Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને '5 ટ્રિલિયન ઈકોનોમી' બનાવવાનું જે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે, તેને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવશે.
આ દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ જિલ્લાઓના GDP દરમાં વૃદ્ધિ કરીને સમગ્ર રાજ્યનો આર્થિક વિકાસ દર વધારવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધતા આ માહિતી આપી હતી.
આ પણ વાંચો
મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં લેવાયેલા શ્રેણીબદ્ધ આર્થિક સુધારાઓને પરિણામે ભારતના GDP દરમાં ઉત્તરોત્તર વધારો અને મોંઘવારી દરમાં ઘટાડો થઇ રહ્યો છે. દેશની અર્થવ્યવસ્થામાં ગુજરાત હંમેશા ગ્રોથ એન્જિન રહ્યું છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કેબિનેટ બેઠકમાં રાજ્યના સર્વાંગી અને સમાન આર્થિક વિકાસ માટે એક નવો રોડમેપ રજૂ કર્યો છે.
મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં અવલોકન કર્યું છે કે, રાજ્યના કેટલાક જિલ્લાઓ આર્થિક રીતે ખૂબ પ્રગતિશીલ છે, જ્યારે અમુક જિલ્લાઓમાં હજુ પણ વિકાસની વિપુલ સંભાવનાઓ રહેલી છે. CM ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ સહિતના તમામ ઉચ્ચ સનદી અધિકારીઓને સૂચના આપી છે કે, દરેક જિલ્લાની આગવી વિશેષતા અને ત્યાં રહેલી વિકાસની સંભાવનાઓને ઓળખીને તે મુજબનો એક્શન પ્લાન તૈયાર કરીને જે જિલ્લાઓનો GDP દર ઓછો છે, ત્યાં આર્થિક ગતિવિધિઓ વધારીને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાની કામગીરી હાથ ધરવામાં આવે.
મંત્રીએ અંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, રાજ્ય સરકારના આ સુદ્રઢ આયોજન અને જિલ્લા સ્તરે આર્થિક સશક્તિકરણના કારણે ગુજરાત વડાપ્રધાનશ્રીના 'વિકસિત ભારત @ ૨૦૪૭’ના વિઝનને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
