ગાંધીનગર: અડાલજ-ઝુંડાલ નર્મદા કેનાલમાં પાંચ યુવક તણાયા, ત્રણ યુવકના મોત; બે મિત્રનો આબાદ બચાવ થયો

ગાંધીનગરની અડાલજ-ઝુંડાલ નર્મદા કેનાલ ડૂબતા એક યુવાનને બચાવવા જતા અન્ય ચાર મિત્રો પણ તણાયા હતા. આ બનાવમાં ત્રણ યુવકના મોત થયા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 06 Jul 2026 07:52 AM (IST)Updated: Mon, 06 Jul 2026 07:52 AM (IST)
gandhinagar-narmada-canal-tragedy-three-youths-drown-adalaj-zundal
Adalaj zundal narmada canal

Gandhinagar Narmada Canal Accident: ગાંધીનગરના અડાલજ-ઝુંડાલ વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલ પર ગોઝારી ઘટના બની છે. મિત્રો સાથે તરવાની આવડત સાબિત કરવાના અતિવિશ્વાસમાં એક યુવાન કેનાલમાં ડૂબ્યો હતો. આ યુવકને બચાવવા જતા અન્ય ચાર મિત્રોએ પણ પાણીમાં છલાંગ લગાવી હતી. આ દુર્ઘટનામાં બે મિત્રોનો બચાવ થયો, જ્યારે ત્રણ યુવકનું પાણીમાં ડૂબવાથી મોત થયું છે.

મધરાતે કેનાલ પર લટાર મારવા ગયા હતા

અડાલજ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદના ગોતા અને ગાંધીનગરના અડાલજ વિસ્તારના આશરે દસ જેટલા મિત્રોએ રાત્રે એક ખેતરમાં તુવેર ટોઠાની પાર્ટી કરી હતી. ભોજન લીધા બાદ અન્ય મિત્રો ઘરે ગયા, પરંતુ અડાલજનો 21 વર્ષીય હર્ષ કેતનભાઈ પ્રજાપતિ અને 20 વર્ષીય કૌશિક રમણજી ઠાકોર તથા ગોતાનો અર્પિત ભીખાભાઈ પટેલ સહિત પાંચ મિત્રો રાત્રે દોઢથી બે વાગ્યાની આસપાસ અડાલજ-ઝુંડાલ નર્મદા કેનાલ પર પહોંચ્યા હતા.

તરવાના પડકારમાં પાંચ મિત્રો કેનાલમાં કૂદ્યા

કેનાલ કિનારે ઉભા રહીને મિત્રો વચ્ચે તરવા અંગે ચર્ચા શરૂ થઈ, જે દરમિયાન એક મિત્રએ ન્હાવા માટે કેનાલના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવી દીધું. ઘનઘોર અંધકાર અને પાણીના તીવ્ર પ્રવાહને કારણે યુવક ડૂબવા લાગ્યો. તેને બચાવવા માટે બીજો મિત્ર પણ કૂદ્યો અને પાણીના તેજ પ્રવાહમાં તે પણ ગરકાવ થવા લાગ્યો.

બે યુવકનો બચાવ, ભારે પ્રવાહમાં ત્રણ ડૂબ્યા

આ દ્રશ્ય જોઈને કિનારે ઉભેલા હર્ષ, કૌશિક અને અર્પિત પણ પોતાના મિત્રોનો જીવ બચાવવા માટે એક પછી એક કેનાલમાં કૂદી પડ્યા હતા. પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ રહેલા પાંચેય મિત્રોમાંથી બે મિત્રો મહામહેનતે નદીના કિનારે પહોંચીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. પરંતુ હર્ષ, કૌશિક અને અર્પિત પાણીના ઊંડા વહેણમાં ગરકાવ થઈ ગયા હતા. 

બે મૃતદેહ મળ્યા અને એકની શોધખોળ ચાલુ

ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ અને સ્થાનિક પોલીસની તપાસ બાદ શનિવારે સવારે જમીયતપુરા કેનાલમાંથી 21 વર્ષીય હર્ષ પ્રજાપતિ અને ખોરજ કેનાલમાંથી 20 વર્ષીય કૌશિક ઠાકોરના મૃતદેહ મળી આવ્યા હતા. ત્રીજા યુવાન અર્પિત પટેલની શોધખોળ હજુ પણ ચાલુ છે. એક સાથે ત્રણ યુવાનોના મોતથી પરિવારો અને સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો છે.

પોલીસની કાર્યવાહી અને તંત્રની અપીલ

આ ઘટના અંગે અડાલજ પોલીસ મથકના PI એસ.જી. દેસાઈએ પુષ્ટિ કરતા જણાવ્યું કે, પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ તંત્ર દ્વારા નાગરિકો અને ખાસ કરીને યુવાનોને અપીલ કરવામાં આવી છે કે કેનાલના ઊંડા અને ધસમસતા પ્રવાહમાં ક્યારેય ન્હાવા પડવાનું જોખમી સાહસ ન કરવું.