Gandhinagar: 'ઉમેદવારો તૈયારીમાં લાગી જાય..!' - PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી અંગે ભરતી બોર્ડના અધ્યક્ષે કરી મોટી જાહેરાત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 15 Sep 2024 05:15 PM (IST)Updated: Sun, 15 Sep 2024 05:15 PM (IST)
gandhinagar-news-ips-hasmukh-patel-tweet-on-lokrakshak-and-psi-physical-test

Gandhinagar: પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોક રક્ષકની ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો તૈયારીમાં લાગી જાય, કારણ કે ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા શારીરિક કસોટી અંગે મહત્ત્વની જાણકારી આપી છે. જેમાં આગામી 15 નવેમ્બરની આસપાસ શારીરિક કસોટી શરૂ થઈ શકે છે. જે બાદ ટૂંક સમયમાં લેખિત પરીક્ષા પણ લેવામાં આવશે.

IPS ઑફિસર અને ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પોતાની X પોસ્ટમાં જણાવ્યું છે કે, PSI અને લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શરૂ થઈ જશે. તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે. આથી ઉમેદવારો તૈયારી કરવા લાગે, કારણ કે તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી. તેના લીધે શારીરિક તકલીફ થઈ શકે છે.

પીએસઆઈ તથા લોકરક્ષક ભરતી માં શારીરિક કસોટીના ગુણ ન હોઈ ઉમેદવારો તેની તૈયારીમાં પાસ થવા પૂરતો જ સમય ફાળવે. બાકીના સમયનો ઉપયોગ લેખિત પરીક્ષાની તૈયારીમાં કરે.

પોતાની અન્ય એક પોસ્ટમાં અધ્યક્ષે જણાવ્યું છે કે, PSI અને લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીના ગુણ ના હોવાથી ઉમેદવારો તેની તૈયારીમાં પાસ થવા પૂરતો સમય ફાળવે. જ્યારે બાકીના સમયનો ઉપયોગ લેખિત પરીક્ષાની તૈયારી માટે કરે.

જણાવી દઈએ કે, PSI અને લોકરક્ષકની ભરતી માટે બે તબક્કામાં ઉમેદવારો પાસે અરજી મંગાવવામાં આવી હતી. જેમાં પહેલા તબક્કામાં એપ્રિલ મહિનામાં PSI માટે 4.47 લાખ અને લોકરક્ષક માટે 9.70 લાખ અરજી મળી હતી. જ્યારે ઓગસ્ટ મહિનામાં બીજા તબક્કામાં PSI માટે 51,800 અને લોકરક્ષક માટે 1.35 લાખ ઉમેદવારોએ અરજી કરી છે. આમ બન્ને તબક્કામાં મળીને PSI માટે 4.99 લાખ અને લોકરક્ષક માટે 11.05 લાખ ઉમેદવારોએ અરજી કરી છે.