Gandhinagar Govt Quarters: પાટનગર ગાંધીનગરમાં વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે સેક્ટર-28 અને સેક્ટર-29 માં ટાવર ટાઈપ બે કોલોનીનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. આ બંને વસાહતોમાં કુલ 952 સરકારી આવાસ તૈયાર કરવામાં આવ્યા છે અને ઈલેક્ટ્રિકલ કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
સેક્ટર 28 અને સેક્ટર 29 માં 952 આવાસ તૈયાર
માર્ગ અને મકાન વિભાગના ઈજનેરી સૂત્રોના જણાવ્યા મુજબ, સેક્ટર-28 અને 29 માં એક ટાવર કોલોનીમાં 504 આવાસ અને બીજી ટાવર કોલોનીમાં 448 આવાસ મળીને કુલ 952 આવાસ તૈયાર કરવામાં આવ્યા છે. હાલ આ આવાસોના લોકાર્પણ માટેની પ્રક્રિયા બાકી છે અને તારીખ અંગેનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા લેવામાં આવશે. લોકાર્પણ થતાં જ વેઈટિંગ લિસ્ટમાં રહેલા કર્મચારીઓને રહેઠાણની ફાળવણી કરવામાં આવશે.
પાટનગર યોજના વિભાગ સમક્ષની અરજીનો ઉકેલ
સરકારી કર્મચારીઓ માટેના આવાસોની ફાળવણી અને વ્યવસ્થાપન સંભાળતા પાટનગર યોજના વિભાગ સમક્ષ લાંબા સમયથી અનેક સરકારી કર્મચારીઓ દ્વારા રહેઠાણ ફાળવવા માટે અરજી કરવામાં આવી રહી હતી. આ નવા 952 આવાસ ઉપલબ્ધ થતાં મોટી સંખ્યામાં કર્મચારીઓને રહેઠાણ ફાળવવાનો માર્ગ ખુલશે.
વધુ 448 આવાસનું બાંધકામ 2 મહિનામાં પૂર્ણ થશે
આ ઉપરાંત સેક્ટર-28 માં જ કર્મચારીઓ માટે વધુ 448 આવાસ ધરાવતી ટાવર કોલોનીનું બાંધકામ ચાલી રહ્યું છે. આ વસાહતનું કામ આગામી બે મહિનામાં પૂર્ણ થવાની ધારણા છે, જેનાથી આગામી તબક્કામાં પણ પાટનગરમાં કર્મચારીઓ માટે રહેઠાણની સુવિધામાં વધારો થશે.
પર્યાવરણલક્ષી સુવિધાઓ: STP-રેઈન વોટર હાર્વેસ્ટિંગ
આ ત્રણેય વસાહતોમાં પર્યાવરણની જાળવણી માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ગંદા પાણીને ટ્રીટમેન્ટ કર્યા બાદ નિકાલ કરવા માટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) અને વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ રાખવામાં આવી છે. આ ઉપરાંત બોરવેલ અને પાર્કિંગ સહિતની પાયાની સુવિધાઓ તો ઉપલબ્ધ જ હશે.
