મુખ્યમંત્રી સહિત ભાજપ નેતાઓ કોંગ્રેસ પર વરસ્યા, કહ્યું- બિલનો વિરોધ કરી 70 કરોડ મહિલાઓના સપનાઓ પર પ્રહાર કર્યો

કોંગ્રેસે હંમેશા મહિલાઓના મુદ્દે રાજનીતિ કરી છે. કોંગ્રેસ કહે છે કે અમે મહિલાઓ સાથે છીએ, પરંતુ જ્યારે મહિલાઓને સશક્ત બનાવવા તક આવી ત્યારે તેમણે સાથ આપ્યો નહીં.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 19 Apr 2026 06:03 PM (IST)Updated: Sun, 19 Apr 2026 06:03 PM (IST)
gandhinagar-news-bjp-slams-congress-over-nari-shakti-bill-says-70-crore-womens-dreams-hurt

Gandhinagar News: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ શુક્રવારે કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે 'નારીશક્તિ વંદન અધિનિયમ' સંશોધન બિલના માર્ગમાં અવરોધો ઉભા કરીને વિપક્ષે દેશની નારીશક્તિના ભવિષ્ય સાથે દ્રોહ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લાવવામાં આવેલું આ ઐતિહાસિક બિલ લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરે છે. નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે આ બિલનો વિરોધ કરીને દેશની 70 કરોડ મહિલાઓના સપનાઓ પર પ્રહાર કર્યો છે.

દેશની નારીશક્તિ અને યુવાનોના ભવિષ્ય સાથે દ્રોહ કર્યો

રક્ષા ખડસેએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલાઓને સન્માન અને અધિકાર આપવા માટે લાવવામાં આવેલા ઐતિહાસિક નારીશક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલને મહિલા વિરોધી કોંગ્રેસે લોકસભામાં પસાર થતું અટકાવીને દેશની નારીશક્તિ અને યુવાનોના ભવિષ્ય સાથે દ્રોહ કર્યો છે. દેશની મહિલાઓને આશા હતી કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો આ બિલને સમર્થન આપશે, કારણ કે આ બિલ કોઈ એક પક્ષ માટે નહીં પરંતુ દેશની તમામ મહિલાઓ અને યુવાનોના ભવિષ્ય માટે હતું. સીમાકંન પૂર્ણ થયું હોત તો લોકસભાની બેઠકોમાં વધારો થવાનો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે તેમનુ સપનું છે કે એક લાખ સામાન્ય વર્ગના યુવક-યુવતીઓ રાજકારણમાં આવે.

મહિલાઓને સશક્ત બનાવવા તક આવી ત્યારે સાથ આપ્યો નહીં

રક્ષા ખડસેએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસે હંમેશા મહિલાઓના મુદ્દે રાજનીતિ કરી છે. કોંગ્રેસ કહે છે કે અમે મહિલાઓ સાથે છીએ, પરંતુ જ્યારે મહિલાઓને સશક્ત બનાવવા તક આવી ત્યારે તેમણે સાથ આપ્યો નહીં. તેમણે ઉમેર્યું કે, દેશની મહિલાઓ તેમજ સામાન્ય વર્ગના યુવાનો આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યા છે અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોને તેનો યોગ્ય જવાબ આપશે.

પ્રિયંકા ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને અંગે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મોદી મહિલાઓને આગળ રાખીને રાજનીતિ કરે છે એવો તેમનો આક્ષેપ નિરાધાર છે. નરેન્દ્ર મોદી એ વડાપ્રધાન છે જેમણે 2014 પછી મહિલાઓને સક્ષમ બનાવવા માટે માત્ર કાગળ પર નહીં પરંતુ જમીન પર કામ કર્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો કે ઉજ્જ્વલા યોજનાથી 11 કરોડથી વધુ ઘરોમાં ગેસ કનેક્શન મળ્યા છે, જેના કારણે મહિલાઓને ધૂમાડાથી છુટકારો મળ્યો છે, તેમજ સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી ‘લખપતિ દીદી‘ મિશન દ્વારા લાખો મહિલાઓ આર્થિક રીતે સશક્ત બની છે.

naidunia_image

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓને 50 ટકા સુધીનું આરક્ષણ

તેમણે વધુમાં જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોમાં મહિલાઓને 50 ટકા સુધીનું આરક્ષણ આપવામાં આવ્યું છે, જેના પરિણામે મહિલાઓ તાલુકા, જિલ્લા અને નગરપાલિકા સ્તરે મહત્વપૂર્ણ સેવાકીય ભૂમિકા ભજવી રહી છે. તેમ છતાં, લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ આપવાનો ઐતિહાસિક માર્ગ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ રોકી દીધો છે. તેમણે ડૉ. બાબા સાહેબ આંબેડકરના વિચારોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે બાબા સાહેબે પણ કહ્યું હતું કે કોઈપણ દેશના વિકાસનું માપદંડ મહિલાઓનો વિકાસ હોય છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા મહિલાઓને દરેક ક્ષેત્રમાં આગળ લાવવાનો પ્રયાસ કર્યો છે.

