Gandhinagar: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની સમીક્ષા કરી હતી.
આ અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં બે અલગ ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા હતા.
આ પણ વાંચો
આ બંને રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં 30 લાખથી વધુ ખેડૂતોના કુલ રૂ. 8,710 કરોડના ઓનલાઇન બિલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી આજની સ્થિતિએ કુલ 29.30 લાખ ખેડૂતોને કુલ રૂ. 8,516 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે.
વધુમાં પ્રવક્તા મંત્રીએ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ચાલી રહેલ ખરીદીની વિગતો આપતા જણાવ્યું કે, અત્યાર સુધીમાં રાજ્યના 6.79 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. 10,698 કરોડથી વધુના મૂલ્યના કુલ 14.91 લાખ મેટ્રિક ટનથી વધુ જથ્થાની ખરીદી કરવામાં આવી છે. જેની સામે અત્યાર સુધીમાં 4.16 લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ. 6,573 કરોડથી વધુનું ચૂકવણું કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત આજ સુધીમાં રાજ્યના 6.26 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. 10,300 કરોડથી વધુના મૂલ્યની કુલ 14.18 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરાઈ છે. જેની સામે અત્યાર સુધીમાં 3.89 લાખ ખેડૂતોને કુલ રૂ. 6,362 કરોડથી વધુની રકમ સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવી દેવામાં આવી છે, તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
