ગુજરાતની કળા હવે આંતરરાષ્ટ્રીય મંચ પર: લંડન ફેશન વીકમાં રબારી ભરતકામના વખાણ, 80થી વધુ મહિલાઓ બની આત્મનિર્ભર

મહિલા ઉદ્યોગસાહસિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા સોનલ દેસાઈએ માલધારી સમાજની પરંપરાગત 'રબારી ભરતકામ' અને 'જેકો મોતી વર્ક'ની કલાને આધુનિક ફેશન સાથે જોડીને વૈશ્વિક મંચ 'લંડન ફેશન વીક' (London Fashion Week) માં રજૂ કરી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 16 Nov 2026 08:15 AM (IST)Updated: Mon, 16 Nov 2026 08:15 AM (IST)
gandhinagar-randheja-woman-sonal-desai-showcases-rabari-embroidery-at-london-fashion-week
રબારી ભરતકામ લંડન ફેશન વીક

Rabari Embroidery London Fashion Week: ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા અને પરંપરાગત વારસાને આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકાવવાનું પ્રશંસનીય કાર્ય ગાંધીનગર નજીકના રાંધેજા ગામના મૂળ વતની સોનલ દેસાઈએ કરી બતાવ્યું છે. મહિલા ઉદ્યોગસાહસિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા સોનલ દેસાઈએ માલધારી સમાજની પરંપરાગત 'રબારી ભરતકામ' અને 'જેકો મોતી વર્ક'ની કલાને આધુનિક ફેશન સાથે જોડીને વૈશ્વિક મંચ 'લંડન ફેશન વીક' (London Fashion Week) માં રજૂ કરી છે. આ સિદ્ધિની સાથે-સાથે તેમણે ગામડાની 80થી વધુ મહિલાઓને ઘરબેઠા રોજગારી પૂરી પાડીને આત્મનિર્ભર બનાવી છે.

લંડન ફેશન વીકમાં 25 ડિઝાઈનર વસ્ત્રોનું કલેક્શન રજૂ કર્યું

મહિલાઓની પરંપરાગત હાથકારીગરીને આધુનિક ડિઝાઈનર વસ્ત્રોનું સ્વરૂપ આપીને સોનલ દેસાઈએ હસ્તકલાને સફળ વ્યવસાય સાથે જોડી છે. તાજેતરમાં 20 સપ્ટેમ્બરે સેન્ટ્રલ લંડનમાં આયોજિત પ્રતિષ્ઠિત 'લંડન ફેશન વીક'માં તેમણે રબારી ભરતકામ અને જેકો મોતી વર્કથી તૈયાર કરાયેલા 25 જેટલા અદભૂત ડિઝાઈનર વસ્ત્રોનું કલેક્શન રજૂ કર્યું હતું. તેમના આ કલેક્શનમાં પરંપરાગત ભરતકામની સાથે હેન્ડ પેઈન્ટિંગ, વૂલ, લેધર અને ડિજિટલ પ્રિન્ટ જેવી આધુનિક ટેકનિકનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જેણે આંતરરાષ્ટ્રીય ફેશન જગતમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

સોનલ દેસાઈ જણાવે છે કે, "રબારી ભરતકામ એ માત્ર કપડાં પર કરવામાં આવતી કળા નથી, પરંતુ તે આપણા સમાજનો અમૂલ્ય સાંસ્કૃતિક વારસો અને આગવી ઓળખ છે. આ કલા પેઢી દર પેઢી જળવાઈ રહે અને મહિલાઓ માટે આવકનું સક્ષમ સાધન બને તે જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે."

મહિલાઓને કામ કરવા માટે પરિવારોનો વિશ્વાસ જીત્યો

આજે 80થી વધુ મહિલાઓને રોજગારી આપનાર સોનલ દેસાઈ માટે આ સફર શરૂઆતમાં સરળ નહોતી. શરૂઆતના તબક્કામાં ગ્રામ્ય વિસ્તારની કેટલીક મહિલાઓના પરિવારજનો તેમને ઘરની બહાર નીકળીને કામ કરવા દેવા માટે તૈયાર નહોતા. આ પડકારજનક સ્થિતિમાં સોનલ દેસાઈએ હિંમત હાર્યા વિના પોતે જાતે મહિલાઓના ઘરે જઈને તેમના પરિવારજનોને સમજાવ્યા હતા. મહિલાઓની કલાને પ્રોત્સાહન મળવાથી પરિવારની આર્થિક આવકમાં વધારો થશે તેવો વિશ્વાસ તેમણે પરિવારોમાં જગાવ્યો હતો. આજે તે જ મહિલાઓ પોતાની કારીગરીના દમ પર આર્થિક રીતે પગભર બની છે.

1 એકરમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપી 200 મહિલાઓને રોજગારી આપવાનું લક્ષ્ય

વર્તમાનમાં 80થી વધુ મહિલાઓને રોજગાર પૂરો પાડ્યા બાદ હવે સોનલ દેસાઈ પોતાના આ વ્યવસાયનો વ્યાપ વધુ વિસ્તારવાનું આયોજન કરી રહ્યા છે. આગામી સમયમાં તેઓ 1 એકર જમીનમાં અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની યોજના ધરાવે છે. આ નવા યુનિટની સ્થાપના થવાથી અન્ય 150 થી 200 જેટલી મહિલાઓને સીધી રોજગારી પૂરી પાડવાનું તેમનું લક્ષ્ય છે, જેથી વધુને વધુ ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બની શકે.