Gandhinagar News: ગાંધીનગર શહેરમાં ચિલોડા-હિંમતનગર હાઇવે પર એક હિટ એન્ડ રનની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં એક મહિલાનું કમકમાટીભર્યુ મોત થયાની વિગતો મળી છે. મોટા ચિલોડા પાસે નાયરાના પેટ્રોલ પંપ નજીક એક મહિલા રસ્તો ક્રોસ કરી રહી હતી. તેવામાં એક પૂરપાટ ઝડપે આવેલી કારે 52 વર્ષીય મહિલાને અડફેટે લેતાં તેનું કરુણ મોત નિપજ્યું હતું. ઘટના બાદ કાર ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો.
રસ્તો ક્રોસ કરતી મહિલાને કારે ટક્કર મારી
મળતી વિગત પ્રમાણે, મોટા ચિલોડા ખાતે 52 વર્ષીય મહિલા ઘર કામની મજૂરી માટે આવી હતી. બપોરના સમયે પોણા ચાર વાગ્યાના સુમરે ચીલોડા-હિમતનગર હાઇવે પર આવેલા નાયરા પંપ પાસે આવેલી સરકારી નર્સરી તરફ જવા માટે મહિલા રસ્તો ક્રોસ કરી હતી. તે દરમિયાન એક કાર ચાલક બેફામ અને જોખમી રીતે કાર ચલાવીને આવી રહ્યો હતો. રસ્તો ક્રોસ કરી રહેલી મહિલાને કારે જોરદાર ટક્કર મારતા મહિલા રસ્તા પર જ ફસડાઈ ગઈ હતી.
મહિલાનું ઘટના સ્થળે મોત થયું
અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. જ્યારે બીજી તરફ શરીર પર ગંભીર ઈજાઓ થતાં મહિલાનું સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું. ઘટનાને જોવા માટે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. તે અરસામાં લોકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સમાં મહિલાના શબને પીએમ માટે ગાંધીનગર સિવિલ ખાતે ખસેડ્યો છે. પોલીસ તપાસમાં મહિલાનું નામ લીલાબેન રણજિતસિંહ પ્રતાપજી મકવાણા રહે. પ્રાંતિજ સાબરકાંઠાનું સામે આવ્યું છે.
ચિલોડા પોલીસે ગુનો નોંધ્યો
ઘટનાની જાણ થતાં જ ચિલોડા પોલીસ સ્ટેશનનો કાફલો અને 108 એમ્બ્યુલન્સ હાઇવે પર પહોંચી ગઈ હતી. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ (PM) અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.
