ગાંધીનગરમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રાયસણનો બ્લિંકિટ સ્ટોર સીલ, NID અને NIFT સહિત 14 હોસ્ટેલ-કેન્ટીનમાં તપાસ, 34 નમૂના લેવાયા

ગાંધીનગર મનપાને એક ફરિયાદ મળી હતી. આ ફરિયાદના આધારે ફૂડ સેફ્ટી ટીમ દ્વારા રાયસણમાં આવેલા બ્લિંકિટ સ્ટોર પર દરોડો પાડવામાં આવ્યો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 18 Sep 2026 05:57 PM (IST)Updated: Fri, 18 Sep 2026 05:57 PM (IST)
gandhinagar-food-department-inspects-14-hostels-and-canteens-blinkit-store-licence-suspended-over-poor-hygiene

Gandhinagar News: ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા શહેરીજનોના આરોગ્યની સુખાકારીને ધ્યાને રાખીને ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા વેપારીઓ અને વિવિધ સંસ્થાઓ સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત રાયસણ ખાતે આવેલા જાણીતા બ્લિંકિટ સ્ટોરમાં અત્યંત ગંદકી અને અસ્વચ્છતા જોવા મળતાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તેનું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરી સ્ટોર બંધ કરાવી દેવામાં આવ્યો છે. આ સાથે જ શહેરની વિવિધ 14 જેટલી નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્ટેલો અને કેન્ટીનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરીને 34 જેટલા ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

બ્લિંકિટ સ્ટોરનું લાયસન્સ સસ્પેન્ડ

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર મનપાને એક ફરિયાદ મળી હતી. આ ફરિયાદના આધારે ફૂડ સેફ્ટી ટીમ દ્વારા રાયસણમાં આવેલા બ્લિંકિટ સ્ટોર પર દરોડો પાડવામાં આવ્યો હતો. ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006’ હેઠળ પાડવામાં આવેલા દરોડા દરમિયાન સ્ટોરમાં સબ-સ્ટાન્ડર્ડ સેનિટેશન, દુકાનની દીવાલો પર કરોળિયાના જાળાં બાઝેલાં જોવા મળ્યાં હતાં તેમજ સ્ટોરેજ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી.

ગ્રાહકોને ડિલિવર કરવા માટે રાખવામાં આવેલી ખાદ્યસામગ્રી અત્યંત ગંદા અને સફાઈ વગરના રેક પર મૂકવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેના પગલે સ્ટોરનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં આ ખામીઓ સુધારવામાં નહીં આવે તો લાયસન્સ કાયમી ધોરણે રદ કરવા સહિતની કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે.

 14 હોસ્ટેલ-કેન્ટીનમાં ફૂડ શાખા દ્વારા તપાસ હાથ ધરાઈ

બીજી તરફ, સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી હોસ્ટેલ કિચન ચેકિંગ ઝુંબેશના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓની હોસ્ટેલ અને કેન્ટીનોમાં વ્યાપક તપાસ હાથ ધરી હતી. આ અંતર્ગત યુથ હોસ્ટેલ ગીતા રેસિડેન્સી, જી.આઈ.ડી.એમ., સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ હોસ્ટેલ, ઈડીઆઈ ભાટ, આદર્શ નિવાસી શાળા, એનઆઈડી, ઉત્કર્ષ હોસ્ટેલ, અન્નપૂર્ણા ધામ, આઈએઆર , કડી સર્વ વિદ્યાલય, એનઆઈએફટી તેમજ ડીએઆઈઆઈસીટી કેમ્પસની કેન્ટીન સહિત કુલ 14 સ્થળો પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

34 ખાદ્ય નમૂના લેવાયા

આ સઘન ચેકિંગ દરમિયાન યુથ હોસ્ટેલ ગીતા રેસિડેન્સીમાં પણ બિનઆરોગ્યપ્રદ સ્થિતિ અને અસ્વચ્છતા જોવા મળતા તેને સુધારણા નોટિસ પાઠવવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન અલગ-અલગ શૈક્ષણિક સંસ્થાઓ અને કેન્ટીનોમાંથી ખાદ્યપદાર્થોના કુલ 34 જેટલા નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે, જેને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી દેવાયા છે. આ લેબ ટેસ્ટના અહેવાલ આવ્યા બાદ કસૂરવારો સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે.

ગાંધીનગર મહાનગરપાલિકાના ડેઝિગ્નેટેડ ઓફિસર એસ. એ. ઓડે તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરો, હોસ્ટેલ અને કેન્ટીન સંચાલકોને કડક તાકીદ કરી છે કે રસોડામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓએ ફરજિયાતપણે હેડ કેપ, એપ્રોન અને ગ્લોવ્ઝ પહેરવાના રહેશે. આ ઉપરાંત, ખોરાક તૈયાર કરતી વખતે કૃત્રિમ રંગોનો ઉપયોગ ન કરવા, ન્યૂઝપેપરમાં ખાદ્ય સામગ્રી ન પીરસવા તેમજ નાશવંત ચીજવસ્તુઓને નિયત તાપમાને જ સંગ્રહિત કરવા માટે સ્પષ્ટ આદેશો જારી કરાયા છે. નાગરિકોના સ્વાસ્થ્ય રક્ષા માટે મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક ઝુંબેશ અવિરતપણે ચાલુ રાખવામાં આવશે.