Gandhinagar: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ચાલતા ખાનગી ટ્યુશન તેમજ કૉચિંગ ક્લાસીસના સંચાલકોને નિયંત્રિત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ કાયદો ઘડવાની ક્વાયત હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જે આ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરશે.
હકીકતમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જારી નોટીફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, આ કમિટીનું નેતૃત્વ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ સંભાળશે. આ સિવાય શિક્ષણ બોર્ડના સચિવ, પ્રાથમિક શાળાના નિયામક, GCERTના નિયામક ઉપરાંત શિક્ષણ વિભાગના નાયબ સચિવો સહિત 8 સભ્યોની બનેલી આ કમિટી ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસ માટેના નિયમો અને જોગવાઈઓને લઈને મુસદ્દો તૈયાર કરશે.
ખાનગી ટ્યુશન ક્લાસીસના વધતા જતા પ્રભાવ અને તેના સંચાલનમાં પારદર્શિતા લાવવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા કાયદો ઘડવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આ કાયદા અંતર્ગત ટ્યુશન ક્લાસીસની ફી, અભ્યાસક્રમ, સલામતીના ધોરણો તેમજ અન્ય શૈક્ષણિક પ્રવૃતિઓ પર અંકુશ રાખવામાં મદદ મળી રહેશે.
શિક્ષણ વિભાગ દ્વારા રચવામાં આવેલી કમિટીને કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે જરૂર જણાય, તો નિષ્ણાંત વ્યક્તિને પણ સભ્ય તરીકે સામેલ કરવાની સત્તા આપવામાં આવી છે. એક વખત કમિટી દ્વારા કાયદાનો ડ્રાફ્ટ તૈયાર થઈ જાય, તે બાદ તેને મંજૂરી અને અમલ માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે.
ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં સરકાર આ વિધેયક લાવશે તે પછી તેનો અમલ શક્ય થઈ જશે. એકવાર આ કાયદાનો અમલ શરૂ થઈ જશે, તે પછી ગુજરાતના તમામ ખાનગી ટ્યુશન અને કૉચિંગ ક્લાસીસ માટે ફરજિયાજ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જેના પરિણામે પ્રાઈવેટ સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસના સંચાલકો વચ્ચેની મિલિભગતો પર મહદઅંશે અંકુશ આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પહેલીવાર ખાનગી ટ્યુશન ક્લાસીસને સરકારના નિયંત્રણ હેઠળ લાવવા માટે આ પ્રકારની સત્તાવાર પહેલ કરવામાં આવી છે.
