Kalol Acid Attack: કલોલ તાલુકાના છત્રાલ ગામે આજે એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં એક મહિલા હોમગાર્ડ પર એસિડથી હુમલો કરવામાં આવ્યો હતો. રિક્ષા યોગ્ય જગ્યાએ પાર્ક કરવાનું કહેતા રિક્ષાચાલકે મહિલા પર એસિડ ફેંક્યું હતું. આ ઘટનામાં મહિલા હોમગાર્ડને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
રિક્ષા યોગ્ય જગ્યાએ પાર્ક કરવાનું કહેતા ઉશ્કેરાયો
આ ઘટના કલોલના છત્રાલ ઓવરબ્રિજ નીચે બની હતી. હોમગાર્ડના જવાનો ટ્રાફિક નિયમનની ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે એક રિક્ષા આડી ઉભી હોવાથી, ફરજ પર હાજર મહિલા હોમગાર્ડે રિક્ષાચાલકને રિક્ષા યોગ્ય જગ્યાએ પાર્ક કરવા કહ્યું હતું. આ બાબતે રિક્ષાચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે મહિલા હોમગાર્ડ સાથે બોલાચાલી કરી હતી. અન્ય હોમગાર્ડ જવાનોએ દરમિયાનગીરી કરીને રિક્ષાચાલકને પોલીસ મથકે લઈ ગયા હતા, જ્યાં પોલીસે તેને સમજાવીને છોડી મૂક્યો હતો.
અડધો કલાક બાદ પાછો આવ્યો અને એસિડ ફેંક્યુ
પોલીસ મથકેથી છૂટ્યા બાદ રિક્ષાચાલકે વેરભાવનાથી અડધો કલાક પછી એસિડ લઈને છત્રાલ ઓવરબ્રિજ નીચે પહોંચી મહિલા હોમગાર્ડ પર હુમલો કર્યો હતો. રિક્ષાચાલકે કોઈ પણ ચેતવણી આપ્યા વિના મહિલા પર એસિડ ફેંક્યું હતું. જેનાથી બચવા માટે મહિલા હોમગાર્ડ ભાગવા લાગી હતી ઘટના બાદ રિક્ષાચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. ઇજાગ્રસ્ત મહિલા હોમગાર્ડને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
કલોલ ડિવિઝનના DySP પી. ડી. મનવરે જણાવ્યું કે, કલોલ શહેરમાં છત્રાલ ઓવરબ્રિજ પાસે ટ્રાફિક હોમગાર્ડ અને મહિલા હોમગાર્ડ ફરજ પર હતા. તેઓ ટ્રાફિક વ્યવસ્થા ગોઠવી રહ્યા હતા, ત્યારે ત્યાંથી પસાર થતા એક રિક્ષાવાળાને રિક્ષા યોગ્ય જગ્યાએ પાર્ક કરવાનું કહેવામાં આવ્યું. આથી રિક્ષાચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને બોલાચાલી થઈ હતી. ત્યારબાદ રિક્ષા ચાલક પોતાના ઘરે ગયો અને ત્યાંથી એસિડ લઈને પાછો આવ્યો. તેણે મહિલા હોમગાર્ડ ઉપર એસિડ ફેંકીને હુમલો કર્યો. મહિલા હોમગાર્ડને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ છે. આરોપને રાઉન્ડઅપ કરાયો છે. ગુનો દાખલ કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
