Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારો તથા તાલુકાઓ સુધીની આરોગ્ય સુખાકારીની યોજનાઓની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી.
રાજ્યમાં રાજપીપળા, મોરબી, નવસારી, ગોધરા અને પોરબંદર એમ પાંચ મેડિકલ કોલેજ, હોસ્પિટલ્સ અને હોસ્ટેલ્સના નિર્માણ કાર્યો આ 2026ના વર્ષના ડિસેમ્બર માસ સુધીમાં પૂર્ણ થઈ જશે. આના પરિણામે અંતરિયાળ આદિવાસી વિસ્તારોના ગામો તથા સૌરાષ્ટ્રના દૂરદરાજના ગામોના લોકોને નજીકના સ્થળે જ વધુ સંગીન આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે તેમ મુખ્યમંત્રીની સમક્ષ આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેલ્થ કેર ફોર ઓલ નો જન આરોગ્યલક્ષી અભિગમ અપનાવીને જે મહત્વની કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ શરૂ કરાવી છે તેની પ્રગતિની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરીને મુખ્યમંત્રીએ જરૂરી દિશાનિર્દેશો આ બેઠકમાં આપ્યા હતા.
ખાસ કરીને ગ્રામીણ સ્તર સુધી આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર પદ્ધતિ સહિત જન આરોગ્ય સુખાકારી માટે હોલિસ્ટીક હેલ્થકેરનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અભિગમ ગુજરાતમાં 7733 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના વ્યાપક નેટવર્કથી સાકાર થઈ રહ્યો છે. તેની પણ વિગતો આ બેઠકમાં આપવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ મિશન અન્વયે રાજ્યમાં 410 અર્બન હેલ્થ સેન્ટર્સ, 33 જિલ્લામાં આધુનિક લેબ્સ અને 32 જિલ્લામાં ક્રિટિકલ કેર બ્લોકસના નિર્માણની પ્રગતિની વિગતો મેળવીને આ કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા પણ દિશા નિર્દેશો આપ્યા હતા.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં 302 સબ સેન્ટર્સ અને 23 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનો પૂર્ણ થઈ ગયા છે તેની પણ જાણકારી આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવએ આ બેઠકમાં આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-માનું રાજ્યમાં પારદર્શી, ઝડપી અને એ.આઈ. બેઝ્ડ ટેક્નોલોજીથી વધુ ચોકસાઈ પૂર્ણ અને વ્યવસ્થિત અમલીકરણ થાય તે માટેના સૂચનો કર્યા હતા.
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાં રાજ્યની 3.44 લાખથી વધુ માતાઓને પોષણ સહાય, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના “માં” અન્વયે 2.69 કરોડ સભ્યોનું રજીસ્ટ્રેશન અને 10 લાખ સુધીની કેશલેસ સારવારની ઉપલબ્ધી અંગે પણ બેઠકમાં છણાવટ કરવામાં આવી હતી.
વડાપ્રધાનની દરેક કલ્યાણ યોજનાઓના અમલમાં ગુજરાત અગ્રેસર છે તે જ પરિપાટીએ કેન્દ્ર પુરસ્કૃત આરોગ્યલક્ષી 10 યોજનાઓના શ્રેષ્ઠ અમલીકરણમાં પણ ગુજરાતને અગ્રેસર રાખીને મુખ્યમંત્રીએ સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા અનુરોધ કર્યો હતો.
