અમેરિકામાં ગુંજ્યો ગુજરાતનો ડંકો; સિલિકોન વેલીમાં Google, Micron અને Perplexity AI સાથે CM ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ બેઠકો

વાયબ્રન્ટ ગુજરાત 2027 અંતર્ગત CM ભૂપેન્દ્ર પટેલના US પ્રવાસના ત્રીજા દિવસે ગૂગલ, માઈક્રોન અને પર્પ્લેક્સિટી AI સાથે ગુજરાતમાં ટેકનોલોજી, સેમિકન્ડક્ટર અને AI તાલીમ માટે મહત્વપૂર્ણ કરાર અને ચર્ચાઓ થઈ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 19 Aug 2026 07:54 PM (IST)Updated: Wed, 19 Aug 2026 07:54 PM (IST)
cm-bhupendra-patels-us-visit-gujarats-tech-push-in-silicon-valley

CM Bhupendra Patel US Visit: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ના પ્રચાર-પ્રસાર અર્થે અમેરિકાની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉચ્ચસ્તરીય ગુજરાત પ્રતિનિધિમંડળે પ્રવાસના ત્રીજા દિવસે સિલિકોન વેલી ખાતે 'માઈક્રોન' (Micron) અને 'ગૂગલ' (Google) ના મુખ્યાલયની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન માઈક્રોનના ચેરમેન સંજય મહેરોત્રાએ સાણંદ પ્લાન્ટના વિસ્તાર માટે 20 એકર જમીનની મંજૂરી માત્ર એક જ દિવસમાં આપવા બદલ ગુજરાત સરકારની ઝડપી નિર્ણયશક્તિ અને પ્રો-એક્ટિવ અભિગમની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ફેબ્રુઆરી-2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાણંદ માઈક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીના કરાયેલા પ્રારંભને યાદ કરતાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના વિઝનથી સાણંદ અને ધોલેરા આજે વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત થઈ રહ્યા છે.

ગૂગલ સાથે AI તાલીમ, કૃષિ અને ડેટા સિક્યોરિટી પર વિસ્તૃત ચર્ચા

ગૂગલ મુખ્યાલયની મુલાકાત દરમિયાન ગૂગલના વાઈસ પ્રેસિડેન્ટ ચંદુ થોટા સાથે વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં ગૂગલે ગુજરાતના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને યુવાનો માટે AI કૌશલ્ય તાલીમ આપવા ઉત્સુકતા દર્શાવી હતી. આ ઉપરાંત, કૃષિ ક્ષેત્રે પાક પેટર્ન, જમીન (Soil) અને વિષમ આબોહવા (Climate)ના સચોટ વિશ્લેષણ માટે AI ટૂલ્સના ઉપયોગ તેમજ 'ગૂગલ વર્કપ્લેસ સોવેરિન AI'ના માધ્યમથી ડેટા સિક્યોરિટી મજબૂત કરવા અંગે પણ સઘન વિચાર-વિમર્શ થયો હતો.

પર્પ્લેક્સિટી AI અને TiE સાથે હાઈબ્રિડ સેટઅપ અંગે ફળદાયી સંવાદ

મુખ્યમંત્રીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે ઉભરતી અગ્રણી કંપની પર્પ્લેક્સિટી AI (Perplexity AI)ના CEO અરવિંદ શ્રીનિવાસ સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતમાં એન્જિનિયરિંગ, R&D સેન્ટર સ્થાપવાની શક્યતાઓ અને ડેટા સેન્ટર સેટઅપ માટે 'હાઈબ્રિડ મોડેલ' અપનાવવા અંગે પર્પ્લેક્સિટીએ ઊંડો રસ દાખવ્યો હતો.

તદુપરાંત, 1992માં સિલિકોન વેલીમાં સ્થપાયેલા 'ધ ઈન્ડસ એન્ટરપ્રેન્યોર્સ' (TiE)ના સભ્યો સાથે યોજાયેલી વિશેષ બેઠકમાં TiEના પ્રતિનિધિઓએ ગુજરાતમાં હેલ્થકેર વર્કર્સની સ્પેશિયલ ટ્રેનિંગ અને AI ટૂલ્સ દ્વારા યુથ સ્કિલિંગમાં પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી હતી.

આ તમામ ઉચ્ચસ્તરીય બેઠકોમાં રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત ડેલીગેશનના અન્ય વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.