ગાંધીનગર મનપાના નવા મેયર તરીકે રૂપસિંહ ઠાકોરની વરણી: ભાજપે કર્યા પદાધિકારીઓના નામ જાહેર

ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મેયર તરીકે રૂપસિંહ ઠાકોરની વરણી કરાઈ છે. જાણો નવા પદાધિકારીઓના નામ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 03 Nov 2026 02:27 PM (IST)Updated: Tue, 03 Nov 2026 02:27 PM (IST)
gandhinagar-municipal-corporation-new-mayor-rupsinh-thakor-appointed-bjp-announces-new-office-bearers

Gandhinagar New Mayor: ગાંધીનગર મનપાની ચોથી સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ આજે મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. લાંબી રાહ જોયા બાદ આખરે ગાંધીનગરના મેયર તરીકે રુપસિંહ ઠાકોરના નામ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. આ સાથે જ અંજના મહેતાની ડેપ્યુટી મેયર તરીકે અને મહેન્દ્ર પટેલની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી છે.

20 દિવસ બાદ યોજાઈ ચૂંટણી પ્રક્રિયા

ગાંધીનગર મનપાના પરિણામો જાહેર થયાના 20 દિવસ બાદ પદાધિકારીઓની નિમણૂક માટે સામાન્ય સભા યોજાઈ. પક્ષ કક્ષાએથી મોકલાયેલા સીલબંધ કવરને સભા દરમિયાન ખોલવામાં આવ્યું હતું. તેમજ નવા હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. નવા ચૂંટાયેલા મેયરે સામાન્ય સભાનું અધ્યક્ષપદ સંભાળ્યા પછી સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો અને ડેપ્યુટી મેયરની પસંદગી સહિતના માળખાની રચના પૂર્ણ કરવામાં આવી હતી.

સામાજિક સમીકરણો અને બેલેન્સિંગ એક્ટ

ગાંધીનગર પાલિકાના સત્તા માળખામાં સામાજિક સમીકરણનું ખાસ ધ્યાન રખાયું છે. મેયર પદે ઓબીસી ઉમેદવાર તરીકે રુપસિંહ ઠાકોરની વરણી કર્યા બાદ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પાટીદાર સમાજના મહેન્દ્ર પટેલની વરણી કરીને રાજકીય અને સામાજિક સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી પરિણામોના 20 દિવસ જેટલા લાંબા સમયગાળા બાદ પદાધિકારીઓની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, નિમણૂક પ્રક્રિયામાં થયેલા વિલંબને લઈને વિપક્ષે મ્યુનિસિપલ કમિશનર અને વહીવટી તંત્રની કામગીરી સામે તીખા પ્રહારો કર્યા હતા.