મહિલાઓનું લોકસભા અને વિધાનસભામાં પહોંચવાનું સ્વપ્ન તોડ્યું

તેમણે કહ્યું કે ઘણી શરમજનક વાત છે કે કોંગ્રેસે આ મુદ્દે પણ રાજનીતિ કરી છે, અને હજારો મહિલાઓનું લોકસભા અને વિધાનસભામાં પહોંચવાનું સ્વપ્ન તોડ્યું છે. અંતમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોને ટાંકતા જણાવ્યું કે, અમે અટકવાના નથી, અમે મહિલાઓને તેમના અધિકાર આપવા અમારી લડાઈ ચાલુ રાખીશું અને ભવિષ્યમાં પ્રયત્ન કરીશું કે દેશની મહિલાઓ અને યુવાનો લોકસભા અને વિધાનસભામાં પહોંચે.

રક્ષા ખડસેએ જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધી આ મુદ્દે રાજનીતિ કરવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે તેમને સારી રીતે ખબર છે કે 2023માં પાસ થયેલા બિલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સીમાકંન પછી જ આ કાયદો લાગુ થશે. આ બિલ વહેલું લાવવાનું મુખ્ય કારણ એ હતું કે તે 2029થી જ અમલમાં આવી શકે. દેશની વધતી જનસંખ્યા અને વિસ્તારોમાં મતદારોની અસમાન સંખ્યા ધ્યાનમાં લેતા સીમાકંન અનિવાર્ય હતું.

ક્યાંક મતદારોની સંખ્યા વધુ છે તો ક્યાંક ઓછી, જેથી યોગ્ય પ્રતિનિધિત્વ માટે રિ-એડજસ્ટમેન્ટ જરૂરી બન્યું. સીમાકંન આજે નહીં તો કાલે થવાનું જ છે, અને જો આ બંને પ્રક્રિયા સાથે આગળ વધે તો આવનારી ચૂંટણીમાં તમામ રાજકીય પાર્ટીઓને સમાન રીતે લાભ મળી શકે તેમ હતું, સાથે જ મહિલાઓને તેમનો યોગ્ય હક પણ મળી શક્યો હોત.

તેમણે કહ્યું કે, આ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્પષ્ટપણે કહ્યું હતું કે, આ બિલ કોઈ પક્ષને ક્રેડિટ અપાવવા માટે લાવવામાં આવ્યું નથી, પરંતુ તેનો ઉમદા ઉદ્દેશ્ય દેશની મહિલાઓને શક્તિશાળી બનાવવાનો છે. આ અનામત બિલ ભાજપ પૂરતું મર્યાદિત નથી; જો ચૂંટણી આ 2029 લોકસભા ચુંટણી સમયે જ આ અમલમાં આવી જાત, તો દરેક રાજકીય પાર્ટીને તેનો લાભ મળ્યો હોત અને જે ઉમેદવારો બનત, તે દેશની મહિલાઓ જ બનતી, ભલે તેઓ કોઈપણ પાર્ટી સાથે જોડાયેલ હોય. આ બિલ સંપૂર્ણ રીતે મહિલાઓના હિતમાં અને તેમના સશક્તિકરણ માટે લાવવામાં આવ્યું હતું.

naidunia_image

એક ઐતિહાસિક સુવર્ણ તક દેશને મળી હતી

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સનાતન હિન્દુ સંસ્કૃતિમાં પૂજનીય સ્થાન ધરાવતી માતૃશક્તિ એવી માતા-બહેનોનું સન્માન અને ગૌરવ વધારવાની એક ઐતિહાસિક સુવર્ણ તક દેશને મળી હતી. આ દિશામાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ નારી શક્તિ વંદન અધિનિયમ સુધારા બિલ(Nari Shakti Bill)ના અમલ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના પક્ષોની નારી શક્તિ વિરોધી માનસિકતાના કારણે આ મહત્વપૂર્ણ સુધારા બિલ પસાર થઈ શક્યું નહીં. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ આ બિલમાં રોડા નાખીને મોટું પાપ કર્યું છે, જેના કારણે દેશની કરોડો મહિલાઓનું મનોબળ તૂટ્યું છે.

