Gujarat New DGP: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ વહીવટી માળખામાં અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા 1993 બેચના આઈપીએસ (IPS) અધિકારી જ્ઞાનેન્દ્ર સિંહ મલિકને રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી (DGP અને IGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લાંબા સમયથી ખાલી પડેલી આ મહત્વની કેડર પોસ્ટ પર કાયમી નિમણૂક થતા પોલીસ બેડામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તાત્કાલિક અસરથી સંભાળશે જવાબદારી
06/06/2026 ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા મુજબ, જ્ઞાનેન્દ્ર સિંહ મલિકની નિમણૂક તાત્કાલિક અસરથી કરવામાં આવી છે. તેઓ અત્યાર સુધી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે સેવા આપી રહ્યા હતા અને હવે તેઓ ગુજરાત રાજ્યના સર્વોચ્ચ પોલીસ પદની જવાબદારી સંભાળશે. આ નિમણૂક ગુજરાતના રાજ્યપાલના આદેશ અને નામે કરવામાં આવી છે, જેની સત્તાવાર જાહેરાત ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
પગાર ધોરણ અને કેડરની વિગતો
ગૃહ વિભાગની સૂચના અને જાહેરનામા ક્રમાંક IPS/102025/754/B અનુસાર, જ્ઞાનેન્દ્ર સિંહ મલિકને એપેક્સ સ્કેલ લેવલ 17 (Apex Scale Level 17) માં નિમણૂક આપવામાં આવી છે. આ પદ માટે તેમનો માસિક પગાર 2,25,000 (ફિક્સ) નિર્ધારિત કરવામાં આવ્યો છે. 1993 બેચના અધિકારી તરીકે તેઓ બહોળો અનુભવ ધરાવે છે અને અગાઉ પણ રાજ્યના વિવિધ મહત્વના હોદ્દાઓ પર પ્રશંસનીય કામગીરી કરી ચૂક્યા છે.
ગૃહ વિભાગ દ્વારા નોટિફિકેશન જારી
આ નિમણૂક અંગેનું નોટિફિકેશન ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ડો. અંજુ શર્માની સહીથી જારી કરવામાં આવ્યું છે. આ ઓર્ડરની નકલ રાજ્યપાલના મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના મુખ્ય સચિવ, યુપીએસસી (UPSC) સચિવ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્યના તમામ આઈપીએસ અધિકારીઓ સહિતના સંબંધિત વિભાગોને જાણ અર્થે મોકલી આપવામાં આવી છે. જ્ઞાનેન્દ્ર સિંહ મલિકના નેતૃત્વમાં ગુજરાત પોલીસ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
