Gandhinagar, Gujarat Police Suicide News: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના પાટનગર ગાંધીનગર, ભાવનગર અને ભરૂચમાં ત્રણ પોલીસ કર્મચારીઓએ આપઘાત કર્યો હોવાના બનાવથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પેથાપુરમાં પંખા સાથે તાર બાંધીને હેડ કૉન્સ્ટેબલે આયખું ટૂંકાવ્યું
પ્રથમ બનાવ ગાંધીનગરના પેથાપુરમાંથી સામે આવ્યો છે. જેમાં ગાંધીનગર સેક્ટર-7ના પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઉપેન્દ્રસિંહ વાઘેલાએ આજે પેથાપુર સ્થિત પોતાના નિવાસ સ્થાને ગળેફાંસો ખાઈ લીધો હતો.
પ્રાથમિક તપાસમાં ઉપેન્દ્રસિંહ સવારે પોતાના સંતાનોને સ્કૂલે મૂકીને ઘરે પરત ફર્યા હતા. જે બાદ મકાનના ઉપરના માળે જઈને પંખા સાથે તાર બાંધીને લટકી ગયા હતા. પંખા સાથે પતિનો લટકતો મૃતદેહ જોઈને પત્ની હેબતાઈ ગઈ હતી. હાલ તો પેથાપુર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘોઘા પોલીસ મથકના કોન્સ્ટેબલે કારમાં ઝેરી જવા પી જિંદગી ટૂંકાવી
બીજો બનાવ ભાવનગર જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં ઘોઘા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલે ભૂતેશ્વર ગામ નજીક પોતાની કારમાં ઝેરી દવા પી લીધી હતી. ઝેરની અસર થતાં દિગ્વિજય સિંહને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ દરમિયાન તેમનું મોત નીપજ્યું હતુ.
પ્રાથમિક તપાસમાં દિગ્વિજય સિંહ માનસિક બીમાર હોવાથી એક મહિનાથી રજા પર હતા. તેઓ ભાવનગર ખાનગી ડૉ. કેયુર પરમાર પાસે માનસિક રોગની સારવાર લીઈ રહ્યા હોવાનું માલૂમ પડ્યું છે.
ભરૂચમાં મહિલા હેડ કૉન્સ્ટેબલે પોતાના ક્વાર્ટરમાં ગળેફાંસો ખાધો
અન્ય એક બનાવ ભરૂચ શહેરમાંથી સામે આવ્યો છે. જેમાં મહિલા પોલીસ કેન્સ્ટેબલ પ્રીતિ પરમાર (22)એ પોતાના રહેણાંક ક્વાર્ટરમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. આ બનાવની જાણ થતાં બી-ડિવિઝન પોલીસ મથકો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જેમણે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક પ્રીતિ પરમાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરલા ગામના વતની હતા અને 5 વર્ષથી ભરુચ પોલીસની LIB શાખામાં ફરજ બજાવતા હતા.
