના રંગે રંગાયું પાટનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં 9 થી 17 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહેલી આ તિરંગા યાત્રા રાષ્ટ્ર માટે સર્વશ્રેષ્ઠ યોગદાન આપવાની ચેતના જગાવી રહી છે. ગાંધીનગરના ગ-6 સર્કલથી અક્ષરધામ મંદિર સુધીના 2.4 કિલોમીટરના રૂટ પર યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓ હાથમાં તિરંગા સાથે ઉમટી પડ્યા હતા.
તિરંગા યાત્રાના મુખ્ય આકર્ષણો
આ તિરંગા યાત્રામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાસિક ઢોલના નાદ સાથે પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિના સૂર પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પોલીસ વિભાગના જવાનો દ્વારા સાહસપૂર્ણ 'ડેરડેવિલ્સ શો' રજૂ કરવામાં આવ્યો હતો, જે સૌ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
આ ઐતિહાસિક તિરંગા યાત્રાના પ્રારંભ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, ધારાસભ્યો અને મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ સહિતના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે જણાવ્યું કે, રાષ્ટ્રધ્વજ એ આપણા રાષ્ટ્રીય ગૌરવ, એકતા અને અખંડિતતાનું અમર પ્રતીક છે.
સંકલ્પ: વિકસિત ભારત 2047
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જ્યારે આપણે હાથમાં તિરંગો અને હૃદયમાં ભારત ભક્તિ લઈને નીકળીએ છીએ ત્યારે એક ભારત-શ્રેષ્ઠ ભારતનો વિચાર સાકાર થાય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ યાત્રાનો ઉદ્દેશ્ય આજની પેઢીમાં આઝાદીના લડવૈયાઓના બલિદાન પ્રત્યે આદર અને ‘રાષ્ટ્ર પ્રથમ’ (Nation First) ની ભાવના કેળવવાનો છે.
મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, આપણે વિકસિત ભારત 2047 ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અત્યારથી જ કર્તવ્ય બદ્ધ થવાનું છે. દેશભક્તોનું સદા સ્મરણ થાય અને દેશ ભક્તિની જ્યોત પ્રજ્વલિત રહે તે જ આ યાત્રાનો ખરો હેતુ છે. ‘એક બની, નેક બની’ હર ઘર તિરંગાના સંકલ્પને પાર પાડવા માટે સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
