Gandhinagar: આજથી પાંચેક દિવસ પહેલા ગાંધીનગરના સેક્ટર-24માં આવેલા ઈન્દિરાનગર છાપરામાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં ઝડપાયેલા આરોપીએ આજે પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મહિલા PI દ્વારા ફાયરિંગ કરીને તેને પકડી પાડવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
હકીકતમાં ગત 15 ડિસેમ્બરના રોજ ઈન્દિરાનગરના છાપરામાં રહેતી 5 વર્ષની બાળકી મોડી રાતે શૌચ ક્રિયા માટે ઘરની બહાર નીકળી હતી. આ સમયે અંધારાનો લાભ લઈ એક હવસખોરે બાળકીને ઝડપીને તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. પોતાની હવસ સંતોષાયા બાદ આરોપી બાળકીને તેના ઘર નજીક મૂકીને ભાગી છૂટ્યો હતો.
જે બાદ બાળકી રડતા-રડતા પોતાના ઘરે પહોંચી હતી. આ બાબતે પૂછતાં તે ભૂત આવ્યું હતું કહીને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી હતી. જો કે બાળકીના કપડા લોહીથી ખરડાયેલા જોતા પરિવારને કંઈક અજુગતુ થયું હોવાની શંકા જતાં તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબી તપાસમાં બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું માલૂમ પડતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
આ પણ વાંચો
આ મામલે પોલીસે CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે રામસિંગ યાદવ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. જે સેક્ટર 25 સ્થિત GIDCની ડેરીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતુ.
આજે પોલીસની ટીમ આરોપીને લઈને ઘટના સ્થળે રી કન્સ્ટ્રક્શન માટે ગઈ હતી. આ સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને આરોપી પર ફિટકાર વરસાવતા હતા. આ દરમિયાન આરોપીએ પોલીસ કાફલાને ચકમો આપીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ફરજ પર હાજર મહિલા PIએ આરોપી પર ત્રણ રાઉન્ડ ફાયર કર્યાં હતા. જે પૈકી એક ગોળી દુષ્કર્મની પગમાં વાગતા તે દૂર ભાગી શક્યો નહતો અને ત્યાંજ ફસડાઈ ગયો હતો. જે બાદ પોલીસે આરોપીને ફરીથી દબોચી લીધો હતો. જેથી ઉપસ્થિત લોકોએ પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા.
ગુનેગારો સામે ગુજરાત પોલીસની લાલઆંખઃ 4 મહિનામાં એન્કાઉન્ટરની 7 ઘટના
ગુજરાત પોલીસ દ્વારા ગુનેગારો સામે લાલઆંખ કરવામાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ગુજરાતમાં છેલ્લા 4 મહિનામાં જ એન્કાઉન્ટરની 7મી ઘટના છે. જે પૈકી એક આરોપી ઠાર મરાયો છે, જ્યારે 5 આરોપી ઈજાગ્રસ્ત થયા છે. ખાસ વાત એ છે કે, પોલીસ દ્વારા જે આરોપીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, તેમાં ત્રણ તો દુષ્કર્મના છે.
