Gandhinagar: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારધારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ની ભરતી પ્રક્રિયા માટેનું ફાઈનલ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં કુલ 472 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, જ્યારે 95 ઉમેદવારોને વેઈટિંગમાં રાખવામાં આવ્યા છે.
પોલીસ ભરતી બોર્ડ દ્વારા અગાઉ 23 ફેબ્રુઆરીના રોજ બિનહથિયારધારી PSIની કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ યાદી સામે ઉમેદવારો પાસેથી મંગાવવામાં આવેલી વાંધા અરજીઓના નિરાકરણ બાદ બોર્ડ દ્વારા સુધારેલું અંતિમ પરિણામ જાહેર કરાયું છે.
ભરતી બોર્ડના જણાવ્યા અનુસાર, 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં મળેલી રજૂઆતોની ચકાસણી કર્યા બાદ કુલ 5 ઉમેદવારોના પરિણામમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં રમતગમતના ગુણ ઉમેરવા/બાદ કરવા અને જાતિ પ્રમાણપત્રની અમાન્યતા જેવા ગંભીર મુદ્દાઓનો સમાવેશ થાય છે.
એક મહિલા ઉમેદવારના રમત-ગમતના ગુણ ઉમેરવામાં આવ્યા છે. જ્યારે એક પુરુષ ઉમેદવારના રમતગમતના ગુણ ભૂલથી અપાયા હોવાનું જણાતા તેને રદ કરવામાં આવ્યા છે.
એક ઉમેદવારનું ST જાતિનું પ્રમાણપત્ર વડોદરાની વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા અમાન્ય ઠેરવવામાં આવતા તેમને આ કેટેગરીમાં ગેરલાયક ઠેરવાયા છે. આવી જ રીતે જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારોના કટ-ઓફમાં ફેરફાર થતા નવી 2 મહિલા ઉમેદવારોનો મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
