બાળકોને વાહન સોંપતા વાલીઓ માટે લાલબત્તી! ગાંધીનગરમાં કિશોરે કારથી કાવડ યાત્રીને કચડી માર્યો, પિતા સામે નોંધાઈ FIR

ચરેડી ચોકડી નજીક સર્જાયેલા અકસ્માતમાં કાવડ યાત્રીનું મોત થયું, જેઓ અમદાવાદના રહેવાસી હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 30 Aug 2026 03:43 PM (IST)Updated: Sun, 30 Aug 2026 03:43 PM (IST)
gandhinagar-minor-boy-cause-car-accident-kavad-yatri-death-fir-on-father
Gandhinagar Car Accident

Gandhinagar Minor Cause Car Accident: સગીર બાળકોને વાહન સોંપતા વાલીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરમાં ચરેડી ચોકડી નજીક પૂરપાટ ઝડપે કાર ચલાવી એક 15 વર્ષના સગીરે કાવડ યાત્રીને અડફેટે લીધો હતા. આ બનાવમાં કાવડ યાત્રીનું મોત થયું હતું. આ મામલે પિતા સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પૂરપાટ કારે કાવડ યાત્રીને મારી ટક્કર

અકસ્માત અંગે મળતી વિગતો અનુસાર, કાવડયાત્રામાં જોડાયેલા અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના શાસ્ત્રીનગરમાં રહેતા 35 વર્ષીય અમિતકુમાર સરોજ 16 ઓગસ્ટના રોજ માણસા નજીક આવેલા અમરાપુર ગામે જઈ રહ્યા હતા. આ દરમિયાન રાત્રીના આશરે 10:15 વાગ્યે ગાંધીનગર ચરેડી ચોકડી નજીક પેથાપુર જવાના રોડ પર પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક કારચાલકે અમિતકુમારને જોરદાર ટક્કર મારી દીધી હતી.

અકસ્માતમાં કાવડ યાત્રીએ જીવ ગુમાવ્યો

આ ભયાનક અકસ્માતમાં અમિતકુમારને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ સાથી કાવડ યાત્રી સંતોષભાઈએ તાત્કાલિક ઈજાગ્રસ્તના ભાઈ મેવાલાલ સરોજને અકસ્માત અંગે જાણ કરી હતી. ત્યારબાદ અમિતકુમારને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

અકસ્માત સર્જનાર કારચાલક ફરાર થયો

બીજી તરફ, અકસ્માત સર્જયા બાદ કારચાલક અંધારાનો લાભ લઈને પોતાનું વાહન ઘટના સ્થળેથી ભગાવી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. PI એલ.પી. દેસાઈની ટીમે ઘટનાસ્થળનું પંચનામું કરી ફરાર વાહન શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી હતી.

CCTV નહોતા છતાં પોલીસે ભેદ ઉકેલ્યો

અકસ્માત સ્થળે કોઈ CCTV કેમેરા ન હોવા છતાં પોલીસે નેત્રમ કંટ્રોલના CCTV ફૂટેજ ચકાસણી માટે મોકલ્યા હતા. પોલીસે ગાંધીનગરના ચ-7 અને ચ-6 સર્કલ નજીક CCTV ફૂટેજ તપાસતા એક શંકાસ્પદ કિયા કાર, જેનો રજિસ્ટર્ડ નંબર GJ-18-EG-0132, આગળના ભાગથી ડેમેજ થયેલી જોવા મળી હતી. પોલીસે આ ગાડીના રજિસ્ટર્ડ નંબરના આધારે તેના માલિકની વિગતો મેળવી હતી.

ચાવી હતી તો ગાડી લઈને નીકળી પડ્યો

આ ગાડી સેક્ટર-21 માં આવેલી પંચશીલ પાર્ક સોસાયટીના હરીમિલન ફ્લેટમાં રહેતા દિનેશ ચૌધરીના નામે રજીસ્ટર હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તપાસ માટે તેડું મોકલતા ગાડીના માલિક દિનેશભાઈ ચૌધરી પોતાના સગીર પુત્ર સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. વાલીની હાજરીમાં સગીર પુત્રએ પોલીસ સમક્ષ ગુનાની કબૂલાત કરી હતી.

ગત 16 ઓગસ્ટના રોજ રાત્રે સગીરના પિતા ઘરે ગાડીની ચાવી મૂકીને ગયા હતા. લાયસન્સ ન હોવા છતાં તે પોતાના મિત્રો સાથે ફરવા માટે આ કિયા કાર લઈને પેથાપુર જવા નીકળ્યો હતો. રસ્તામાં ચરેડી ચોકડી પાસે રાહદારી કાવડ યાત્રી સાથે અકસ્માત થતાં તે ગભરાઈ ગયો હતો અને ગાડી લઈને ત્યાંથી નાસી ગયો હતો.

સગીરના પિતા સામે પોલીસે નોંધ્યો ગુનો

પોલીસે પોતાની કારની ચાવી બેદરકારીપૂર્વક ઘરે મૂકીને સગીર પુત્ર સરળતાથી કાર લઈને રસ્તા પર નીકળી જાય તેવી જોખમી સ્થિતિ ઊભી કરવા બદલ પિતા દિનેશભાઈ ચૌધરી સામે કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે. આ મામલાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સગીર વયના સંતાનો પ્રત્યે વાલીઓની સહેજ પણ બેદરકારી મોટી આફત અને પરેશાની નોતરી શકે છે.