Gandhinagar News: ગાંધીનગરમાં આવેલા રુપાલ ગામમાં વરદાયિની માતાની ઘીની પલ્લી જગવિખ્યાત છે. હજારો લીટર ઘીનો અભિષેક માતાની પલ્લી પર કરવામાં આવે છે. ત્યારે રુપાલ ગામમાં પલ્લી ઉત્સવ દરમિયાન ભક્તોને તાત્કાલિક તબીબી સેવા મળે તે માટે આરોગ્ય તંત્ર સુસજજ બન્યુ છે. પલ્લી ઉત્સવ દરમિયાન ગામમાં 4 સ્થળો પર મેડિકલ ટીમો 24 કલાક ખડે પગે રહેશે.
50 આરોગ્યકર્મીઓ ફરજ પર હાજર
રુપાલ ગામમાં વરદાયિની માતાના પલ્લી ઉત્સવમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટશે, તેની ખાસ તકેદારીના ભાગરુપે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવી છે. જેના ભાગરુપે 5 મેડિકલ ઓફિસર સહિત અંદાજે 50 આરોગ્યકર્મીઓ ફરજ પર હાજર રહેશે, જ્યારે ઉત્સવ દરમિયાન કોઈ દર્દી ગંભીર સ્થિતમાં હોય તો તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવા માટે 3 સ્થળે એમ્બ્યુલન્સની સુવિધા રખાઈ છે.
વાસી કે ખુલ્લા ખોરાક સામે કડક પગલાં
માતાજીના ઉત્સવ દરમિયાન રોગચાળો ફેલાતો અટકે તે માટે આરોગ્ચ વિભાગે આગોતરાં પગલાં લીધા છે. જેમાં ગામમાં ઘરે ઘરે કલોરિન ટેબ્લેટનું વિતરણ, ક્લોરીનેશન, સફાઈ કામગીરીનું નિરીક્ષણ સહિતની કામગીરી કરવામાં આવશે, વાસી કે ખુલ્લો ખોરાકનું વેચાણ અટકે તે માટે પણ ખાસ પગલાં લેવાશે. આરોગ્ય વિભાગે આ વ્યવસ્થામાં 5 મેડિકલ ઓફિસર, 21 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, 4 ફાર્માસિસ્ટ, 4 ફીમેલ હેલ્થ ર્કર, 4 કમ્યુનિટી હેલ્થ ઓફિસર અને 3 સ્ટાફ નર્સ હાજર રહેશે.
