તોલમાપ તંત્રની કાર્યવાહીઃ રાજ્યમાં 370 સોના-ચાંદીની દુકાનો- શોરૂમ પર તપાસ, 25 જિલ્લામાં 253 પ્રોસિક્યુશન કેસ દાખલ

ગત વર્ષ દરમિયાન વિવિધ વેપારીઓ પાસેથી વિવિધ ગેરરીતિ બદલ કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા કુલ રૂ.18.77 લાખથી વધુની માંડવાળ ફી વસૂલ કરાઈ છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 04 Jan 2026 11:02 AM (IST)Updated: Sun 04 Jan 2026 11:02 AM (IST)
gandhinagar-news-370-gold-silver-shops-inspected-253-cases-filed-across-25-districts-667778

Gandhinagar News: રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા રાજ્યભરની 370 જેટલી સોના-ચાંદીની દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત, 25 જિલ્લાઓમાં વિવિધ એકમો પર 253 જેટલા પ્રોસિક્યુશન કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને સ્થળ પર જ રૂ. 6.79 લાખની માંડવાળ ફી વસૂલ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ગ્રાહકોના હિતમાં નિયમિત રીતે આવી કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં ગત વર્ષે પણ વિવિધ ગેરરીતિ બદલ રૂ. 18.77 લાખથી વધુની માંડવાળ ફી વસૂલ કરાઈ હતી.

આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાવામાં આવી

ગ્રાહકોના હિતોની રક્ષા,વેપારમાં પારદર્શિતા અને યોગ્ય માપતોલ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં નિયમિત રીતે કાર્યવાહીની સાથે ગ્રાહક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી રમણ સોલંકી તેમજ રાજ્ય મંત્રી પી.સી બરંડાના નેતૃત્વમાં તોલમાપ તંત્ર દ્વારા 2 અને 3 જાન્યુઆરી-2026ના રોજ રાજ્યના 370 જેટલા સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમ પર સામૂહિક આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાવામાં આવી હતી.

જેમાં તોલમાપ તંત્રના અધિકારીઓ દ્વારા રાજ્યના 25 જિલ્લાઓમાં 253 પ્રોસિક્યુશન કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી કરીને રૂ.6,79,000/-જેટલી માંડવાળ ફીની વસૂલાત કરવામાં આવી છે. આ તમામ માંડવાળ ફીની વસૂલાત સ્થળ ઉપર જ E POS-upi-e payment અને ચેકથી વસૂલવામાં આવી છે તેમ, કાનૂની માપવિજ્ઞાન તંત્ર, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

કયા જિલ્લામાં કેટલા કેસ દાખલ કરાયા

આ તપાસમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ 61 એકમોની તપાસ સામે 22 કેસ, ભરૂચ-નર્મદામાં 27 એકમોની તપાસ સામે 25 કેસ, જૂનાગઢ-ગીરસોમનાથમાં 21 એકમોની તપાસ સામે 20 કેસ, ભાવનગર/બોટાદમાં 20 એકમોની તપાસ સામે 17 કેસ તથા સુરતમાં 20 એકમોની તપાસ સામે 14 કેસ દાખલ કરવામાં આવ્યા છે.

આ સિવાય તપાસમાં ગાંધીનગર, વડોદરા,પાટણ ,છોટાઉદેપુર, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, પોરબંદર, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા-પાલનપુર, સાબરકાંઠા-હિંમતનગર, અરવલ્લી-મોડાસા, રાજકોટ અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે.

