ખેડૂતોને વાવેતર પહેલા જ સરકારની મોટી ભેટઃ ખરીફ પાકોના નવા ટેકાના ભાવની યાદી જાહેર, ગત વર્ષની સરખામણીએ માતબર વધારો કરાયો

દર વર્ષે ભારત સરકાર ખરીફ અને રવિ પાકોના વાવેતર પહેલા જ ટેકાના ભાવ જાહેર કરે છે, જેથી ધરતી પુત્રો આગોતરું આયોજન કરી શકે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 13 May 2026 05:48 PM (IST)Updated: Wed, 13 May 2026 05:48 PM (IST)
gandhinagar-news-government-announced-new-support-prices-for-kharif-crops
HIGHLIGHTS
  • ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વડાપ્રધાન અને કેન્દ્રીય કૃષિ મંત્રીનો આભાર માન્યો

Gandhinagar: ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ 2026-27માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ઇનપુટ સહિતના ખર્ચને ધ્યાને રાખીને ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે.

ગુજરાતના કૃષિ મંત્રીએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો

ખૂબ જ ટૂંકા ગાળામાં ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ તેમજ ખરીફ પાકોના ટેકાના ભાવમાં યોગ્ય વધારો કરવા બદલ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાત સરકાર તેમજ રાજ્યના ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે.

વર્ષ 2026-27માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ મગફળી પાક માટે રૂ. 7,517 પ્રતિ ક્વિન્ટલ, કપાસ (લંબતારી) માટે રૂ. 8,667 પ્રતિ ક્વિન્ટલ, ડાંગર માટે રૂ. 2,441 પ્રતિ ક્વિન્ટલ, જુવાર માટે રૂ. 4,023 પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે રૂ. 2,900 પ્રતિ ક્વિન્ટલ, રાગી માટે રૂ. 5,205 પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂ. 2,410 પ્રતિ ક્વિન્ટલ, તુવેર માટે રૂ. 8,450 પ્રતિ ક્વિન્ટલ, મગ માટે રૂ. 8,780 પ્રતિ ક્વિન્ટલ, અડદ માટે રૂ. 8,200 પ્રતિ ક્વિન્ટલ, સોયાબીન માટે રૂ. 5,708 પ્રતિ ક્વિન્ટલ તેમજ તલ પાક માટે રૂ. 10,346 પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

ગત વર્ષની સરખામણીએ કપાસ (લંબતારી), તલ અને તુવેરના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ક્રમશ: રૂ. 557, રૂ. 500 અને રૂ. 450નો વધારો કરાયો છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્ય પાક મગફળીના ટેકાના ભાવમાં પણ રૂ. 254 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.