કોંગ્રેસની બે મોઢાની રાજનીતિ છે, જે હવે જનતા સમક્ષ ખુલ્લી પડી ગઈ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, આઝાદીના દાયકાઓ સુધી દેશ પર એકહથ્થુ શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી આજે પણ નકારાત્મક રાજનીતિ જ કરી રહી છે. દેશના વિકાસ અને નીતિ ઘડતરમાં બહેનોના સમાન યોગદાનનો સોનેરી અવસર હતો, પરંતુ કોંગ્રેસે હંમેશની જેમ તેનો પણ વિરોધ કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને ઇન્ડિ ગઠબંધન અત્યાર સુધી માત્ર પરિવારવાદને જ પોષણ આપતા આવ્યા છે.

તેમને ભય છે કે આ અધિનિયમ લાગુ થતાં સામાન્ય પરિવારોની બહેનોને સંસદ અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ મળશે. કોંગ્રેસે બિલનો વિરોધ કરીને પોતાની સંકુચિત માનસિકતા ફરીથી ઉજાગર કરી છે. એક તરફ મહિલાઓના હિતની વાતો કરવી અને બીજી તરફ કાયદાકીય સશક્તિકરણ સમયે તેને અટકાવવાનો પ્રયાસ કરવો, આ કોંગ્રેસની બે મોઢાની રાજનીતિ છે, જે હવે જનતા સમક્ષ ખુલ્લી પડી ગઈ છે.

ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે કોંગ્રેસના સમયમાં મહિલાઓને બેંક ખાતા, સ્વાસ્થ્ય સુરક્ષા, ત્રિપલ તલાકમાંથી મુક્તિ જેવી મૂળભૂત સ્વતંત્રતાઓથી પણ વંચિત રાખવામાં આવી હતી. ઉપરાંત, વન નેશન વન ઇલેકશન, UCC, શરણાર્થીઓને સુરક્ષા, જનધન, આધાર અને ડિજિટલ પેમેન્ટ જેવા અનેક સુધારાઓનો પણ કોંગ્રેસે સતત વિરોધ કર્યો છે. નારી શક્તિને વિકાસ અને નીતિ નિર્ધારણમાં ભાગીદારી આપવાની લડત દાયકાઓથી ચાલી રહી છે. આ સંદર્ભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21મી સદીના ભારતની નારી શક્તિને નવી તકો અને નવા અવસરોથી વિશ્વ સમક્ષ વિકાસનો નવો ઇતિહાસ સર્જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

બિલનો વિરોધ કરીને નારી શક્તિનું હડહડતું અપમાન કર્યું

સંસદમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે આ અધિનિયમ લાગુ કરવાનો નિર્ણય રાજકીય નહીં પરંતુ રાષ્ટ્રીય નિર્ણય છે અને તેના હકદાર કોઈ એક પક્ષ નહીં પરંતુ તમામ પક્ષો રહેશે. આ બિલ માત્ર એક કાયદો નહિ, પરંતુ દેશની અડધી વસ્તીનું પ્રતિનિધિત્વ કરતી નારી શક્તિને સત્તામાં 33 ટકા અનામત આપી મહિલાઓના સશક્તિકરણ તરફનું નક્કર પગલું હતું. તેમ છતાં, કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ બિલનો વિરોધ કરીને નારી શક્તિનું હડહડતું અપમાન કર્યું છે.

અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશની બહેનોના આશીર્વાદ નરેન્દ્ર મોદી સાથે છે અને હંમેશા રહેશે. લોકો હવે જાણી ગયા છે કે નારી શક્તિના સશક્તિકરણના હીમાયતી કોણ છે અને વિરોધી કોણ છે. માતા અને બહેનોના સશક્તિકરણનો વિરોધ કરનારાઓને આવનારી ચૂંટણીમાં દેશની નારી શક્તિ જડબાતોડ જવાબ આપશે તે નિશ્ચિત છે. બહેનોનો વિરોધ કરનાર અને તેમની અવગણના કરનાર કોઈપણ શક્તિ ટકી નથી અને આગળ પણ ટકી શકશે નહીં.

naidunia_image

ભારતની 70 કરોડ મહિલાઓના સપના પર કોંગ્રેસનો પ્રહાર

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રેસવાર્તામાં કહ્યું કે, 17 એપ્રિલનો દિવસ ભારતના ઇતિહાસમાં નારી શક્તિના સન્માનનો ઐતિહાસિક અને સુવર્ણ દિવસ બની શક્યો હોત.પરંતુ કોંગ્રેસ અને તેની સાથી પક્ષોના કાવતરાના કારણે આ દિવસ મહિલાઓના અધિકારો પર કાળો ડાઘ બની ગયો. સંસદમાં જે થયું તે માત્ર એક બિલની હાર ન હતી તે ભારતની 70 કરોડ માતાઓ, બહેનો અને દીકરીઓના સપનાઓ પર મહિલા વિરોધી કોંગ્રેસનો સીધો પ્રહાર હતો.