તપાસમાં વિવિધ ગેરરીતિઓ સામે આવી

કાનૂની માપવિજ્ઞાન તંત્રના જણાવ્યા મુજબ ઝુંબેશ દરમિયાન રાજ્યના અલગ-અલગ સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમની આકસ્મિક તપાસણી હાથ ધરતાં નિયત કાયદા હેઠળના અમલીકરણ નિયમ/કલમોના ભંગ બદલ એકમો સામે ગુન્હાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઝુંબેશ દરમિયાન સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમમાં વપરાતા વજનકાંટાની તપાસ કરતાં ચકાસણી-મુદ્રાંકન સિવાયના વજન-માપ ઉપયોગમાં લેવા, નિયત વજન કરતાં ઓછું વજન આપવું, ફેર ચકાસણી અને મુદ્રાંકન કરાવ્યા સિવાયના વજનમાપ ઉપયોગમાં લેવા, ચોકસાઈ ચકાસવા માટે ચકાસણી અને મુદ્રાંકન થયેલ સિવાયના વજનો રાખવા, ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવું જેવી વિવિધ ગેરરીતિઓ સામે આવી છે.

કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા ગત વર્ષે હાથ ધરવામાં આવેલા વિશેષ અભિયાનો

  • દિવાળીના તહેવાર દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ-332 જેટલી મીઠાઇ/ફરસાણ/ડ્રાયફ્રુટની દુકાનો/ગિફ્ટ શોપ મીઠાઈની દુકાનોની તપાસ કરી ગેરરીતિ બદલ કુલ 126 એકમો સામે ગુન્હો નોંધીને માંડવાળ ફી તરીકે રૂ.5,91,500/- વસૂલ કરવામાં આવી હતી.
  • જુલાઈ-2025 દરમિયાન સમગ્ર રાજયમાં પેટ્રોલ-ડીઝલ પંપની તપાસણી અંગેની ઝુંબેશ દરમિયાન રાજયમાં કુલ-276 પેટ્રોલ-ડીઝલ પંપની તપાસ કરી ગેરરીતિ બદલ કુલ 19 એકમો સામે ગુન્હો નોધવામાં આવેલ અને માંડવાળ ફી તરીકે રૂ.69,500/- વસૂલ કરાઈ.
  • મે-2025 દરમિયાન રાજયના અલગ-અલગ જિલ્લાઓમાં આવેલ ખાતર/બિયારણ/જંતુનાશક દવાઓ તથા ખેતીના સાધનોના વિક્રેતાઓ ની તપાસણી અંગેની ઝુંબેશ દરમિયાન રાજયમાં કુલ-397 વિક્રેતાની તપાસ કરી ગેરરીતિ બદલ કુલ-210 વિક્રેતા સામે ગુન્હો નોંધીને માંડવાળ ફી તરીકે રૂ.5,84,000/- વસૂલ કરવામાં આવી હતી.
  • મે-2025 દરમિયાન રાજયના અલગ-અલગ જિલ્લાઓમાં આવેલ FCI/CWC/FCIના અધિકૃત ગોડાઉનની તપાસણી અંગેની ઝુંબેશ દરમિયાન રાજયમાં કુલ-38 ગોડાઉનની તપાસ કરી ગેરરીતિ બદલ કુલ-3 ગોડાઉન સામે ગુન્હો નોંધીને માંડવાળ ફી તરીકે રૂ.14,000/- વસૂલ કરવામાં આવી.
  • ફેબ્રુઆરી-2025 દરમિયાન સમગ્ર રાજયની હાઈવે હોટલની તપાસણી અંગેની ઝુંબેશ દરમિયાન રાજયમાં કુલ-419 હાઈવે હોટલની તપાસ કરી ગેરરીતિ બદલ કુલ-169 એકમો સામે ગુન્હો નોંધીને માંડવાળ ફી તરીકે રૂ.6,18,500/- વસૂલ કરવામાં આવ્યા હતા.
  • આમ, વર્ષ દરમિયાન વેપારીઓ પાસેથી વિવિધ ગેરરીતિ બદલ કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા કુલ રૂ. 18.77 લાખથી વધુની માંડવાળ ફી વસૂલ કરીને રાજ્યના ગ્રાહકોના હિતમાં સરાહનીય કામગીરી કરવામાં આવી છે.