Gandhinagar News: ગાંધીનગરમાં ટેક્સી ડ્રાઈવર સાથે ઓસ્ટ્રેલિયાના વીઝા અપાવવાના નામે કુલ 12.10 લાખની આર્થિક છેતરપિંડી આચરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વીઝા કન્સલટન્સી ચલાવતા પતિ પત્નીએ ફેક ડોક્યુમેન્ટ્સ આપીને ડ્રાઈવર પાસેથી રુપિયા પડાવી લીધા હતા. ઠગાઈ અંગે ડ્રાઈવરે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.
દંપતીએ ફરિયાદીનો વિશ્વાસ કેળવી ફસાવ્યા
મળતી માહિતી મુજબ, ગાંધીનગરના પેથાપુરમાં રહેતા ડ્રાઈવર ભરતપુરી ગોસ્વામી સપ્ટેમ્બર 2025ની રોજ મોગલ માતાજીના દર્શનાર્થે ગયા હતા.ત્યાં તેમની મુલાકાત આરોપી દંપતી સાથે થઈ હતી. દંપતીએ અમદાવાદના એસજી હાઈવે પર ગાંધીનગર સેક્ટર 11 પર પોતાની ઓફિસ હોવાનું કહ્યું હતું. તેમજ તેઓ વિદેશ મોકલવાનો કન્સલ્ટન્સી બિઝનેસ કરતા હોવાનો દાવો કરીને ફરિયાદીનો વિશ્વાસ જીતી લીધો હતો.
વ્યાજે લઈને ફરિયાદીએ 14 લાખ ચૂકવ્યા
આરોપી દંપતી ફરિયાદીના ઘરે ગયું હતું. જ્યાં તેમણે ઓસ્ટ્રેલિયા મોકલવાનો કુલ 50 લાખની ડીલ નક્કી કરી હતી. વીઝા મેળવવાની લાલચમાં આવીને ફરિયાદીએ શરુઆતમાં બાનાખત પેટે રુ.50 હજાર ચૂકવ્યા હતા. ત્યારબાદ ફરિયાદીએ પોતાના સગા સંબંધીઓ પાસેથી વ્યાજે પૈસા લઈને રોકડા અને બેન્ક ટ્રાન્સફર મારફતે કુલ 14 લાખની મોટી રકમ આરોપીઓને આપી હતી.
ફરિયાદી સાથે દંપતીએ છેતરપિંડી આચરી
આરોપી દંપતીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને મેડિકલ ટેસ્ટ અને પોલીસ વેરિફિકેશન જેવી પ્રોસેસ પૂર્ણ કરાવી હતી. તેમજ પીટીઇ પરીક્ષામાં પાસ કરી દેવાની ખાતરી આપીને નકલી પરિણામની પીડીએફ મોકલી આપી હતી. જ્યારે ફરિયાદીએ પોતાના આઈડી પાસવર્ડ માંગ્યા ત્યારે દંપતીએ ખોટા પાસવર્ડ પકડાવીને ગોળગોળ જવાબો આપવા લાગ્યા હતા.
આરોપી દંપતી સામે ગુનો દાખલ
સમગ્ર ભાંડો ફૂટી જતાં ફરિયાદીએ દંપતી પાસેથી પોતાના પૈસા પાછા માગવાનું દબાણ કર્યું હતું. જેના પગલે દંપતીએ રુ.1.90 લાખ પાછા આપ્યા હતા. પરંતુ બાકીના 12.10 લાખની રકમ પાછી આપવાને બદલે વાયદાઓ કરીને છેતરપિંડી કરી હતી. આથી ડ્રાઈવરે પોલીસ ફરિયાદ નોંધાવવાનું શરુ કર્યું હતું. પોલીસે આરોપી દંપતી સામે ગુનો નોંધીને વધુની કાર્યવાહી હાથ ધરી હતી.