દેશે સ્પષ્ટપણે જોઈ લીધું છે કે એક બાજુ ભાજપ અને NDA ની મહિલાઓને સશક્ત બનાવવાની વિચારધારા છે અને બીજી તરફ કોંગ્રેસ છે, જે મહિલાઓના માર્ગમાં અવરોધ બનીને ઉભી છે. કોંગ્રેસ અને INDI ગઠબંધનના નેતાઓએ બિલ પડ્યું ત્યારે જે રીતે આનંદ વ્યક્ત કર્યો, મેજ થપથપાવી, તે નારી શક્તિનું હળહળતું અપમાન છે. મહિલાઓના અધિકારોને રોકવા એ કોંગ્રેસ પોતાની રાજકીય જીત સમજે છે.

કોંગ્રેસે મહિલાઓને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો

તેમણે કહ્યું કે, કોંગ્રેસનો ઈતિહાસ મહિલાઓ સાથે છળ, વિલંબ અને દગાનો રહ્યો છે. 60 વર્ષ સુધી કોંગ્રેસ સત્તામાં રહી કોંગ્રેસે મહિલાઓને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે. આ તે જ કોંગ્રેસ છે જેણે શાહબાનો કેસમાં મહિલાઓના અધિકારો સાથે બાંધછોડ કરી, જેણે ટ્રિપલ તલાક જેવા મુદ્દાઓ પર પણ મહિલાઓના હિતોના વિરુદ્ધ ઊભી રહી.કોંગ્રેસ માટે મહિલાઓના અધિકારો માત્ર ભાષણનો વિષય જ રહ્યો છે નીતિ અને નિર્ણયનો વિષય ક્યારેય રહ્યો નથી.

જે રીતે કોંગ્રેસ અને INDI ગઠબંધને મળીને આ બિલને મંજૂર થવા ન દીધું તે કોઈ સંયોગ નહોતો કે બિલ 2/3 બહુમતીથી થોડું ઓછું રહ્યું,આ કોંગ્રેસનું એક પૂર્વનિયોજિત રાજકીય ષડયંત્ર હતું. જે લોકોએ દાયકાઓ સુધી OBC અને દલિત મહિલાઓના સશક્તિકરણ માટે કંઈ જ કર્યું નથી, તેઓ આજે તેમના નામે બિલને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે, હકીકતમાં કોંગ્રેસને ડર છે કે સામાન્ય પરિવારમાંથી આવતી મહિલાઓ સંસદમાં આવશે અને તેમની પરિવારવાદી રાજનીતિને પડકારશે. પોતાના પરિવારની મહિલાઓને આગળ લાવવી અને દેશની સામાન્ય મહિલાઓને રોકવીએ માનસિકતા સાથે કોંગ્રેસે બિલનો વિરોધ કર્યો છે.

કોંગ્રેસની એક જ પેટર્ન રહી છે કે, કોઈ પણ રિફોર્મ આવે તો જૂઠું બોલો, ભ્રમ ફેલાવો. ઇતિહાસ સાક્ષી છે, કોંગ્રેસે હંમેશા આ નકારાત્મક રસ્તો પસંદ કર્યો છે.ભાજપ માટે નારીશક્તિને સશક્ત કરવાનો વિષય સત્તાનો મુદ્દો નથી, સમાનતા અને અધિકારનો મુદ્દો છે. દેશની મહિલાઓ બધું જોઈ રહી છે કે કોણ તેમના અધિકારો માટે ઊભું રહ્યું અને કોણે તેમને રોકવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસે કરેલું નારી શક્તિનું અપમાન હિન્દુસ્તાન સહન નહિ કરે. હાલ ભલે કોંગ્રેસ મહિલાઓનો અધિકાર છીનવી જશ્નના મુડમા હોય, પણ કોંગ્રેસ ને દેશની મહિલાશક્તિ ચોક્કસથી જવાબ આપશે.