ગાંધીનગર જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાઈ: ગ્રામ્ય વિકાસ માટે રુ. 12 કરોડના કામોને મંજૂરી આપી, આ ચાર તાલુકાઓનો થશે કાયાકલ્પ

ગાંધીનગર જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં ₹12 કરોડના વિકાસ કામોને મંજૂરી મળી. 4 તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ અને રસ્તાના કામો થશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 17 Sep 2026 09:23 AM (IST)Updated: Thu, 17 Sep 2026 09:23 AM (IST)
gandhinagar-district-panchayat-first-general-meeting-12-crore-development-works

Gandhinagar news: ગાંધીનગર જિલ્લા પંચાયતની નવી બોડીની ચૂંટણીના 4 મહિના બાદ પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં પ્રમુખ, ચેરમેન, સભ્યો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તેમની હાજરીમાં સવા કલાક સુધી વિવિધ મુદ્દાઓ પર સઘન ચર્ચા-વિચારણા ચાલી હતી. આ સામાન્ય સભામાં ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે રુ.12 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી.

12 કરોડની ગ્રાન્ટથી થશે વિકાસ કામો

ગાંધીનગર જિલ્લા પંચાયતના 28 ચૂંટાયેલા સભ્યોએ છેલ્લા એક માસથી પોતાના સભાખંડ અને મતવિસ્તારનૂ જરુરિયાતો પ્રમાણે કામોની યાદી તૈયાર કરી હતી, આ બેઠકમાં મુખ્યત્વે બે અલગ અલગ ગ્રાન્ટમાંથી વિકાસકાર્યોને મંજૂરીની મહોર મારવામાં આવી છે. જેમાં સામાન્ય સભામાં 16મા નાણાપંચની ગ્રાન્ટમાંથી રુ.6 કરોડના કામો અને રેતી-કાંકરી અને સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટમાંથી રુ.8 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ ગ્રાન્ટ હેઠળ ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાઓ ગાંધીનગર, માણસા, કલોલ અને દહેગામના ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર માળખાકીય સુવિધાઓનો વિકાસ કરાશે

ગ્રાન્ટમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાનો વિકાસ

સામાન્ય સભામાં મંજૂર કરાયેલી ગ્રાન્ટમાંથી ગાંધીનગરના ચારેય તાલુકાઓમાં પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, ભૂગર્ભ ગટર અને ડ્રેનેજ લાઈન વ્યવસ્થા, ગ્રામ્ય વિસ્તારોમાં એલઈડી સ્ટ્રીટ લાઈટનું નેટવર્ક, આંતરિક અને મુખ્ય રસ્તાઓનું નવીની કરણ સહિતની કામગીરી કરવામાં આવનાર છે.

જિલ્લા વિકાસ અધિકારીએ આપી સૂચના

આ સામાન્ય સભામાં માત્ર વિકાસ કામોને લગતી જ નહીં પરંતુ ચૂંટાયેલા વહીવટી અધિકારીઓ અને જન પ્રતિનિધિઓ વચ્ચેના સંકલન અંગે પણ લાંબી ચર્ચા કરાઈ હતી, સભ્યોએ પોતાના વિસ્તારના પ્રશ્નો અને રજૂઆતો વહીવટી તંત્ર સામે મૂકી હતી. તેમજ આ અંગે જિલ્લા વિકાસ અધિકારીએ તમામ શાખા અધિકારીઓને સ્પષ્ટ પણે સૂચના આપી કે, ચૂંટાયેલાા સભ્યો સાથે સીધા સંકલનમાં રહી લોકહિતના કાર્યો પૂર્ણ કરવા.