Gandhinagar: ગૌવંશના હિતમાં સરકારનો મહત્ત્વનો નિર્ણય, 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'ના કાર્યક્ષેત્રમાં વધારો કરાયો

હવે 31 ડિસેમ્બર, 2025 સુધીમાં પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી તમામ ગૌશાળા-પાંજરાપોળને 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’નો લાભ મળશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 14 Mar 2026 08:43 PM (IST)Updated: Sat, 14 Mar 2026 08:43 PM (IST)
gandhinagar-news-gujarat-govt-expands-mukhyamantri-gaumata-poshan-yojana-more-gaushalas-to-get-financial-aid
HIGHLIGHTS
  • ગૌશાળા-પાંજરાપોળની નોંધણીની સમય મર્યાદા વધારવામાં આવતા અનેક નવી સંસ્થાઓને વધારાની સહાય મળશે
  • માત્ર ત્રણ જ વર્ષમાં રાજ્યની 1600 સંસ્થાઓના 4.50 લાખથી વધુ પશુઓ માટે રૂ. 1,364 કરોડની સહાય ચૂકવાઈ

Gandhinagar: ગુજરાતના પશુપાલકો અને ગૌસેવા કરતી સંસ્થાઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને ઉમદા નિર્ણય લીધો છે. જે અંતર્ગત 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના' હેઠળ સહાય મેળવવાની પાત્રતાના નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારો કરીને રાજ્યની વધુમાં વધુ પાંજરાપોળ-ગૌશાળાને આ યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંગે વિગતો આપતા પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં PM મોદીના હસ્તે અંબાજી ખાતેથી વર્ષ 2022-23માં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્યની પાંજરાપોળ-ગૌશાળાને પશુ નિભાવ માટે એક પશુ દીઠ દૈનિક રૂ. 30ની આર્થિક સહાય આપવામાં આવે છે.

વર્ષ 2022-23થી સપ્ટેમ્બર-2025 સુધીમાં રાજ્યની 1600થી વધુ સંસ્થાઓના 4.50 લાખથી વધુ પશુઓ માટે અત્યાર સુધીમાં કુલ રૂ. 1,364 કરોડ જેટલી માતબર રકમની સહાય ચૂકવવામાં આવી છે. આ યોજનાના નિયમ મુજબ, જે સંસ્થાઓની નોંધણી પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ તા. 31-03-2022 પહેલા થઈ હોય તેમને જ આ સહાય મળવાપાત્ર હતી.

નાણાકીય વર્ષ 2023-24 પછી નોંધાયેલી ગૌશાળા-પાંજરાપોળને આ સહાય ન મળતી હોવાથી રાજ્યની વિવિધ સંસ્થાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ સંસ્થાઓની રજૂઆતોને હકારાત્મક વાચા આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદાર અભિગમ દાખવી ટ્રસ્ટ નોંધણીની મર્યાદા વધારવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

હવે આગામી નાણાકીય વર્ષ એટલે કે, તા. 01-04-2026થી, જે સંસ્થાઓની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ તા. 31-12-2025 સુધીમાં નોંધણી થયેલી હશે, તેવી તમામ ગૌશાળા-પાંજરાપોળો આ સહાય મેળવવા માટે પાત્ર ગણાશે. નોંધણીની સમયમર્યાદા વધારવાના કારણે રાજ્યની અનેક ગૌસેવી સંસ્થાઓ આ યોજનાનો લાભ લઈ શકશે.

અંતમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ગૌશાળા અને પાંજરાપોળ દ્વારા પશુઓની જાળવણીની જે સેવાભાવી પ્રવૃત્તિ થાય છે, તેને આર્થિક બળ પૂરું પાડવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય આ નિર્ણયથી સાચા અર્થમાં ચરિતાર્થ થયો છે.