Gandhinagar: સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતની હરણફાળ; સાણંદમાં તૈયાર થયો વિશ્વનો વિશાળ ક્લિનરૂમ, એફિલ ટાવર કરતાં પણ વધુ સ્ટીલનો ઉપયોગ

માઇક્રોનના વૈશ્વિક ગોલ્ડ સ્ટાન્ડર્ડ અનુસાર આ ક્લિનરૂમને ભારતમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટના શુભારંભથી ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે મજબૂત દાવેદારી નોંધાવશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 27 Feb 2026 07:18 PM (IST)Updated: Fri, 27 Feb 2026 07:18 PM (IST)
gandhinagar-indias-breakthrough-in-the-semiconductor-sector-worlds-largest-cleanroom-built-in-sanand-more-steel-used-than-the-eiffel-tower

Gandhinagar: સેમિકન્ડક્ટર ચીપની ઉત્પાદન પ્રક્રિયામાં ક્લિનરૂમ મહત્વપૂર્ણ હોય છે. ચીપના ઉત્પાદનમાં વાતાવરણ એકદમ સ્વચ્છ હોય એ જરૂરી છે કારણ કે હવામાં રહેલા સાવ નાના કણ પણ ચીપમાં ઘુસીને નુકસાન પહોંચાડી શકે છે. તબીબી ઉપકરણો, દવાઓ અને સેમિકન્ડક્ટરના ઉત્પાદનો માટે ક્લિનરૂમ બનાવવામાં આવે છે. સાણંદમાં માઇક્રોન કંપનીએ બનાવેલો ક્લિનરૂમ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સામેલ થઇ ગયો છે.

માઇક્રોન ટેકનોલોજીના સીઇઓ અને પ્રમુખ સંજય મેહરોત્રાના જણાવ્યા અનુસાર માઇક્રોનના સાણંદ પ્લાન્ટમાં પ્રથમ ફેઝમાં 5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ક્લિનરૂમ નિર્માણ કરવામાં આવ્યો છે જેમાં એફિલ ટાવર કરતા સાડા ત્રણ ગણું લોખંડ અને 100 ઓલિમ્પિક આકારના સ્વિમિંગ પૂલ જેટલું કોંક્રિટ ઉપયોગમાં લેવામાં આવ્યું છે.

મોદી સરકારે મજબૂત સહયોગ આપ્યો, રોકાણ માટે પ્રોત્સાહિત કર્યા: સંજય મેહરોત્રા
તેમણે કહ્યું કે મોદી સરકારે અમને મજબૂત સહયોગ આપ્યો છે અને કંપનીઓને ભારતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરતી નીતિઓ બનાવી છે. સાણંદનો પ્રોજેક્ટ ભારતમાં એક અગ્રણી પ્રોજેક્ટ છે અને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સાથે ભાગીદારીમાં કામ કરવાનો અમને ગર્વ છે.

ક્લિનરૂમની હવા ઘણીવાર ઓપરેશન થિયેટરથી પણ સ્વચ્છ
માઇક્રોન ટીમ દ્વારા જણાવ્યા અનુસાર સાણંદના માઇક્રોન પ્લાન્ટમાં આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર વિશાળ ક્લિનરૂમ બનાવવામાં આવ્યો છે. આ ક્લિનરૂમમાં રહેલી હવા ઘણી વાર ઓપરેશન થિયેટર કરતા પણ સ્વચ્છ હોય છે. અહીં એક વાળ પણ ચીપને નુકસાન પહોંચાડી શકે છે, તેથી તેને અત્યંત સ્વચ્છ રાખવો જરૂરી છે.

ક્લિનરૂમને સ્વચ્છ રાખવા માટે ફિલ્ટર થયેલી હવાને ઉપરથી નીચે (વર્ટિકલી) સપ્રમાણસર રીતે મોકલવામાં આવે છે. આ હવા અસ્તવ્યસ્ત હોતી નથી અને એકસરખી લયમાં પ્રવાહિત થાય છે. ક્લિનરૂમનો નીચેનો ફ્લોર પણ જમીનની સપાટીથી થોડો ઉંચાઇએ બનાવેલો હોય છે, જેની નીચે હવા પસાર થાય છે અને કુલિંગ, પાવર અને ડેટાની કામગીરી ચાલતી રહે છે.

ક્લિનરૂમમાં એક ડિગ્રી જેટલા તાપમાનમાં ફેર પડે તો પણ તે મશીનની કામગીરીમાં ખલેલ પહોંચાડી શકે છે. તેથી તાપમાનને સતત અત્યંત સૂક્ષ્મ સ્તર સુધી નિયંત્રિત કરવામાં આવે છે કારણ કે મેમરી ટેસ્ટર મશીનોથી તાપમાનમાં મોટાપાયે વધારો થાય છે. એક સૂક્ષ્મ કણ પણ જો ચીપમાં જતો રહે તો વર્ષો બાદ પણ તે પ્રોડક્ટમાં નુકસાન પેદા કરી શકે છે. અહીં પાવર, કુલિંગ અને હવા માટે પૂરતી બેકઅપ પ્રણાલી રાખવામાં આવી છે જેથી કોઈ એક સિસ્ટમમાં કંઇ વિક્ષેપ થાય તો કામગીરીને યથાવત રાખી શકાય.

માઇક્રોનના વૈશ્વિક ગોલ્ડ સ્ટાન્ડર્ડ અનુસાર આ ક્લિનરૂમને ભારતમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટના શુભારંભથી ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે મજબૂત દાવેદારી નોંધાવશે. કંપની 2019થી ભારતમાં કાર્યરત છે. બેંગલુરુ અને હૈદરાબાદમાં કંપનીના રિસર્ચ અને ડેવલપમેન્ટ કેન્દ્રો સક્રિય છે. હાલમાં, માઇક્રોન ભારતમાં લગભગ 24,000 લોકોને રોજગારી આપે છે. ભારતમાં કામ કરતા કર્મચારીઓ કંપનીના વૈશ્વિક ઇનોવેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કંપનીના કેટલાક સૌથી અદ્યતન DRAM મેમરી ઉત્પાદનો અમેરિકાની ટીમોના સહયોગથી ભારતમાં ડિઝાઇન કરવામાં આવ્યા છે.