Gandhinagar Lok Sabha Tree Plantation Drive: કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ દ્વારા ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વૃક્ષારોપણનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગાંધીનગર લોકસભા, હરિયાળી લોકસભા અભિયાન અંતર્ગત આગામી 12 જુલાઈના રોજ અમિત શાહ એક જ દિવસમાં 1 કરોડ વૃક્ષ વાવવાના અભિયાનનો અમદાવાદથી પ્રારંભ કરાવશે.
અમદાવાદથી વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ
ગાંધીનગર લોકસભાને "હરિયાળી લોકસભા" બનાવવાના અભિયાન અંતર્ગત 12 જુલાઈના રોજ અમદાવાદના સાયન્સ સિટી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. પાર્ટી કાર્યકર્તાઓથી લઈને નેતાઓને વૃક્ષારોપણથી લઈને તેની માવજત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
અમદાવાદના મેયર હિતેશ બારોટે વૃક્ષારોપણ અભિયાન અંગે માહિતી આપતા જણાવ્યું કે, 12 જુલાઈના રોજ એક સાથે એક કરોડ જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. છેલ્લા 4 વર્ષમાં 100થી વધુ ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યા છે, જેને ખુલ્લા મુકવામાં આવશે. ગાંધીનગર લોકસભામાં આવતી અમદાવાદની ચાર વિધાનસભાના 31 પ્લોટ પર વૃક્ષારોપણ કરવામાં આવશે.
400 પ્લોટમાં વૃક્ષારોપણ, અમદાવાદમાં 38
ચાલુ વર્ષે "એક પેડ મા કે નામ" અભિયાન અંતર્ગત 1 કરોડ વૃક્ષો વાવવાનો અને તેના જતનનો લક્ષ્યાંક છે. આ માટે અંદાજિત 400 જેટલા પ્લોટ શોધવામાં આવ્યા, જેમાંથી 38 પ્લોટ માત્ર અમદાવાદમાં જ છે. આ માટે કલેક્ટરના પ્લોટ, ગૌચરની જમીન અને ખાલી પડેલી જગ્યાનો ઉપયોગ કરાશે. દરેક કાર્યકર્તાને ચોક્કસ પ્લોટની જવાબદારી સોંપવામાં આવી છે, અને તેઓ રોજ વૃક્ષોની સંભાળ અને મોનીટરીંગ કરશે.
એક કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક
| વિધાનસભાનું નામ | વૃક્ષોની સંખ્યા |
|---|---|
| ગાંધીનગર ઉત્તર | 21,23,459 |
| ઘાટલોડિયા | 4,46,996 |
| કલોલ | 16,64,675 |
| નારણપુરા | 79,400 |
| સાબરમતી | 1,43,192 |
| સાણંદ | 52,64,504 |
| વેજલપુર | 3,87,800 |
| કુલ | 1,01,10,026 |
કયા વિસ્તારમાં કેટલા વૃક્ષો વવાશે?
આ અભિયાન હેઠળ લાખો વૃક્ષોનું આયોજનબદ્ધ રીતે વાવેતર થશે. વૃક્ષારોપણના મુખ્ય આંકડા મુજબ:
- સાણંદના મખીયાવ ગામ નજીક: 10 લાખ
- સરખેજના મકતમપુરામાં: 8.50 લાખ
- ગાંધીનગરના પીપળજ ગામ નજીક: 6 લાખ
- સાયન્સ સિટીમાં: 4 લાખ
- સાબરમતી રેલવે કોલોની: 60 હજાર
- કલોલમાં: 60 હજાર
- ગોતામાં: 50 હજાર
વિવિધ સંસ્થાઓ-સોસાયટીનો સહકાર મળશે
આ મહાઅભિયાનમાં ધાર્મિક સંસ્થાઓ, NGO અને બિલ્ડરોએ પણ ભાગીદારી નોંધાવી છે. ખાસ કરીને સ્વામિનારાયણ સંસ્થા અને ભાગવત વિદ્યાપીઠ જેવી સંસ્થાએ મોટી જવાબદારી લીધી છે. આ સાથે જ, કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગર લોકસભાની તમામ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીને પત્ર લખીને અપીલ કરી છે કે સોસાયટી-ફ્લેટની આસપાસ ઓછામાં ઓછા 11 અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓછામાં ઓછા 50 જેટલા લાંબુ આયુષ્ય ધરાવતા વૃક્ષ વાવે.
ગાંધીનગરના ગ્રીન કવરમાં ધરખમ વધારો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વર્ષ 2019 થી જ ગાંધીનગરને હરિયાળી લોકસભા બનાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. દર વર્ષે લાખો વૃક્ષો વાવવાના પરિણામે ગાંધીનગર લોકસભા વિસ્તારના ગ્રીન કવરમાં 11.25 ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત, છેલ્લા 4 વર્ષમાં 100થી વધુ ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યા છે.
