Gandhinagar News: ગાંધીનગરમાંથી એક નિવૃત્ત સરકારી કર્મચારીની ઘાતકી હત્યા કર્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગાંધીનગરના સેક્ટર-26 ખાતે રહેતા નિવૃત્ત કર્મચારી રમેશભાઈ મોતીભાઈ પટેલની એક અવાવરુ જગ્યાએ ચોકીદારે દાતરડું મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા. જે મામલે પોલીસે આરોપી ચોકીદારની અટકાયત કરી છે.
ચણ નાખવા જતાં નિવૃત્ત કર્મચારી પર હુમલો
મળતી માહિતી મુજબ, પાટનગર યોજના વિભાગના નિવૃત્ત કર્મચારી રમેશભાઈ મોતીભાઈ પટેલ સેક્ટર 26 ખાતે રહેતા હતા. તેઓ દરરોજ ચરેડી ખાતે આવેલા એક અવાવરુ વર્કશોપમાં જઈને મોરને ચણ નાખવા જતાં હતા. હત્યાની ઘટના બની તે સમયે તેઓ વર્કશોપમાં શાંતિથી ખુરશી પર બેસીને મોરને દાણા નાખી રહ્યા હતા. ત્યારે રાજેન્દ્ર મેલાજી ઠાકોર નામનો ચોકીદાર અચાનક ત્યાં આવી ચડ્યો હતો. તેણે ખુરસી પર બેસીને ચણ નાખી રહેલા નિવૃત્ત કર્મચારી પર એકાએક દાંતરડા વડે ઘાતકી હુમલો કરી દીધો હતો.
ઘાતકી હુમલો થતાં વૃદ્ધ ઢળી પડ્યા
અચાનક થયેલા ઘાતકી હુમલામાં રમેશભાઈ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ નિષ્પ્રાણ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સેક્ટર-21 પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. પીઆઈ એલ.પી દેસાઈ સહિતની પોલીસ ટીમે હત્યાની જગ્યાએ પહોંચી જઈને તપાસ શરુ કરી હતી. તેમજ શબને પીએમ માટે ખસેડ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે આરોપી ચોકીદાર રાજેન્દ્ર ઠાકોરને ઝડપી લીધો હતો.
પોલીસે આરોપીની કરી અટકાયત
ઉલ્લેખનીય બાબત એ છે કે, આરોપી ચોકીદારે ભૂતકાળમાં તેની પત્નીની હત્યા કરી હતી, તેમજ રમેશભાઈ ચોકીદારના દિકરાને ભણવામાં આર્થિક સહાય કરતાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ પૈસાની લેવડ-દેવડ આ હત્યા પાછળનું મુખ્ય કારણ હોવાની શંકા સેવાઈ રહી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નિવૃત્ત કર્મચારીની હત્યાની જાણ થતાં ઓસ્ટ્રેલિયામાં રહેતા તેમના સંતાનો ક્રિયાકર્મ માટે આવશે.
