કલોલના બોરીસણા બ્રિજ પર રખડતું ઢોર આડું ઉતરતાં ત્રિપલ અકસ્માત, બેકાબુ આઈસર ટ્રક પસાર થતી બે કાર સાથે ભટકાઈ

કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરના કારણે એક આઈસર ટ્રક અને બે કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો. સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ રસ્તા પરના રખડતા પશુઓની સમસ્યા ફરી ઉજાગર કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 27 Oct 2026 04:23 PM (IST)Updated: Tue, 27 Oct 2026 04:23 PM (IST)
gandhinagar-news-stray-cattle-menace-in-kalol-eicher-truck-crashes-into-two-cars-on-borisana-bridge

Gandhinagar: ગાંધીનગર જિલ્લાના કલોલમાં રખડતા ઢોરના આતંકની ઘટના સામે આવી છે. જેમાં કલોલ પાસેના બોરીસણા બ્રિજ પર અચાનક રખડતુ ઢોર આવી જતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જો કે સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગેસના સિલિન્ડરથી ભરેલી આઈસર ટ્રક કલોલના બોરીસણા બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન અચાનક સામે રખડતું ઢોર આવી જતાં ટ્રકના ચાલકે તેને બચાવવાના ચક્કરમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેના પગલે બેકાબુ બનેલી ટ્રક રસ્તા પરથી પસાર થઈ રહેલી બે કારો સાથે ધડાકાભેર ભટકાઈ હતી. ટ્રકની ટક્કર બાદ એક કાર ડિવાઈડર ઠેકી રોડની બીજી બાજુ ઘુસી ગઈ હતી.

આ અકસ્માતના પગલે બ્રિજ પર થોડા સમય માટે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ સમયે બ્રિજ પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ટક્કરના કારણે વાહનોને નુકસાન પહોંચ્યું છે. આ અકસ્માતે રોડ પર રખડતા પશુઓની સમસ્યા અને વાહન ચાલકોની સુરક્ષા વિશે પુનઃ એકવાર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ખડા કર્યા છે